અયોધ્યાઃ રામ મંદિરના દાનચોરી કેસમાં જે રીતે તપાસ આગળ વધી રહી છે એમ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ખાસ કરીને જેના પર આશંકાઓ હતી તેઓ એકથી પછી એક કડી પરથી પડદો હટાવી રહ્યા છે. એકબાજુ ટ્રસ્ટના કર્મચારીઓ-પદાધિકારીઓ શંકાના રડારમાં છે એવામાં હવે ચોરીની રકમનો વહીવટ ક્યાં થતો હતો એની વિગત સામે આવી છે. પોલીસ રીમાન્ડમાં આરોપીએ કેટલાક એવા મુદ્દાઓ પર સ્પષ્ટતા કરી જે જાણીને પોલીસ પણ થોડા સમય માટે ચોંકી ગઈ હતી. રીમાન્ડ દરમિયાન પોલીસે આરોપી અવિનાશ શુક્લાની પૂછપરછ કરી હતી.
રકમને ભાગે પડતી વહેચવામાં આવતી
અવિનાશ શુક્લાએ પોલીસને જણાવ્યું હતું કે, રામ મંદિર ચોરીકેસમાં ચોરીની રકમ ભાગે પડતી વહેચવા માટે 14 કોસી માર્ગ નક્કી કરાયો હતો. અહીંયાથી રકમનું વર્ગીકરણ કરવામાં આવતું હતું. આ પછી પોલીસ ટીમ તેને 14 કોસી માર્ગ પર લઈ ગઈ હતી.અવિનાશે આ રોડ પર આવતા જ એ જગ્યા ઓળખી બતાવી હતી. અવિનાશે એવી પણ કબૂલાત કરી હતી કે, દાનચોરીની રકમ વર્ગીકૃત કરવામાં આવી હતી. અહીંયા તમામ આરોપીઓ મળવા માટે આવતા,ભેગા થતા અને રકમની વાત કરતા હતા.આરોપીએ કબૂલાત કર્યા બાદ પોલીસે અન્ય વિસ્તારમાં પણ તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આ રોડ પરથી કેટલોક સામાન પણ જપ્ત કરી લીધો છે. સૂત્રો જણાવે છે કે, હવે અલગ દિશામાં પોલીસ તપાસ કરી શકે છે. આ મુદ્દે પોલીસે હજુ સુધી કોઈ ફોડ પાડ્યો નથી. પોલીસે આ કેસમાં કુલ આઠ આરોપીની ધરપકડ કરી છે.
આરોપીઓ પર રહેશે ખાસ વૉચ
કોર્ટે 14 દિવસ સુધી આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવા આદેશ આપ્યો છે. આ તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોમાંથી વિગત એવી મળી રહી છે કે, તમામ આરોપીઓમાંથી સૌથી વધારે આશંકા અવિનાશ પર પોલીસને છે. આની પાસેથી હજુ પણ કેટલીક વિગત સામે આવી શકે છે. પોલીસ આ આરોપી પર સતત વૉચ રાખી રહી છે. આ પાછળનું કારણ એ છે કે, અવિનાશ પાસેથી સૌથી વધારે રકમ જપ્ત થઈ છે. એ પછી ટીનું યાદવ પાસેથી એક મોટી રકમ મળી હતી. અવિનાશ શુકલા પાસેથી 20 લાખ રૂપિયાની રોકડ મળી હતી.આ તમામ કેવી રીતે આવી અને ક્યા આશયથી કોના દ્વારા વહીવટથી ઘર સુધી પહોંચી એ અંગે તપાસ ચાલી રહી છે. જે રકમ મળી આવી છે એમાં ₹500થી લઈને ₹10ની નોટ સામેલ છે. આ સાથે કેટલાક સિક્કાઓ પણ મળી આવ્યા હતા. આ તમામ નવા સિક્કા હોવાનું જાણવા મળે છે.
અન્ય દેશની પણ કરંસી મળી
આ સિવાય આરોપીઓ પાસેથી કેટલાક યુએસ ડૉલર મળી આવ્યા હતા.આ ચલણને ફરીથી ક્વર્ન્ટ કરવામાં આવ્યું નથી. પૂછપરછમાંથી એ વાત સામે આવી હતી કે, દાનની રકમની ચોરી થતી હતી અને પછી એ રકમને વર્ગીકૃત કરવામાં આવી હતી. ચોરી પકડાયા બાદ બાકીની કેટલીક વધેલી રકમ ટ્રસ્ટને આપી દેવામાં આવી હતી. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે, કેટલી રકમ પરત આપવામાં આવી હતી. માર્ગ કેશનો મામલો નથી પણ દાગીના અને સોના-ચાંદીના આભૂષણ પણ મળી આવ્યા છે. તપાસ એજન્સીની સાથે પોલીસ અલગ દિશામાં તપાસ કરી રહી છે. પોલીસને એવી આશંકા છે કે, માત્ર ભારતીય ચલણ જ નહીં અન્ય કરંસીની પણ ચોરી થઈ હોઈ શકે છે.SITએ તપાસનો રિપોર્ટ જમા કરાવ્યા બાદ પોલીસે એક્શન લીધું હતું. SITની તપાસમાં હજુ પણ કેટલાક કર્મચારીઓ પર આશંકા છે. યોગ્ય સમયે એક ટીમ દ્વારા આવા કર્મચારીઓની પણ પૂછપરછ થઈ શકે છે. સૂત્રો દ્વારા વિગત એવી પણ મળી છે કે, આ આરોપીઓ પાસેથી તબક્કાવાર કેટલીક માહિતી મળશે.