Thu Jun 18 2026

Logo

મોદી સ્ટેડિયમ પાસેનો અબજોનો આશ્રમ તોડવાના કેસમાં આસારામને મળી શું રાહત ?

2026-02-26 12:09:00
Author: Mayurkumar Patel
Article Image

અમદાવાદઃ શહેરમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે. જેને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ દબાણો હટાવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આસારામના આશ્રમ પર પણ બુલડોઝર ફરી વળશે. આસારામ આશ્રમ જમીન વિવાદ મામલે અપીલમાં હાઈ કો ચુકાદો અનામત રાખ્યો હતો અને જ્યાં સુધી ચુકાદો ન આવે ત્યાં સુધી કોઇ આકરી કાર્યવાહી નહીં કરવા નિર્દેશ આપ્યો હતો.

શું છે મામલો

ફેબ્રુઆરીના શરૂઆતમાં હાઇ કોર્ટે આશ્રમની અરજી રદ કરતાં સરકારની મોટી જીત થઇ હતી. જોકે, આ ચુકાદા સામે અપીલ કરવા માટે સ્ટે પણ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આશ્રમ તરફથી હાઇ કોર્ટની ડિવિઝન બેંચ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી હતી. જે અપીલમાં આશ્રમ, સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના તમામ પક્ષોએ ધારદાર દલીલો કરી હતી અને પોતપોતાના પક્ષો કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. દલીલો પૂર્ણ થતાં ડિવિઝન બેંચે ચુકાદો અનામત રાખ્યો હતો. 

આ સમગ્ર મામલે શરૂઆતમાં આસારામ આશ્રમ તરફથી હાઇ કોર્ટ સમક્ષ બે જુદીજુદી રિટ પિટિશન કરવામાં આવી હતી. જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા કે, આશ્રમની જમીન પરત લેવા માટેની ઓથોરિટી દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, એમાં કાનૂની પ્રક્રિયાનો અમલ કરવામાં આવ્યો નથી અને આ કાર્યવાહી અચાનક કરવામાં આવી છે. આ અરજીઓમાં જમીન પરત લેવા અને દબાણો તોડવા સામે રાહતની માગ કરવામાં આવી હતી. 

રાજ્ય સરકાર અને કોર્પોરેશન તરફથી મુખ્ય સરકારી દલીલ કરી હતી કે, વર્ષો પહેલાં આશ્રમને ધાર્મિક પ્રવૃત્તિ માટે જમીન ફાળવવામાં આવી હતી, પરંતુ એ જમીન પર ગેરકાયદે દબાણો અને બાંધકામ કરવામાં આવ્યા હતા. જે જમીન ફાળવણીની શરતોની વિરુદ્ધનું કૃત્ય હતું.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આશ્રમને કાયદેસરની નોટિસ પણ પાઠવવવામાં આવી હતી. જેથી કરીને શાંતિપૂર્ણ રીતે કાર્યવાહી કરી શકાય. આશ્રમ તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તેના ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટેની અરજી પણ કરવામાં આવી હતી, જેને રદ કરવામાં આવી હતી. જાહેર જમીન ઉપર આ રીતે દબાણ કર્યા બાદ તેને નિયમિત કરવાની બાબત સ્વીકારી શકાય નહીં. 

આસારામની વર્ષ 2013માં કરવામાં આવી હતી ધરપકડ

આસારામની ઓગસ્ટ 2013માં સગીરા પર દુષ્કર્મ કરવાના આરોપમાં જેલમાં ધરપકડ કરવામાં આવી હતી. જયારે બે મહિના બાદ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ પર સુરતમાં તેમના આશ્રમમાં બે મહિલા પર દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

કોણ છે આસારામ?

આધ્યાત્મિક ગુરુ તરીકે ઓળખ આપનાર આસારામ પાકિસ્તાનમાં જન્મેલો છે. સિંધી પરિવારમાં જન્મેલા આસુમલ હરપલાની સમયાંતરે આસારામ બાપુ બન્યો. દેશમાં વિભાજન બાદ આસારામનું પરિવાર ભારત આવી વસ્યું હતું. આસારામનું પ્રારંભિક શિક્ષણ અમદાવાદના મણિનગર સ્થિત જય હિન્દ હાઇસ્કૂલ ખાતે થયું હતું.

બાળપણમાં મજબૂત યાદશકિતથી અભ્યાસ, ગીતો, કાવ્યો અને વિગતો સત્વરે યાદ રહેતી. ઉંમર વધતા આસારામ નામ ધારણ કરી આરંભમાં ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિ આરંભી.

પોતાને ધર્મ અને સંસ્કૃતિના ગુરુ બતાવી 1972માં અમદાવાદના મોટેરા ખાતે પહેલા નાની કુટીર બનાવી હતી. ત્યાર બાદ ધીરે ધીરે ભક્તો વધતા એ જ સ્થળે પોતાનો આશ્રમ સ્થાપ્યો, જ્યાંથી તેણે આસારામ બાપુ તરીકેની નામના મેળવી હતી.

શરુઆતના દિવસોમાં આસારામ દ્વારા દૂરના ગ્રામ્ય વિસ્તારમાં વંચિત, શોષિત લોકો સાથે ધાર્મિક પ્રવચન, ભજન અને આયુર્વેદિક દવાના ઉપચાર થકી પોતાનો ભક્તિનો વ્યાપ વધાર્યો. આશ્રમમાં અને આસારામના જાહેર કાર્યક્રમોમાં આવતા ભક્તોને વિના મૂલ્યે ભોજન અને અન્ય જરૂરિયાત પૂરી પડાતી.

એક રિપોર્ટ પ્રમાણે 1972થી આજ સુધી આસારામના 400થી પણ વધુ આશ્રમ દેશ – વિદેશમાં છે. એવું મનાય છે કે આસારામ અને તેનો દીકરો નારાયણ સાંઈ હસ્તક આશરે 10 હજાર કરોડની કિંમતની મિલકત છે અને સતત વિવાદો વચ્ચે પણ આસારામના ત્રણ કરોડ જેટલા અનુયાયી હશે.