મુંબઈ: ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીના નિવાસસ્થાન પર ગોળીબાર કરવાના કેસમાં ધરપકડ કરાયેલા મુખ્ય શૂટર સહિત સાત આરોપીની પોલીસ કસ્ટડી કોર્ટે સાત દિવસ વધારી આપી હતી. ઘટનાસ્થળ સહિત ગુનાનાં અમુક પાસાંની તપાસ જરૂરી હોવાથી પોલીસે સાતેય આરોપીની કસ્ટડીની માગણી કરી હતી.
શસ્ત્રો સંબંધી અમુક જપ્તિઓ હજુ બાકી છે. આરોપીઓ દ્વારા કરાયેલી રૅકી મામલે પણ તપાસ જરૂરી હોવાનું કહીને પોલીસે આરોપીઓની વધુ દસ દિવસની કસ્ટડી માગી હતી. જોકે કોર્ટે તેમને ચોથી માર્ચ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
આ કેસમાં આર્મ્સ ઍક્ટની વધારાની કલમો ઉમેરવામાં આવી હોવા તરફ કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે યુપી અને હરિયાણા એસટીએફની મદદથી ઉત્તર પ્રદેશ અને હરિયાણાથી 15 ફેબ્રુઆરીએ શૂટર દીપક શર્મા સહિત સાતની ધરપકડ કરી હતી. બુધવારે કસ્ટડી પૂરી થતી હોવાથી તેમને મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઑફ ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઍક્ટ (એમસીઓસીએ) હેઠળના કેસની સુનાવણી કરતા સ્પેશિયલ જજ સત્યનારાયણ નાવંદર સમક્ષ હાજર કરાયા હતા.
આરોપીઓ વતી એડ્વોકેટ દિલીપ શુક્લાએ 10 દિવસની પોલીસ કસ્ટડીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે ન્યાયના હિતમાં હવે પોલીસને ટૂંકી કસ્ટડી આપવી જોઈએ. જજે બન્ને પક્ષને સાંભળ્યા પછી નોંધ કરી હતી કે તપાસની ક્ષિતિજ જોતાં પોલીસને પૂરતો સમય આપવાનું જરૂરી છે. (પીટીઆઈ)