(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક બજારમાં આજે બે્રન્ટક્રૂડતેલના ભાવમાં ઘટાડાતરફી વલણ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો અને સંભવિતપણે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાનો બજારમાં હસ્તક્ષેપ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં એક તબક્કે 14 પૈસાનો સુધારો આવ્યો હતો, પરંતુ માસાન્તને કારણે ડૉલરમાં આયાતકારોની લેવાલી અને ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહેતાં સત્રના અંતે રૂપિયો સાધારણ બે પૈસાના સુધારા સાથે 95.43ના મથાળે બંધ રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.45ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 95.54ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.57 અને ઉપરમાં 95.31 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે બે પૈસા વધીને 95.43ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં છ પૈસાનો સુધારો આવ્યો હતો.
એકંદરે આજે ડૉલર સામે રૂપિયો પંચાવન પૈસા સુધી તૂટ્યો હતો, પરંતુ રિઝર્વ બૅન્કની એફસીએનઆર (બી) સ્કીમને અપેક્ષા કરતાં સારો પ્રતિસાદ મળતાં અંદાજે 65 અબજ ડૉલરનો આંતરપ્રવાહ રહ્યો હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા રૂપિયાને ટેકો મળ્યો હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે જણાવ્યું હતું.
દરમિયાન આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.51 ટકા ઘટીને બેરલદીઠ 89.24 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ સ્થાનિક સ્તરે આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 330.92 પૉઈન્ટનો અને 84.80 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને અમુક અંશે ટેકો મળ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.06 ટકા વધીને 99.21 આસપાસ રહ્યો હોવાથી અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 298.26 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.