Tue May 19 2026

Logo

ઋષિકેશ ઉજ્જૈની એક્સપ્રેસના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતર્યા, મુસાફરો ન હોવાથી રાહત

2026-05-19 08:59:00
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: તાજેતરના દિવસોમાં અનેક રાજ્યોમાંથી યાત્રાળુઓ દેવભૂમિ ઉત્તરાખંડ યાત્રા માટે પહોંચતા હોય છે. આ દિવસો દરમિયાન યાત્રાળુઓની ખાસ્સી ભીડ રહેતી હોય છે. ત્યારે ઋષિકેશના યોગ નગરી રેલવે સ્ટેશનની પાસે મોડી રાતે ઉજ્જૈની એક્સપ્રેસના ત્રણ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટના એ સમયે સર્જાય હતી કે જ્યારે ટ્રેન યાર્ડ ક્ષેત્રથી પસાર થઈ રહી હતી. જો કે રાહતની વાત તો એ છે કે આ સમયે ટ્રેનમાં કોઈ જ મુસાફર ન હોવાથી એ મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. 

આ અંગે ઘટનાની જાણ થતાંની સાથે જ રેલવે તંત્ર, આરપીએફ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આજે વહેલી સવારથી જ પાટાનું સમારકામ અને ડબ્બાઓને ફરીથી પાટા પર લાવવાની કામગીરી આદરી દેવામાં આવી છે. દુર્ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને અન્ય ટ્રેનને પણ રોકવામાં આવી હોવાની વિગતો પણ સૂત્રોએ આપી હતી. 

પ્રાથમિક  તપાસમાં ટ્રેનમાં બ્રેક ફેલ થઈ હોવાની આશંકા સેવાઇ રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેન નિયમિત મેન્ટનેસ પ્રક્રિયામાં હતી અને તે દરમિયાન જ તેનું નિયંત્રણ બગડી ગયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દુર્ઘટના બાદ રેલવે તંત્ર પર અનેક સવાલો ખડા થઈ રહ્યા છે. સ્થાનિક લોકોને આક્ષેપ છે કે દુર્ઘટના બાદ લગભગ દોઢ કલાક સુધી કોઈ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર નહોતા પહોંચ્યા.  

રેલવે વિભાગનું કહેવું છે કે ટ્રેનને મેન્ટનેસ પ્રક્રિયા માટે યાર્ડમાં લઈ જવામાં આવી હતી અને આ દરમિયાન જ સિસ્ટમમાં આવેલી ખામીને કારણે ટ્રેનના ત્રણ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે હાલ પણ ઘટના અંગે લોકોના આક્ષેપ અને તંત્રના દાવા વચ્ચે સમાનતા દેખાઈ રહી નથી. લોકોનું કહેવું છે કે દુર્ઘટના સમયે ટ્રેન પાટા પર સ્થિર નહોતી ઊભી, તે આગળ ચાલી રહી હતી. જો કે લોકો પાયલોટ દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.