આરઝુ બિશ્ર્નોઇ, શુભમ લોણકરને વોન્ટેડ બતાવાયા
મુંબઈ: ફિલ્મમેકર રોહિત શેટ્ટીના જુહુ વિસ્તારમાં આવેલા ઘર પર ગોળીબારના કેસમાં ગુરુવારે મુંબઇ પોલીસે વિશેષ એમસીઓસીએ કોર્ટમાં 17 આરોપી વિરુદ્ધ 1,624 પાનાંનું આરોપનામું દાખલ કર્યું હતું. આ કેસમાં પંદર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે લોરેન્સ બિશ્ર્નોઇ ગેન્ગ સાથે સંકળાયેલા શુભમ લોણકર અને આરઝુ બિશ્ર્નોઇને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. લોણકર અને આરઝુ બિશ્ર્નોઇએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ ગોળીબારની જવાબદારી સ્વીકારી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
જુહુ વિસ્તારમાં આવેલા શેટ્ટી ટાવરમાં રહેતા ફિલ્મમેકર રોહિત શેટ્ટીના ઘર પર 1 ફેબ્રુઆરીએ મોડી રાતે પાંચ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. એક ગોળી ઇમારતના પહેલા માળે આવેલા જિમના કાચમાં ફસાઇ ગઇ હતી. આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ કેસની તપાસ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ હતી.
ગુનામાં સામેલ આરોપીઓ લોણકરના ઇશારે કામ કરતા હતા અને તેમણે ફાયરિંગ અગાઉ ત્રણ વાર રોહિત શેટ્ટીના ઘરની રૅકી કરી હતી અને ફાયરિંગ અગાઉ આમાંના કેટલાક નજીકના વિસ્તારમાં દારૂ પણ પીધો હતો.
શૂટર દીપક શર્મા અને અન્ય ત્રણ આરોપી ઘટનાને દિવસે જુહુ વિસ્તારમાં આવ્યા હતા. ફાયરિંગ બાદ તેઓ રિક્ષામાં કલ્યાણ ભાગી છૂટ્યા હતા. તેમણે ટ્રેનમાં ભાગી છૂટતા પહેલા અન્ય આરોપીના કલ્યાણના ઘરમાં મીટિંગ કરી હતી. આરોપી હરિયાણામાં એક સ્થળે છુપાયા હતા, જેની વ્યવસ્થા રિતિક યાદવે કરી આપી હતી, જેની બાદમાં ધરપકડ કરાઇ હતી.
દીપક શર્મા અને રિતિક યાદવ ઉપરાંત પકડાયેલા અન્ય આરોપીઓમાં સની ઠાકુર, સોનુ, જતિન ભારદ્વાજ, વિશાલ ઠાકુર, વિષ્ણુ કુશવાહ, આદિત્ય ગાયકી, સિદ્ધાર્થ યેનપુરે, સમર્થ પોમાજી સહિત સ્વપ્નીલ સકટ અને આસારામ ફાસલેનો સમાવેશ થાય છે.
વોન્ટડ આરોપી શુભમ લોણકરનો ભાઇ પ્રવીણ ફાયરિંગના અન્ય કેસમાં જેલમાં હતો તેને પણ બાદમાં કસ્ટડીમાં લેવાયો હતો. પ્રવીણ લોણકર પર શસ્ત્રો સપ્લાય કરવાનો, પૈસાની લેવડદેવડ, કાવતરાનો ભાગ અને આરોપીઓનો બ્રેઇનવૉશ કરવાનો આરોપ છે. શુભમ લોણકર એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યા અને ફિલ્મ અભિનેતા સલમાન ખાનના બાંદ્રા વિસ્તારમાં આવેલા નિવાસસ્થાને ગોળીબારના કેસમાં પણ વોન્ટેડ છે.
(પીટીઆઇ)