(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે સાધારણ ત્રણ પૈસાના સુધારા સાથે 95.42ના મખાળે બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં જળવાઈ રહેલી વેચવાલી અને ક્રૂડતેલના ભાવમાં વધારો જોવા મળ્યો હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.45ના બંધ સામે સુધારાના અન્ડરટોને 95.39ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.44 અને ઉપરમાં 95.38ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે સાધારણ ત્રણ પૈસાના સુધારા સાથે 95.42ના મથાળે રહ્યા હતા. નોંધનીય બાબત એ છે ગઈકાલે ડૉલર સામે રૂપિયો 12 પૈસા નબળો પડ્યો હતો.
એકંદરે આજે ડૉલર સામે રૂપિયો સાધારણ નરમાઈ સાથે સાંકડી વધઘટે અથડાઈ ગયો હોવાનું એલકેપી સિક્યોરિટીઝનાં કૉમૉડિટી અને કરન્સી વિભાગનાં વાઈસ પ્રેસિડૅન્ટ જતીન ત્રિવેદીએ જણાવતા ઉમેર્યું હતું કે ગત જુલાઈ મહિનામાં ક્રૂડતેલના ભાવમાં 25 ટકાનો ઉછાળો આવ્યો હોવાથી તેમ જ ડૉલર ઈન્ડેક્સ 100ની સપાટી આસપાસ રહેતો હોવાથી રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. જોકે, હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 95.10થી 95.80 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.08 ટકા ઘટીને 99.78 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, પરંતુ બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.99 ટકા વધીને બેરલદીઠ 87.93 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી અને સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 70.71 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 29.25 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 510.69 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવતાં રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.