Sun Aug 23 2026

Logo

સુરત સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટરનો આપઘાતઃ 3 ડોક્ટર યુવતી સહિત 4 સીનિયર સસ્પેન્ડ, કેવો ત્રાસ ગુજારેલો ?

2026-08-10 12:12:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ સુરત સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટરે આપઘાત કરતા ચકચાર મચી ગઈ હતી. આ મુદ્દે 3 ડોક્ટર યુવતી સહિત 4 સીનિયર સસ્પેન્ડ કરાયા હતા.  મૃતક ડોક્ટરનું 4 સીનિયર  દ્વારા રેગિંગ કરવામાં આવતું હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઈ હતી. રેગિંગનો ખુલાસો થતાં જ ચારેય સીનિયરને 6 મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ કરાયા હતા.

શું છે સમગ્ર મામલો

સુરતની નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પી.જી. હોસ્ટેલના રૂમ નંબર 1005માં રહેતા આશાસ્પદ 30 વર્ષીય રેસિડેન્ટ તબીબે રૂમમા પંખા પર દોરી બાંધીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘટનાના પગલે નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. મૃતક ડોક્ટરના પિતા પણ ડોક્ટર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

મૂળ અરવલ્લીના મોડાસાના વતની ડોક્ટર હર્ષ પંડ્યા સુરત નવી સિવિલ હોસ્પિટલના બોય્ઝ પીજી હોસ્ટેલના રૂમ નંબર 1005માં રહેતો હતો. નવી સિવિલ હોસ્પિટલના માઈક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો અને રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતો હતો. તે ફરજ પર હાજર ન થતાં સિનિયર ડોક્ટરે તેને ફોન કર્યો હતો. ફોન બંધ આવતા સિનિયર ડોક્ટરે હોસ્ટેલમાં રહેતા અન્ય રેસિડેન્ટ ડોક્ટરને તેના રૂમ પર જઈ તપાસ કરવા કહ્યું હતું.

ડોક્ટર ત્યાં પહોંચતા રૂમ અંદરથી બંધ હતો. ફોન કરવા છતાં ફોન રિસીવ ન કરવામાં આવતાં ડોક્ટરે સિક્યુરિટી ગાર્ડને બોલાવ્યો હતો. સિક્યુરીટી ગાર્ડએ બુમો પાડી હતી પણ કોઈ જવાબ આવ્યો નહોતો, જેથી રૂમનો દરવાજો સિક્યુરીટી ગાર્ડએ તોડી નાખ્યો હતો.ત્યારે પંખા પર દોરી બાંધીને ગળે ફાંસો ખાઈ લઈને લટકેલી ડોક્ટર હર્ષ પંડયાની લાશ મળી આવી હતી.

ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસ નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે પહોંચી ગઈ હતી. તેની સાથે જ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. પારુલ વડગામા તેમજ નર્સિંગ અગ્રણી ઈકબાલ કડીવાલા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી અને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ ખસેડવાની તજવીજ શરૂ કરી હતી. પોલીસે હોસ્ટેલમાં રહેતા સાથી રેસિડેન્ટ તબીબો તેમજ સ્ટાફના નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરી છે. 

હર્ષ પંડયાએ રાત્રીના સમયે જ પંખા પર દોરી બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો.પોલીસે રૂમની તલાશી લેતા કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નહોતી પણ તેનો મોબાઈલ ફોન તેમજ તેનું લેપટોપ પોલીસે કબજે કર્યું હતું અને તેણે છેલ્લે કોની સાથે વાત કરી હતી અને કોના મેસેજ તેના ફોનમાં આવ્યા હતા તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રેગિંગ થયાનં સામે આવ્યું હતું.સિવિલ હોસ્પિટલના ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટ અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટની અધ્યક્ષતામાં રચાયેલી કમિટી દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી હતી.

આ બેઠકમાં પ્રથમ વર્ષના 9 રેસિડેન્ટ ડોક્ટર્સ, તેમના પરિવારજનો, માઈક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડેન્ટ, ફેકલ્ટી, ટેકનિશિયન તથા સફાઈકર્મીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. એન્ટી રેગિંગ સ્ક્વોડના રિપોર્ટના આધારે શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ 4 રેસિડેન્ટ ડોક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ડો. નિરાલી વસાવે, ડો. અનુજ મહેશ્વરી, ડો. દીક્ષિતા ઘેવરિયા તથા ડો. હિના ભુતને સસ્પેન્ડ કરાયા હતા. ચારેય ડોક્ટરોને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા અને આ સમયગાળા દરમિયાન કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિમાં ભાગ ન લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

સુરત સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતની ઘટના

* વર્ષ 2018માં ડો.ધવલ દિનેશભાઈ ચૌહાણ
* વર્ષ2024 ડો.લોકેશ આ વિદ્યાર્થી મૈસુરનો વતની હતો
* વર્ષે 2023માં પણ એક સર્જરીમાં અભ્યાસ કરતા તબીબ વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો
* વર્ષ 2026માં ડો.હર્ષ પંડયા નામના વિદ્યાર્થીએ આપઘાત કર્યો