Tue May 26 2026

Logo

રિઝર્વ બૅન્ક વ્યાજદર વધારવા ઉતાવળ નહીં કરે, ડિસેમ્બરમાં વ્યાજ વધારાની શક્યતાઃ ઈક્રા

2026-05-26 20:31:35
Author: Ramesh Gohil
Article Image

મુંબઈઃ ક્રૂડતેલના ઊંચા ભાવ અને ચોમાસાની અનિશ્ચિતતાને કારણે ફુગાવામાં વધારો થવાની ચિંતા સપાટી પર હોવા છતાં રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા નાણાનીતિ તંગ કરે તેવી શક્યતા ઓછી હોવાનું અગ્રણી રેટિંગ એજન્સી ઈક્રાએ તાજેતરમાં જણાવતાં ઉમેર્યું હતું કે જો દબાણ વધે તો વર્ષના અંત આસપાસ વ્યાજદરમાં વધારાની શક્યતા નકારી ન શકાય. 

અમને નથી લાગતુ કે મોનેટરી પૉલિસી કમિટી આગામી ટૂંકા સમયગાળામાં વ્યાજદરમાં વધારો કરે. આ પુરવઠાનો આંચકો છે અને તે કોવિડ મહામારીના આંચકા કરતાં જુદો છે. કોવિડ વખતે એક સાથે જોવા મળેલો માગ અને પુરવઠાનો આંચકો હોવાનું ઈક્રાનાં ચીફ ઈકોનોમિસ્ટ અદિતી નાયરે જણાવ્યું હતું. 
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્રવર્તી બૅન્ક ફુગાવાલક્ષી અસરના બીજા રાઉન્ડ સુધી અસરોના સ્પષ્ટ પુરાવાઓની રાહ જોશે. નોંધનીય બાબત એ છે કે ઈક્રાએ તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલા વધારાને ધ્યાનમાં લેતા નાણાકીય વર્ષ 2027 માટે ગ્રાહક ભાવાંક આધારિત સરેરાશ ફુગાવાનો અંદાજ રિઝર્વ બૅન્કના મધ્યમગાળાના  લક્ષ્યાંક કરતાં વધુ પાંચ ટકાનો મુક્યો છે. જોકે, એજન્સીનું માનવું છે કે મોનેટરી પૉલિસી કમિટી આગામી નાણાનીતિની સમીક્ષાની બેઠક સુધી વ્યાજદર યથાવત્‌‍ રાખશે અને ઑક્ટોબર મહિનામાં નીતિનું વલણ બદલીને જરૂર પડશે તો ડિસેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદર વધારશે. 

આગામી જૂન મહિનાની પૉલિસી શક્યતઃ બહુ વહેલી હોવાનું નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે ઑગસ્ટમાં ઈંધણના ભાવ અને ચોમાસાની પ્રગતિ અંગેનું ઘણું ખરું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હશે. આથી રેટિંગ એજન્સી નાણાકીય વર્ષ 2027માં માત્ર એક જ વખત વ્યાજદરમાં વધારો થવાનો અંદાજ મૂકે છે. તેમ છતાં વ્યાજદરમાં વધારો મુખ્યત્વે આર્થિક આંકડાઓ આધારિત જ રહેશે. 

કંપનીઓ વૈશ્વિક કોમોડિટીનાં ભાવના આંચકા પોતે પચાવે છે કે ઊંચા ઈનપૂટ ખર્ચ ગ્રાહકો પર પસાર કરે છે તેનાં પર રિઝર્વ બૅન્ક બારીકાઈથી નજર રાખશે. ઈક્રાના બેઝલાઈન અંદાજ મુજબ જો ક્રૂડતેલના સરેરાશ ભાવ બેરલદીઠ 95 ડૉલર રહે તો વર્ષ 2027માં ભારતનો જીડીપી વૃદ્ધિદર 6.2 ટકા આસપાસ રહેવાની ધારણા મુકવામાં આવી છે, જ્યારે ગ્રાહક ભાવાંક આધારિત ફુગાવો પાંચ ટકાના સ્તરે અને જથ્થાબંધ ફુગાવો 6.6 ટકા આસપાસ રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. 

જોકે, એજન્સીએ અહેવાલમાં એવી ચેતવણી આપી હતી કે ક્રૂડતેલના ઊંચા ભાવને કારણે નીતિ ઘડવૈયાઓ માટે ફુગાવો અને રાજકોષીય સમતુલન જાળવવું મુશ્કેલ બનશે. જો ક્રૂડતેલના ભાવ હજુ વધુ વધે તો ફુગાવાલક્ષી દબાણ વધુ વધશે અને વૃદ્ધિ મંદ પડશે અને જો સરકાર આંચકા ખમવાનો વિકલ્પ પસંદ કરશે તો રાજકોષીય દબાણમાં વધારો થશે, એમ અહેવાલમાં ઉમેર્યું હતું. 

ઈક્રાના મત મુજબ કૉમોડિટીના ઊંચા ભાવથી સરકાર પર વધારાનું રૂ. 40,000 કરોડની ખાતર સબસિડીનું અને રૂ. 50,000 કરોડનુ ઈંધણ સબસિડીનું ભારણ આવશે. આ ઉપરાંત તેલ માર્કેટિંગ કંપનીઓ પાસેથી મળતા ડિવિડંડમાં રૂ. 15,000 કરોડનો ઘટાડો થશે. આ ઉપરાંત એક્સાઈઝ ડ્યૂટીની વસૂલીમાં રૂ. 1.1 લાખ કરોડનો ઘટાડો થશે, જ્યારે સીધા વેરાની આવકો પર પણ માઠી અસર પડશે. જોકે, સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યૂટીમાં વધારો અમુક અંશે આર્થિક સ્થિરતાને ટેકો આપવા મદદરૂપ થઈ શકે છે. એકંદરે એજન્સી 1.1 ટ્રિલિયન અથવા તો 0.3 ટકા જેટલા ચોખ્ખા રાજકોષીય ઘટાડાનો અંદાજ મૂકી રહી છે.