Mon Oct 05 2026

Logo

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ નજીક બનશે આઠ પિકલબૉલ કોર્ટ

2026-09-15 17:32:00
Author: Pooja Shah
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ નજીક બનશે આઠ પિકલબૉલ કોર્ટ

પ્રતીકાત્મક તસવીર


અમદાવાદઃ પિકલબૉલ રમવાના શોખિનો માટે અમદાવાદ મનપા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આઠ પિકલબૉલ કોર્ટ તૈયાર કરવાનું આયોજન કરી રહી છે. જ્યાં પિકલબૉલ રમી શકાશે અને સ્પર્ધાઓનું આયોજન પણ કરી શકાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (મનપા) વતી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે સાબરમતી નદીના પશ્ચિમ કિનારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનની પાછળ 7,000 ચોરસ મીટરના પ્લોટ પર પ્રસ્તાવિત હાઇ પર્ફોર્મન્સ પિકલબોલ સેન્ટર વિકસાવવા અને ચલાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે.

ડિઝાઈન, બિલ્ડ, ફાયનાન્સ,ઑપરેટ અને મેઈનટેઈન આ મોડેલ પર કોર્ટ ઊભા કરવામાં આવશે, જેમાં કન્સ્ટ્રક્શન અને ઑપરેશનની જવાબદારી કૉન્ટ્રાક્ટરની રહેશે. આ સેન્ટરમાં ઓછામાં ઓછા આઠ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના પિકબોલ કોર્ટ હશે, જેમાં ટુર્નામેન્ટ યોજી શકાય તેવા લાઇટિંગ, વોર્મ-અપ એરિયા અને દર્શકો માટે બેઠક વ્યવસ્થા હશે. તેમાં કોચિંગ, ફિઝીયોથેરાપી, ચેન્જિંગ રૂમ, પ્રાથમિક સારવાર સુવિધાઓ, કાફે અથવા ફૂડ કોર્ટ અને ઓછામાં ઓછી 50 કાર માટે પાર્કિંગનો પણ સમાવેશ થશે.

સૌથી સારી વાત એ છે કે આ કોર્ટ માત્ર પ્રોફેશનલ પ્લેયર્સ કે કોઈ કૉચિંગ કે સ્પોર્ટ્સ ક્લબ સાથે જોડાયેલા લોકો માટે જ નથી, પરંતુ કોઈપણ સામાન્ય નાગરિક પણ અહીં રમી શકશે. યુવાનો પિકલબોલ રમવાનું પસંદ કરી રહ્યા છે, આથી મનપાએ આવી સુવિધા ઊભી કરવાનો વિચાર કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.