Wed Jun 17 2026

Logo

રામ મંદિર દાન વિવાદ: વિનય કટિયાર અને ચંપત રાયમાં હૉટ-ટૉક! લાગ્યો ગંભીર આરોપ

2026-06-15 12:36:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ અયોધ્યાના પૂર્વ ભાજપ સાંસદ વિનય કટિયારે શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં દાનની રકમ અને ચઢાવામાં થયેલી કથિત ચોરી તેમજ ગેરરીતિઓના મામલામાં સીધા જ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને જવાબદાર ઠેરવ્યા છે. વિનય કટિયારે ચંપત રાય પર મંદિરના ચઢાવાના પૈસા કારસેવકપુરમ સ્થિત પોતાના અંગત નિવાસસ્થાને લઈ જવાનો સીધો આરોપ લગાવ્યો છે. વડાપ્રધાનના સીધા હસ્તક્ષેપ બાદ હવે આ સમગ્ર મામલાની તપાસ માટે એક વિશેષ SIT (ખાસ તપાસ ટીમ)ની રચના પણ કરી દેવામાં આવી છે.

ચંપત રાયના નિવાસસ્થાને પૈસા લઈ જવા પર ઉઠ્યા સવાલો

વિનય કટિયારે ચંપત રાયની કાર્યપદ્ધતિ પર આકરા સવાલો ઉઠાવતા કહ્યું કે, મંદિરમાં ચઢાવવામાં આવતા દાનના પૈસા હંમેશા મંદિર પરિસરમાં જ બેંકના અધિકારીઓની હાજરીમાં ગણવામાં આવે છે અને ત્યાંથી જ સીધા બેંકમાં જાય છે. રોજ લાખો-કરોડો રૂપિયાનો આ ચઢાવો આવે છે, તેવામાં મંદિરથી પૈસા કારસેવકપુરમ સ્થિત પોતાના નિવાસસ્થાને લઈ જવા એ એક મોટો ગુનો છે. કટિયારે દાવો કર્યો હતો કે, જ્યારે તેમને આ વાતની જાણ થઈ ત્યારે તેમની ચંપત રાય સાથે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ચંપત રાયને પદ પરથી બરતરફ (દૂર) કરવા જ પડશે.

કરોડો ભક્તોની આસ્થા પર આઘાત

પૂર્વ સાંસદે ભાવુક અને આકરા શબ્દોમાં કહ્યું કે, જો રામ જન્મભૂમિ ટ્રસ્ટની અંદર જ ચોરી કે ભ્રષ્ટાચાર જેવી ઘટનાઓ સામે આવે છે, તો આ દેશ અને દુનિયાના કરોડો રામભક્તોની આસ્થા પર સીધો આઘાત છે.

પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત અને SIT તપાસ

કટિયારે જાહેરાત કરી કે તેઓ આ કથિત કૌભાંડ અંગે આજે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત કરશે. તેઓ એસએસપી (SSP) અને ડીઆઈજી (DIG)ને આવેદનપત્ર સોંપીને કથિત દોષિતોની તાત્કાલિક ધરપકડ કરવા અને તેમને જેલ ભેગા કરવાની માંગ કરશે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન પોતે આ મામલા પર નજર રાખી રહ્યા છે, જેના કારણે રચાયેલી એસઆઈટી (SIT) હવે 'દૂધનું દૂધ અને પાણીનું પાણી' કરી દેશે.