Thu Apr 30 2026

Logo

અમિત શાહ તડીપાર કરાયા, ત્યારે બાળ ઠાકરેએ મદદ કરી હતી, અને એસઆઈટી તપાસમાં ફસાયા ત્યારે શરદ પવારે મદદ કરી: સંજય રાઉત

2026-04-05 17:59:00
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે રવિવારે એવી સ્પષ્ટતા કરી હતી કે ગૃહ પ્રધાન અમિત શાહને જ્યારે તડીપાર કરવામાં આવ્યા ત્યારે બાળ ઠાકરે અને શરદ પવારે તેમને ઘણી મદદ કરી હતી. કપિલ સિબ્બલના કાર્યક્રમ ‘દિલ સે’માં રાઉતે આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે ઘણા વિસ્ફોટક ખુલાસા અને પર્દાફાશ કર્યા હતા. તેમણે મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન, તપાસ એજન્સીઓના ઉપયોગ અને જેલમાં તેમના અનુભવ પર વિગતવાર ટિપ્પણી કરી હતી. 

અમિત શાહ માતોશ્રીના દ્વાર પર આવીને રોકાયા હતા. તેમનો સંદેશ બાળ ઠાકરે સુધી પહોંચાડવામાં આવી રહ્યો હતો. બીજા દિવસે, શાહ આખરે બાળાસાહેબને મળી શક્યા. શાહ તે સમયે તડીપાર હતા અને તેમના કેટલાક કેસ મુંબઈમાં ચાલી રહ્યા હતા. તેઓ બાળાસાહેબને મળ્યા અને તેમને બધું કહ્યું, ઘણા કેસ અને તેમના કારણે થયેલી મુશ્કેલી વર્ણવી અને મદદ માટે વિનંતી કરી. બાળાસાહેબે મનોહર જોશીને ફોન કરીને ન્યાયાધીશને મળવા અને તેમને ફોન કરવા કહ્યું હતું. બાળાસાહેબે ન્યાયાધીશ સાથે વાત કરી અને અમિત શાહને સહયોગ આપવા કહ્યું હતું અને તેમને મદદ મળી હતી, એમ સંજય રાઉતે કહ્યું હતું. 

શરદ પવાર કેન્દ્રમાં કૃષિ પ્રધાન હતા અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. તે સમયે અમિત શાહ સામે એસઆઈટી તપાસ ચાલી રહી હતી. મોદીએ કેટલાક અધિકારીઓ સાથે વાત કરી હતી, પરંતુ મહારાષ્ટ્ર કેડરનો એક અધિકારી તૈયાર નહોતો. તે સમયે મોદીએ તપાસમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવા માટે શરદ પવારની મદદ લીધી હતી. સંજય રાઉતે કહ્યું કે પવારે અધિકારીને કહીને તેમને મદદ કરી. ભાજપે પોતાના પક્ષને તોડવાનું કામ કર્યું, જેનાથી તેમને કટોકટીના સમયમાં મદદ મળી હતી, એવી ટીકા સંજય રાઉતે કરી હતી. 
તેમણે એમ પણ કહ્યું હતું કે સંજય રાઉતે તેમના પુસ્તક ‘હેવન ઇન હેલ’માં પણ આ બંને વાતોનો ઉલ્લેખ કર્યો છે. 
એકનાથ શિંદે મોટા નેતા નથી, તેમને ઉદ્ધવ ઠાકરેએ મિનિસ્ટર બનાવ્યા હતા. બળવાના એક દિવસ પહેલા, એકનાથ શિંદે મારી પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે મારી હવે જેલ જવાની ઉંમર નથી. અમારે ભાજપ સાથે ગઠબંધન કરવું પડશે, નહીં તો બધા નેતાઓ મુશ્કેલીમાં મુકાઈ જશે. મેં તેમને બહાદુર બનવા કહ્યું, પરંતુ ભાજપે તક ઝડપી લીધી અને શિવસેનાના વિધાનસભ્યોને તોડીને શિંદેને મુખ્ય પ્રધાન બનાવ્યા, એમ સંજય રાઉતે આ મુલાકાતમાં જણાવ્યું હતું. 

રાઉતે એમ પણ કહ્યું કે અમિત શાહ, જે એક વર્ષ માટે શિવસેનાને મુખ્ય પ્રધાનપદ આપવા તૈયાર ન હતા, તેમણે એકનાથ શિંદેને અઢી વર્ષ માટે મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. તેમણે મુલાકાતમાં કહ્યું કે સંજય રાઉતે મહા વિકાસ આઘાડી સાથે પ્રયોગ કરવાની પહેલ કરી હતી, તેથી સજા તરીકે તેમની સામે કાવતરું ઘડવામાં આવ્યું હતું.

જેલમાં કોઈ સુવિધાઓ નહોતી. મુંબઈમાં ઈડીની કોઈ જેલ નથી. અમને ઈડીની ઓફિસમાં રાત્રે ટેબલ પર સૂવું પડતું હતું. સંજય રાઉતે કહ્યું હતું કે આર્થર રોડ જેલની હાલત ખૂબ જ ભયાનક છે. ‘જેલની ક્ષમતા 750 છે, અને જ્યારે હું ત્યાં હતો ત્યારે જેલમાં 8,500 કેદીઓ હતા. અમારે સવારે સાત વાગ્યા પહેલા જાહેર શૌચાલયમાં સ્નાન કરવું પડતું હતું. જેલમાં કસાબની બાજુના કોટડીમાં રાખવામાં આવતો હતો અને અનિલ દેશમુખ પણ એક બાજુ હતા,’ એમ સંજય રાઉતે કહ્યું હતું.  તેમણે પોતાનો અનુભવ શેર કર્યો કે જેલમાં લાડુ, બટાકાના વડા વગેરેને વૈભવી વસ્તુઓ તરીકે જપ્ત કરવામાં આવતા હતા.

‘2014 પછી, લોકશાહીનું મૂળભૂત માળખું બદલાઈ ગયું છે અને ચૂંટાયેલી સરકારોને ઉથલાવી નાખવી એ ભાજપનો વ્યવસાય બની ગયો છે. મહારાષ્ટ્રમાં, વિધાનસભ્યોને 50-50 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી રહ્યા છે. ઇઝરાયલ-ઈરાન વિવાદ વિશે વાત કરતી વખતે, તેમણે ભારતની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યો  હતો અને શા માટે વડા પ્રધાન પોતાને ‘વિશ્ર્વગુરુ’ કહે છે, પરંતુ મહત્વપૂર્ણ સમયે ચૂપ રહે છે,’ એમ સંજય રાઉતે કહ્યું હતું.