Tue Apr 28 2026

Logo

પશુપાલકોની આર્થિક ઉન્નતિનો નવો અધ્યાય: સરહદ ડેરી દ્વારા મધ્યપ્રદેશના પન્નામાં ‘દૂધ શીત કેન્દ્ર’નું લોકાર્પણ

2026-04-28 14:10:49
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ કચ્છની પ્રસિદ્ધ સરહદ ડેરીના સંયોજનથી મધ્યપ્રદેશના પન્ના તાલુકામાં નિર્મિત 'પહાડીખેડા ક્લસ્ટર દૂધ શીત કેન્દ્ર'નો ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કેન્દ્રના પ્રારંભ સાથે જ સ્થાનિક પશુપાલકો માટે દૂધના સંગ્રહ અને વેચાણની આધુનિક સુવિધા ઉપલબ્ધ બની છે.

આ કેન્દ્રનું ઉદ્ઘાટન પન્ના વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બીજેન્દ્ર પ્રતાપસિંહે કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ભારત આજે વિશ્વમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર છે ત્યારે ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં ડેરી ઉદ્યોગનો ફાળો અત્યંત મહત્વનો છે. તેમણે સરહદ ડેરીની આ પહેલને બિરદાવતા પશુપાલકોને પશુઓની ઓલાદ સુધારવા માટે 'કૃત્રિમ બીજદાન' જેવી આધુનિક પદ્ધતિઓ અપનાવવા અનુરોધ કર્યો હતો.

પહાડીખેડા ક્લસ્ટર સાથે આસપાસની ૧૭ દૂધ મંડળીઓ જોડાઈ છે. લોકાર્પણના પ્રથમ દિવસે જ આ સમિતિઓ દ્વારા અંદાજે ૯૫૦ લિટર દૂધ એકત્રિત કરવામાં આવ્યું હતું, જે આગામી સમયમાં પશુપાલકોની વધતી ભાગીદારીનો સંકેત આપે છે.

સરહદ ડેરીના ચેરમેન વલ્લમજીભાઈ હુંબલે આ પ્રસંગે પશુપાલકોને સંબોધતા જણાવ્યું હતું કે, પશુપાલકોને તેમના દૂધનો પૂરતો અને યોગ્ય ભાવ મળે તેમજ ડેરી સંબંધિત તમામ પાયાની સુવિધાઓ આંગણ આંગણે ઉપલબ્ધ થાય તે જ અમારું મુખ્ય લક્ષ્ય છે. તેમણે તમામ મંડળીઓને ડેરી દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સુવિધાઓનો મહત્તમ લાભ લેવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક પશુપાલકો, સહકારી અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(ઉત્સવ વૈદ્ય)