Wed May 06 2026

Logo

રાજકોટમાં રેપિડો કંપની સામે 500થી વધુ રેપિડો ચાલકોએ બાંયો ચડાવી! જાણો શું છે વિવાદ?

2026-05-05 22:17:41
Author: Devayat Khatana
Article Image

રાજકોટ: હજુ તો રેપિડો સહિતની સુવિધાઓ નાના શહેરોમાં મળવાની શરૂ થયું છે, તેવા ટાણે જ રાજકોટમાં અંદાજે 500થી વધુ રેપિડો સાથે જોડાયેલા ઓટો-રિક્ષા ચાલકોએ ભેગા થઈને કંપની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કારણ કે રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે કંપની દ્વારા કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના જ કિલોમીટર દીઠ ભાડામાં ઘટાડો કરી દિધો છે. જેના વિરુદ્ધ રિક્ષા ચાલકોએ વિશાળ રેલી કાઢીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને કંપનીની નીતિઓ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

મળતી વિગતો અનુસાર, રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે અંદાજે 500થી વધુ રેપિડો સાથે જોડાયેલા ઓટો-રિક્ષા ચાલકોએ ભેગા થઈને કંપની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. એપ-આધારિત આ કંપની દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના આપ્યા વિના કિલોમીટર દીઠ ભાડામાં ધરખમ ઘટાડો કરવામાં આવતા ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અગાઉ પ્રતિ કિલોમીટર રૂ. 15 મળતું ભાડું ઘટાડીને હવે રૂ. 12 કરી દેવામાં આવ્યું છે. આ આર્થિક શોષણ વિરુદ્ધ રિક્ષા ચાલકોએ વિશાળ રેલી કાઢીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને કંપનીની નીતિઓ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

ભાડામાં કરવામાં આવેલા આ રૂ. 3ના ઘટાડાથી રિક્ષા ચાલકોની દૈનિક આવક પર માઠી અસર પડી રહી છે. રિક્ષા એસોસિએશનના જણાવ્યા અનુસાર, જો કોઈ ચાલક દિવસના 100 કિલોમીટર રિક્ષા ચલાવે, તો તેને સીધો રૂ. 300નો ફટકો પડે છે, જે મહિનાના અંતે રૂ. 9,000 અને વર્ષે રૂ. 1.08 લાખ જેવી મોટી રકમ થાય છે. વધતી જતી મોંઘવારી અને ઈંધણના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે આ ઘટાડો સહન કરવો ચાલકો માટે અશક્ય બન્યો છે. ઘણા ચાલકો ભાડાની રિક્ષા અને મકાનના ભાડા જેવી પાયાની જવાબદારીઓ પૂરી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.

યુનિયનના અગ્રણી કેતનભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં ચીમકી ઉચ્ચારી હતી કે જો કંપની દ્વારા તાત્કાલિક અસરથી જૂનું ભાડું ફરીથી આપવામાં નહિ આવે તો રાજકોટમાં રેપિડોની સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. ચાલકોએ એકસૂરે જણાવ્યું હતું કે તેઓ માત્ર તેમના કામનું યોગ્ય વળતર ઈચ્છે છે અને જો અન્યાય ચાલુ રહેશે તો તેઓ આ એપ્લિકેશનનો બહિષ્કાર કરશે.