Tue Jul 28 2026

Logo

હેં... ખરેખર! મોડું આવવાનું કહીને એ પાછા જ ન આવ્યા તો પછી થયું શું?

2026-07-05 09:51:00
Author: Praful Shah
Article Image

 

 

 

- પ્રફુલ શાહ

 

રે ગ્રિસર

 

રહસ્યમય રોમાંચક વેબ સિરીઝના છેલ્લા એપિસોડમાં વાર્તાનો તર્કબદ્ધ અંત બતાવવાને બદલે અધ્ધર શ્ર્વાસે રખાય તો મન થોડુંક ખાટું થઈ જ જાય. એ જ રીતે કોઈ જીવતોજાગતો, શિક્ષિત, સમજદાર, વયસ્ક, સફળ અને જવાબદાર માણસ અચાનક હવામાં ઓગળી ગયો હોય એમ અદૃશ્ય થઈ જાય તો? એમાંય આધુનિક તપાસ સાધનોથી સંપન્ન અમેરિકામાં આવું બને ત્યારે આશ્ર્ચર્ય અનેક ગણું વધી જાય. 

 

હા, અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના રહેવાસી રે ગ્રિસર (Ray Gricar) વ્યવસાયે સફળ વકીલ. પાછા રેંજીપેંજી નહીં એક જાણીતા વકીલ અને સેન્ટર કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એટર્ની. 59 વર્ષના રે 2005ની 15મી એપ્રિલે અડધી રજા લઈને ઑફિસમાંથી નીકળી ગયા. તેમણે રસ્તામાથી ગર્લફ્રેન્ડને ફોન પર જણાવ્યું કે અત્યારે હું કાર ડ્રાઇવ કરી રહ્યો છે અને મને આવવામાં મોડું થશે. બસ આટલું જ. પછી ન તેમનો ફોન, સંપર્ક, સગડ કે અતોપતો મળ્યો. જાણે પોતાની કારમાં ડ્રાઇવ પર નીકળ્યા અને એકદમ એકલા રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા.

 

જોરદાર અને સંનિષ્ઠ પ્રયાસ છતાં રે ગ્રિસરનો સંપર્ક ન થયો તે ન જ થયો. આગલા દિવસે તેમની લાલ રંગની મિની કૂપર કાર લુઇસબર્ગના એન્ટિક મૉલ પાસે મળી પણ માલિક વગર. કારમાં તેમનો સેલ ફોન પણ હતો. પછી ગ્રિસર પાસેનું સરકારી લૅપટૉપ સસ્કેહાના નદીમાંથી મળ્યું તો ખરું, પરંતુ હાર્ડ ડ્રાઇવ વગર.

 

શું રે ગ્રિસરનું અપહરણ થયું હતું? કોણે કર્યું? શા માટે? ને ખંડણી, કોઈએ ખંડણી શા માટે ન માગી? અને હાર્ડ ડ્રાઇવ કેમ લૅપટૉપમાંથી કાઢી નખાઈ? આ સવાલોના જવાબ ક્યારેય ન મળ્યા, રે ગ્રિસરની જેમ.

 

શું રે ગ્રિસરે આપધાત કર્યો? કેમ? શબ કેમ હાથ ન લાગ્યું? અને હાર્ડ ડ્રાઇવ કેમ કાઢી લીધી? આ સવાલો પણ કાયમ અનુત્તર રહ્યા. 

 

શું ગ્રિસર પોતાની મેળે કોઈક અજ્ઞાત સ્થળે જતા રહ્યા, ગર્લફ્રેન્ડ, દીકરી, દોસ્તો, પ્રતિષ્ઠા અને નોકરી છોડીને? ક્યાં ગયા? શા માટે? પણ હાર્ડ ડ્રાઇવમાં એવું તે શું હતું કે એ ગાયબ કરવી પડી? કિસી કો કુછ નહિ પતા. 

 

શું રે ગ્રિસરની હત્યા થઈ? કોણે કરી? શા માટે? લાશ કેમ ન મળી? અને હાર્ડ ડ્રાઇવ કેમ લઈ લીધી? એકેયના જવાબ પોલીસ કે કોઈ મેળવી ન શક્યું. 

 

અમેરિકાના ઇતિહાસના સૌથી વધુ રહસ્યમય મિસિંગ પર્સન્સમાંના એક કે તરીકે જાણીતા રે ગ્રિસરના વણઉકેલાયેલા કેસમાં પછી શું થયું?