Fri Sep 04 2026

Logo

રાજપીપળામાં નવો રાજકીય અધ્યાય શરૂ, ભાજપની ભવ્ય જીત અને કોંગ્રેસની કારમી હાર

2026-04-28 16:53:29
Author: Mumbai Samachar Team
રાજપીપળામાં નવો રાજકીય અધ્યાય શરૂ, ભાજપની ભવ્ય જીત અને કોંગ્રેસની કારમી હાર

રાજપીપળાઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજપીપળા નગરપાલિકામાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે. આઝાદી પછીના સમયમાં પહેલીવાર એવું થયું છે જ્યારે કોંગ્રેસ અહીંયા એક પણ બેઠક મેળવી શકી નથી. રાજપીપળા નર્મદા જિલ્લાનું વડુમથક છે. ભાજપે અહીંયા જીત મેળવીને ઈતિહાસ બનાવી દીધો છે. રાજપીપળા નગરપાલિકાની સ્થાપના થયા બાદ ભારતીય જનતા પાર્ટીની આ સૌથી મોટી જીત માનવામાં આવે છે. 

ભાજપની ભવ્ય જીત

નગરપાલિકામાં કેસરિયો લહેરાતા ભાજપના ઉમેદવારોએ ઉજવણી કરી હતી. કુલ 28 બેઠક પર ભાજપે બહુમતી મેળવતા હવે ભાજપના ઉમેદવારો સત્તાની ખુરશી સુધી પહોંચ્યા છે.ભાજપને કુલ 25 બેઠકો પર સફળતા મળી છે, જ્યારે અપક્ષના ફાળે 3 બેઠક ગઈ છે. રાજપીપળાના રાજકીય ઈતિહાસમાં આ પરિણામ એક ઘટનાથી કમ નથી.

કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. એક એવો પણ સમય હતો જ્યારે રાજપીપળામાં કોંગ્રેસ સૌથી મજબૂત પાર્ટી તરીકે હતી. એ પછી આમ આદમી પાર્ટીએ અહીં અચાનક એન્ટ્રી મારતા ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. પણ પરિણામમાં ભાજપે બાજી મારી લેતા એક નવો રાજકીય ઈતિહાસ લખાયો છે. 

નવો રાજકીય અધ્યાય શરૂ

આ વખતે રાજપીપળાના કુલ 7 વૉર્ડમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો છે. ભાજપના ઉમેદવારોનો વૉર્ડ નં.1,2,5,6,7માં ભવ્ય વિજય થયો છે. જ્યારે વૉર્ડ નં.4માં ભાજપે 4 બેઠક જીતી લીધી છે, જેમાંથી એક બેઠક બિનહરિફ હતી. વૉર્ડ નં.3માં રસાકસી થઈ હતી. 1 બેઠક ભાજપને જ્યારે ત્રણ બેઠક અપક્ષને મળી ગઈ છે.

આ જીત પરથી ભારતીય જનતા પાર્ટીએ સાબિત કર્યું છે કે, આદિવાસી વિસ્તારમાં કે જિલ્લામાં પક્ષની મજબૂતી સારી છે અને પક્ષ સશક્ત છે. રાજકીય નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે, આ પાછળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ફળેલું પ્રવાસન, રાષ્ટ્રીય મેળાવળા અને સ્થાનિકોને મળેલા રોજગારની વાતની અસર છે.