Tue Jul 28 2026

Logo

રામચરણની ‘પેદ્દી’એ બોક્સ ઓફિસ કબ્જે કર્યું, કમાણીમાં પહેલા જ દિવસે વર્લ્ડવાઈડ 100 કરોડનો આંકડો પાર!

2026-06-05 10:12:00
Author: Vimal Prajapati
Article Image

મુંબઈઃ સાઉથ સુપરસ્ટાર રામચરણની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પેદ્દી’ (Peddi) આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને રિલીઝ થતાની સાથે જ આ ફિલ્મે બોક્સ ઓફિસના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત કરવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયા પર ફેન્સથી લઈને ક્રિટિક્સ સુધી દરેક જણ રામચરણ અને ફિલ્મની સ્ટારકાસ્ટના જોરદાર વખાણ કરી રહ્યા છે. મોડી રાતના શોઝમાં ફિલ્મની કમાણીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો, જેના કારણે ફિલ્મે પહેલા જ દિવસે મોહનલાલની બ્લોકબસ્ટર ફ્રેન્ચાઈઝી ‘દ્રશ્યમ 3’નો રેકોર્ડ તોડી નાખ્યો છે.

‘પેદ્દી’ ફિલ્મે ભારતમાં પહેલા દિવસે ₹51 કરોડ છાપ્યાં

કમાણીના આંકડાની વાત કરવામાં આવે તો, ‘પેદ્દી’ ફિલ્મે ભારતમાં પહેલા દિવસે ₹51 કરોડની ધમાકેદાર કમાણી કરી છે. રસપ્રદ વાત એ છે કે, રાત્રે 10 વાગ્યા સુધી ફિલ્મનું કલેક્શન ₹38.93 કરોડની આસપાસ હતું, પરંતુ મોડી રાતના શોઝમાં દર્શકોની ભારે ભીડને કારણે કમાણીમાં ₹12.07 કરોડનો જોરદાર ઉછાળો આવ્યો હતો. આ ફિલ્મની ભારતમાં પ્રથમ દિવસની કમાણી 51 કરોડ રૂપિયાની થઈ છે. આ સાથે પ્રી-રિલીઝ એડવાન્સ કલેક્શનની વાત કરીએ તો, રૂપિયા 18.50 કરોડ છાપી લીધા હતા એટલે ભારતમાં ફિલ્મે રૂપિયા 69.50 કરોડની કમાણી તો અત્યારે કરી લીધી છે. 

વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ₹100 કરોડની ક્લબમાં એન્ટ્રી

જો ગ્લોબલ બોક્સ ઓફિસની વાત કરીએ તો ‘પેદ્દી’ ફિલ્મે પહેલા જ દિવસે વર્લ્ડવાઈડ રૂપિયા 112.49 કરોડની ઐતિહાસિક કમાણી કરીને તહેલકો મચાવી દીધો છે. માત્ર એક જ દિવસમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરીને રામચરણે સાબિત કરી દીધું છે કે વૈશ્વિક સ્તરે તેમનો ક્રેઝ અકબંધ છે. રામચરણની ‘પેદ્દી’ એ પહેલા જ દિવસે મલયાલમ સુપરસ્ટાર મોહનલાલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘દ્રશ્યમ 3’ (Drishyam 3) નો રેકોર્ડ તોડી નાખ્યો છે. ‘દ્રશ્યમ 3’ એ ઓપનિંગ ડે પર રૂપિયા 15.85 કરોડની કમાણી કરી હતી, જેની સામે ‘પેદ્દી’ નું કલેક્શન ત્રણ ઘણું વધારે છે.

શનિવાર અને રવિવાર નજીક હોવાથી આગામી બે દિવસમાં ફિલ્મની કમાણીમાં હજુ પણ મોટો બૂમ જોવા મળી શકે છે. આ ફિલ્મમાં રામચરણની સાથે બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર, કન્નડ સુપરસ્ટાર શિવ રાજકુમાર, જગપતિ બાબુ, દિવ્યેન્દુ અને બોમન ઈરાની પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. રામ ચરણની આ ફિલ્મ હિંદી સિનેમાની ફિલ્મો પર પણ ભારે પડી શકે છે. જો કે, અત્યારે બોક્સ ઓફિસ પર બોલિવુડની કોઈ મોટી ફિલ્મ નથી. બાકી  ‘પેદ્દી’ની આંધીમાં તેની કમાણીમાં ભારે ફેરફાર થયો હોત.