અયોધ્યાઃ રામ મંદિર દાનચોરી કેસમાં દરરોજ નવા-નવા વળાંક સામે આવી રહ્યા છે. આરોપીઓ પાસેથી કેશમાં રકમ મળ્યા બાદ હવે અન્ય વસ્તુઓ જે દાનમાં મળી હતી એ અંગે તપાસ ચાલી રહી છે. આરોપીએ દાનચોરીનો વહીવટ ક્યાં થતો હતો એ અંગે રસ્તાઓ અને લોકેશન અંગે પણ ઘટસ્ફોટ કર્યા બાદ તપાસનો ધમધમાટ વધી ગયો હતો. પોલીસે હજુ ખૂટતી કડી ભેગી કરવા માટે સર્ચ શરૂ કરી દીધુ છે. દાનચોરી કેસના મૂળ સુધી જવા માટે હવે SITના ઉચ્ચ અધિકારીઓએ રામ મંદિરની મુલાકાત લઈ તપાસ શરૂ કરી દીધી છે.
સોનાની ઓળખ છુપાવવા શું કર્યું?
કરોડો રૂપિયાના દાનની ચોરીનો મામલો ઉઘાડો પડ્યા બાદ ટ્રસ્ટના કર્મચારીથી લઈને પૂજારી સુધીના લોકો આશંકાના દાયરામાં આવી ગયા છે. મંદિરમાં દાનમાં મળેલા સોના-ચાંદીના ઘરેણાની તપાસ કરવા માટે SITએ કેટલાક મુદ્દાઓ પર તપાસ શરૂ કરી દીધી હતી. તપાસ એજન્સીની ટીમને આશંકા છે કે, સોનું પકડાઈ જવાની બીકે આરોપીઓએ દાગીનાને પીગાળીને બિસ્કીટમાં ફેરવી નાંખ્યા હોઈ શકે છે. પણ સૂત્રો ત્યાં સુધી જણાવે છે કે, આવું એટલા માટે કરવામાં આવ્યું હોઈ શકે છે કે, અસલ સોનાની કોઈ રીતે ઓળખ છુપાવી શકાય. એ અસલી સોનું છે એવું કાયમી ધોરણે મટી જાય. આ ઉપરાંત જે તે પોલીસ કે તપાસ એજન્સી એમના સુધી પહોંચી ન શકે. તપાસી અધિકારીઓએ અનેક જગ્યાઓ પર દરોડા પાડ્યા બાદ હવે ગાયબ થયેલું સોનું શોધવા માટે દોડધામ થઈ રહી છે. દરોડા પાડ્યા હોવા છતા કેશ મળી છે પણ સોનું મળ્યું નથી.
આ દિશામાં પોલીસ તપાસ
આ હકીકત સામે આવતા હવે પોલીસ પણ અલગ દિશામાં તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં આ કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોમાંથી વિગત એવી મળી રહી છે કે, હવે પાછળના પાંચ વર્ષ સુધીના સમયગાળાને લોક કરીને કેટલાક ખાતાઓની તપાસ થશે. આ સમગ્ર કેસ 7 જુનના રોજ સામે આવ્યો. એ પછી ઉત્તર પ્રદેશ સરકારે ડાયરેક્ટ SITને તપાસની જવાબદારી સોંપી દીધી. એ પછી 25 જુનના રોજ FIR થઈ અને પોલીસે કેટલાક આરોપીઓના ઘરે તપાસ શરૂ કરી. આઠ લોકોના વહીવટ અને કેવી રીતે પૈસા ઘર સુધી આવતા એ અંગે પૂછપરછનો ધમધમાટ શરૂ થયો. મુખ્ય આરોપી અવિનાશ શુક્લાના રીમાન્ડ દરમિયાન જે વસ્તુના મુદ્દાઓ સામે આવ્યા એ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ. કેશ જપ્ત કર્યા બાદ હવે મામલો સોના પર આવીને અટક્યો છે. અવિનાશ મંદિરમાં પૈસા કાઉન્ટિગ કમિટીનો સભ્ય હતો.
પાંચ વર્ષના રેકોર્ડનું રીઓડિટ
SIT હવે છેલ્લા પાંચ વર્ષના રેકોર્ડ, એન્ટ્રી, જમા ઉધારના હિસાબ, ખર્ચા, મંદિર નિર્માણમાં ચૂકવણી, જમીન અંગે લેતીદેતી, જમીનના પૈસા અંગે વ્યવહારથી લઈને કેશ જમા કરાવવા સુધીના તમામ પાસાઓ પર તપાસ કરશે. દાનમાં મળેલા અત્યાર સુધીના સોના અને ચાંદીના દાગીનાઓનું રીઓડિટ થશે. આ કેસમાં તપાસ કમિટીએ ટ્રસ્ટી પૂર્વ મહાસચીવ ચંપત રાય, પૂર્વ ટ્રસ્ટી અનિલ મિશ્રા અને રામ મંદિરના મુખ્ય અધિકારી ગોપાલ રાવને પણ તીખા અને આકરા સવાલ કર્યા હતા. આ કેસમાં વિવાદ વધતા ચંપત રાય અને અનિલ મિશ્રાએ રાજીનામા ધરી દીધા. જે ટ્રસ્ટ સામે ફરિયાદ થવી જોઈએ એ ટ્રસ્ટ જ ફરિયાદ બની રહ્યો. હજુ SITને કેટલાક કર્મચારી અને અધિકારીઓ પર આશંકા છે. પણ એના નામ અંગે રહસ્ય છે. 6 જુલાઈના રોજ રામ મંદિર ટ્રસ્ટની બેઠક છે જેમાં કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે.