અમદાવાદ: દેશના પ્રથમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. અમદાવાદમાં સાબરમતી નદી પર બની રહેલા બુલેટ ટ્રેન પુલનું કામ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, આ પુલ જમીનથી આશરે 36 મીટર એટલે કે 118 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે, જે આશરે 12 માળની બિલ્ડિંગ જેટલી ઊંચાઈ ધરાવે છે. પશ્ચિમ રેલવેની અમદાવાદ-દિલ્હી મેઈન લાઈનને સમાંતર બની રહેલો આ 480 મીટર લાંબો પુલ સાબરમતી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનોની વચ્ચે વ્યૂહાત્મક રીતે તૈયાર કરવામાં આવી રહ્યો છે.
પ્રોજેક્ટના નિર્માણ કાર્યની વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, નદી પરના તમામ આઠ મોટા રાઉન્ડ થાંભલાનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ થાંભલાનો વ્યાસ 6 થી 6.5 મીટર છે અને તેમની ઊંચાઈ 31 થી 34 મીટરની વચ્ચે છે. નદીના કુદરતી પ્રવાહને કોઈ નુકસાન ન થાય તે રીતે આ થાંભલાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ચાર થાંભલા નદીના પટમાં અને બાકીના કાંઠા પર બનાવવામાં આવ્યા છે. આ પુલના નિર્માણમાં 76 મીટરના 5 સ્પાન અને 50 મીટરના 2 સ્પાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનું કામ અત્યાધુનિક 'બેલેન્સ્ડ કેન્ટિલિવર' પદ્ધતિથી કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ખૂબ જ ગતિથી ચાલી રહી છે અને રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવે 15 ઓગસ્ટ, 2027 સુધીમાં બુલેટ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ હાઈ-સ્પીડ કોરિડોર કાર્યરત થતાં જ મુસાફરોને સાબરમતી નદી પર 12 માળની ઊંચાઈએથી પસાર થવાનો અદભૂત લ્હાવો મળી રહેશે. સાબરમીત સ્ટેશનથી માત્ર 1 કિમીના અંતરે આવેલો આ બ્રિજ ટેકનોલોજી અને એન્જિનિયરિંગની દ્રષ્ટિએ આખા પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ બની રહેશે.
