(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવમાં વધારો, ડૉલર ઈન્ડેક્સમાં મક્કમ વલણ અને વિદેશી રોકાણકારોનો મૂડીગત્ બાહ્ય પ્રવાહ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 50 પૈસાના ધોવાણ સાથે 96.70ની સત્રની અને ઐતિહાસિક નીચી સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે વર્ષ 2026માં અત્યાર સુધીમાં રૂપિયામાં સાત ટકાનો અને આ મહિનામાં અત્યાર સુધીમાં 1.50 ટકાનો કડાકો બોલાઈ જવાની સાથે એશિયાનાં તમામ ચલણોમાં રૂપિયામાં સૌથી વધુ નબળી કામગીરી જોવા મળી છે.
ફોરેક્સ ટ્રેડરોના જણાવ્યાનુસાર સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ વિક્ષેપિત થવાથી ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલી તેજીની ભારત સહિત અન્ય ઊભરતાં અર્થતંત્રોનાં ચલણ પર અત્યંત માઠી અસર પડી છે. જોકે, ભારતમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં નોંધપાત્ર માત્રામાં વેચવાલીનું દબાણ રહ્યું હોવાથી અન્ય ઊભરતાં રાષ્ટ્રોનાં ચલણોની સરખામણીમાં રૂપિયા પર વધુ માઠી અસર પડી છે.
.આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 96.20ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 96.38ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 96.70 અને ઉપરમાં 96.27ની રેન્જમાં અથડાઈને અંતે 50 પૈસાના કડાકા સાથે 96.70ની સત્રની નીચી વિક્રમ સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે રૂપિયામાં 39 પૈસાનો ઘટાડો નોંધાયો હતો.
હાલમાં પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવને કારણે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ક્રૂડતેલના ઊંચા ભાવને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ જળવાઈ રહે તેવી શક્યતા છે. તેમ છતાં રિઝર્વ બૅન્કનો બજારમાં હસ્તક્ષેપ અને સરકારે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓ પર આયાત જકાતમાં વધારો કર્યો હોવાથી અમુક અંશે રૂપિયાને ટેકો મળતાં ડૉલર સામે રૂપિયાની રેન્જ 96થી 96.60 આસપાસની રહી શકે છે, એમ મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.05 ટકાના સુધારા સાથે 99.24 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ બેરલદીઠ 109.65 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય સ્થાનિક સ્તરે આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 114.19 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 31.95 પૉઈન્ટનો ઘટાડો થયો હતો. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 2813.69 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવા છતાં રૂપિયા પર ખાસ અસર જોવા ન મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.