Wed Aug 19 2026

Logo

કાશ્મીર પંડિતો માટે ખુશીના સમાચાર, 3 દાયકાથી બંધ પડેલા આ મંદિર ફરી ખોલવામાં આવ્યું

2026-03-27 15:16:00
Author: Vimal Prajapati
Article Image

શ્રીનગરઃ ભારતમાં અત્યારે રામ નવમીના પર્વની ઉજવણી થઈ રહી છે. આ દરમિયાન એક એવા સમાચાર આવ્યાં છે જે હિંદુઓને ખૂશ કરી શકે છે. શ્રીનગરમાં છેલ્લા ત્રણ દાયકાથી બંધ પટેલા મંદિરને આજે ફરી ખોલવામાં આવ્યું છે. આશરે 35 વર્ષો પહેલા આ મંદિરને બંધ કરી દેવામાં આવ્યું હતું. આ મંદિરને રામ નવમીના પવિત્ર પર્વના દિવસે ફરી ખોલવામાં આવ્યું છે. આ હિંદુ મંદિરનું નામ રઘુનાથ મંદિર છે. 

35 વર્ષ બાદ રઘુનાથ મંદિરના દરવાજા ખુલ્યાં

વિગતે વાત કરવામાં આવે તો, 35 વર્ષ પહેલા જમ્મુ અને કાશ્મીરના હબ્બા કદલ વિસ્તારમાં ઉગ્રવાદીઓના ત્રાસના કારણે કાશ્મીરી પંડિતોને આ વિસ્તાર ખાલી કરીને જવું પડ્યું હતું. આ દરમિયાન રઘુનાથ મંદિરને પણ તાળું મારી દેવામાં આવ્યું હતું. આ મંદિરને ફરી પોલીસ તંત્ર અને અધિકારીઓની હાજરીમાં ખોલવામાં આવ્યું છે. આ સમાચાર હિંદુઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયાં છે. આ મંદિરને ખોલવા માટે હિંદુઓને 35 વર્ષ સુધી રાહ જોવી પડી છે. મહત્વની વાત તો તે પણ છે કે, હવે કાશ્મીરમાં પણ રામ નવમીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. 

રઘુનાથ મંદિર કેમ ઐતિહાસિક છે?

રઘુનાથ મંદિરની વાત કરવામાં આવે તો,આ મંદિર ખૂબ જ ઐતિહાસિક મંદિર છે. જેનો નાતો કાશ્મીરી પંડિતો સાથે જોડાયેલો છે. આ મંદિરનું નિર્માણ ઈસ 1857માં મહારાજા ગુલાબ સિંહે કરાવ્યું હતું. પરંતુ 1990માં જ્યારે ઉગ્રવાદીઓએ કાશ્મીરની શાંતિનો ભંગ કર્યો અને કાશ્મીરી પંડિતોને ઘાટી છોડવા માટે મંજબૂર કર્યાં હતાં. તે પછી મંદિરને બંધ કરી દેવામાં આવ્યું હતું. આ મંદિર સાથે સાથે બીજા પણ અનેક મંદિરો હતા જેને હંમેશા માટે બંધ કરી દેવામાં આવ્યાં હતાં. 

મંદિર અને કાશ્મીર વિશે શું બોલ્યા ડેપ્યુટી કમિશનર?

આ અંગે શ્રીનગરના ડેપ્યુટી કમિશનર અક્ષય લબરૂએ કહ્યું કે, અમે અહીં ઘણાં વર્ષો પછી રામ નવમી મનાવી રહ્યાં છીએ. આ કામ બધાના સહકારના કારણે જ શક્ય બન્યું છે. નાગરિકો, સ્થાનિક તંત્ર અને પોલીસના સહયોગના કારણે જ આ શક્ય બન્યું છે. મંદિરને ફરી ખોલવામાં આવ્યું તેના કારણે સ્થાનિક લોકોમાં પણ ખુશી છે તેવું તંત્રનું કહેવું છે. 

કાશ્મીરમાં રહેતા સ્થાનિકોનું કહેવું છે કે, આ મંદિર ઘણાં સમયથી અમારી સંસ્કૃતિ અને વિરાસત રહી છે. એટલું જ નહીં પરંતુ હવે કાશ્મીરી પંડિતો ફરી ઘાટીમાં પાછા આવે તેવી પણ તેમણે ઇચ્છાઓ વ્યક્ત કરી છે. આવું પહેલી વખત નિવેદન આવ્યું છે કે, કાશ્મીરના સ્થાનિકો પણ કાશ્મીરી પંડોતીની ઘરવાપસી માટે કામની કરી રહ્યા હોય!