Sat May 02 2026

Logo

સાઉદી અરેબિયાએ ઈરાન વિરુદ્ધ મોટું પગલું ભર્યું, દૂતાવાસના કર્મચારીઓને 24 કલાકમાં દેશ છોડવા આદેશ...

Riyadh   2026-03-22 16:09:58
Author: Chandrakant Kanoja
Article Image

REUTERS


રિયાદ : મિડલ ઇસ્ટમાં સતત તણાવ વધી રહ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે 23 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાને હુમલા બાદ આસપાસના દેશો જેમાં અમેરિકન સેનાના બેઝ છે ત્યાં પણ હુમલા કર્યા છે. જેના પગલે હવે સાઉદી અરેબિયાએ ઈરાન વિરુદ્ધ મોટું પગલું ભર્યું છે. જેમાં  સાઉદી અરેબિયાએ ઇરાની દૂતાવાસના કર્મચારીઓને 'પર્સોના નોન ગ્રેટા' જાહેર કર્યા છે અને તેમને 24 કલાકની અંદર દેશ છોડી દેવાનો આદેશ આપ્યો છે. સાઉદી અરેબિયા તરફથી આ પગલું ખાડી ક્ષેત્રમાં ઈરાન દ્વારા સતત થઈ રહેલા હુમલાઓ બાદ લેવામાં આવ્યું છે. 

સાર્વભૌમત્વનું સ્પષ્ટ ઉલ્લંઘન 

સાઉદી અરબના  વિદેશ મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈરાનના લશ્કરી એટેચી, તેમના સહાયક અને દૂતાવાસના ત્રણ અન્ય સ્ટાફ સભ્યોને 'પર્સોના નોન ગ્રેટા' જાહેર કરવામાં આવ્યા છે. તેમણે 24 કલાકની અંદર રિયાદ  છોડવું પડશે. મંત્રાલયે સાઉદી અરેબિયામાં ઈરાનના હુમલાઓને આંતરરાષ્ટ્રીય સંધિઓ, સારા પડોશીના સિદ્ધાંત અને સાર્વભૌમત્વનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું. સાઉદી અરેબિયાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈરાનના હુમલા બેઇજિંગ કરાર, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ 2817 અને ઇસ્લામિક ભાઈચારાના મૂલ્યોની વિરુદ્ધ છે.

કતરે પણ આ અગાઉ ઈરાની દૂતાવાસના કર્મચારીને 'પર્સોના નોન ગ્રેટા' જાહેર કર્યા

ઈરાની દૂતાવાસના કર્મચારીઓને 'પર્સોના નોન ગ્રેટા' જાહેર કર્યા પછી, સાઉદી વિદેશ મંત્રાલયે ચેતવણી આપી હતી કે ઈરાન દ્વારા કરવામાં આવેલા આ હુમલાઓ દ્વિપક્ષીય સંબંધો પર ઊંડી અસર કરશે. આમ, સાઉદી અરેબિયા તેની સાર્વભૌમત્વ, સુરક્ષા અને ક્ષેત્રના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેવામાં અચકાશે નહીં. સાઉદી અરેબિયાનો આ નિર્ણય ઈરાન દ્વારા ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) દેશો પર સતત હુમલાઓના જવાબમાં આપ્યો  છે. આ અગાઉ 18-19 માર્ચે, કતરે ઈરાની દૂતાવાસના લશ્કરી અને સુરક્ષા એટેચી અને તેમના સ્ટાફને 'પર્સોના નોન ગ્રેટા' જાહેર કર્યા હતા કારણ કે ઈરાને કતારના રાસ લફાન ગેસ સુવિધા પર તેનો સૌથી મોટો હુમલો કર્યો હતો. જેમાં ભારે નુકસાન થયું હતું. કતરે આ હુમલાને  તેની સાર્વભૌમત્વનું  ખતરનાક ઉલ્લંઘન ગણાવ્યું હતું.