અમદાવાદઃ ગુજરાતમાં ફરી ડિજિટલ એરેસ્ટના કેસ વધી રહ્યા છે. અમદાવાદના એક 53 વર્ષીય ધંધાર્થીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ટેલિકોમ અધિકારી, સીબીઆઈ અધિકારી અને જજ તરીકે રજૂ થઈ ત્રણ ગઠિયાએ તેમના 83 વર્ષીય પિતાને ડિજિટલ અરેસ્ટ કરી રૂ. 42.50 લાખ જેવી માતબર રકમ પડાવી લીધી હતી. પિતા નેવીના નિવૃત્ત અધિકારી હોવાનું જાણવા મળ્યું હતું.
સાયબર ક્રાઈમ પોલીસમાં થયેલી ફરિયાદ અનુસાર 8મી ડિસેમ્બર, 2025ના રોજ તેમની પિતાને એક ફોનકોલ આવ્યો હતો. ફોન કરનારે ટેલિકોમ ડિપાર્ટમેન્ટમાં હોવાનો દાવો કર્યો હતો. તેણે પીડિતને કહ્યું હતું કે તેમના મોબાઈલ નંબર હેઠળ ઘણી ફરિયાદો નોંધાઈ છે અને મુંબઈ સીબીઆઈ આની તપાસ કરી રહી છે. ત્યારબાદ ફરિયાદીના પિતાને વૉટ્સ એપ કૉલ આવ્યો હતો અને તે વ્યક્તિએ સીબીઆઈ અધિકારી હોવાનું જણાવ્યું હતું.
છેતરપિંડી કરનારાઓએ કથિત રીતે દાવો કર્યો હતો કે એક શંકાસ્પદ વ્યક્તિ સાથે જોડાયેલા 20 લાખ રૂપિયા પીડિતના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને તેમની સામે 27 જેટલા ફોજદારી ગુનાઓ દાખલ થયા છે. એક વીડિયો કોલ દરમિયાન, ફરિયાદીના પિતાને કોર્ટરૂમ જેવું દેખાડવામાં આવ્યું હતું, જેમાં ન્યાયાધીશના પોશાક પહેરેલા એક વ્યક્તિએ તેમને ચેતવણી આપી હતી કે તેઓ પરિવારના સભ્યોને આ અંગે જાહેર ન કરે.
પોલીસે જણાવ્યું હતું કે વૃદ્ધ વ્યક્તિને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની અને ધરપકડ કરવાની ધમકી આપવામાં આવી હતી. તેમને તેમના બેંક ખાતાઓનું લેખિત ઘોષણાપત્ર સબમિટ કરવા અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા ચકાસણી માટે ભંડોળ ટ્રાન્સફર કરવાની સૂચના આપવામાં આવી હતી.
8 થી 10 ડિસેમ્બરની વચ્ચે, બે બેંક ખાતાઓમાંથી ફિક્સ ડિપોઝિટ સમય પહેલા ઉપાડી લેવામાં આવી હતી, અને ફોન કરનારાઓના નિર્દેશ મુજબ, આરટીજીએસ દ્વારા રૂ. 42.50 લાખ અલગ અલગ બેંકોના ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ છેતરામણી વિશે 11મી ડિસેમ્બરે પરિવારને જાણ થઈ હતી જ્યારે બેંક અધિકારીએ શંકાસ્પદ રીતે હજુ વધારે પૈસાના ઉપાડ વિશે જાણ કરી હતી.