રાજકોટ: શહેરમાં જન્માષ્ટમી પર યોજાતા લોકમેળાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રાજકોટ કલેક્ટર તંત્ર અને લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા શહેરના ઐતિહાસિક રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરાતા પાંચ દિવસીય જન્માષ્ટમી લોકમેળા માટેના સ્ટોલ અને પ્લોટ માટે ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ નિયત કરવામાં આવ્યો છે. હજુ સુધી પૂરતી સંખ્યામાં ફોર્મ સબમિટ ન થતાં ફોર્મ વિતરણ અને જમા કરાવવાની મુદતમાં વધારો થવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કલેક્ટર કચેરીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લોકમેળાના કુલ 228 સ્ટોલ અને પ્લોટ માટે અત્યાર સુધીમાં 306થી વધુ ફોર્મનો ઉપાડ થયો છે, પરંતુ તેની સામે માત્ર 25 જેટલા ફોર્મ જ ભરાઈને જમા થયા છે. જેમાં રમકડા, ખાણીપીણી અને આઈસક્રીમના સ્ટોલની સંખ્યા વધારે છે.
મળતી વિગત પ્રમાણે, લોકમેળાના સ્ટોલ માટેના ફોર્મ સ્વીકારવાની મુદ્ત પૂર્ણ થયા બાદ તા.1 ઑગસ્ટથી સ્ટોલ પ્લોટ માટે ડ્રો અને હરાજીની પ્રક્રિયાનો પ્રારંભ કરાશે. જેમાં કેટેગરી-બીમાં રમકડાના 100 સ્ટોલ, કેટેગરી-સીમાં ખાણીપીણીના 8 સ્ટોલ માટે તા.1 ઑગસ્ટે શનિવારે સવારે 11 કલાકે હરાજી થશે. ઉપરાંત કેટેગરી-જેમાં મધ્યમ ચકરડીના 3, કેટેગરી-કેની નાની ચકરડીના 24 પ્લોટ માટે પણ તા.1 ઑગસ્ટને શનિવારે સવારે 11 કલાકે ડ્રો હરાજી થશે.
આ ઉપરાંત તા.4 ઑગસ્ટને મંગળવારના રોજ કેટેગરી-એમાં ખાણીપીણી, એક્ઝીબીશન તેમજ વિવિધ પ્રદર્શન માટેના બે પ્લોટ ઉપરાંત બી-વન કોર્નર અને ખાણીપીણીના 40 પ્લોટ માટે સવારના 11-30 કલાકે જ્યારે યાંત્રિક કેટેગરી-ઇના પાંચ, એફ-3ના 3, જી-20 અને એચ કેટેગરીના 6 પ્લોટની હરજી તા.5 ઑગસ્ટને બુધવારે સવારે 11-30 કલાકે તેમજ 6 ઓગસ્ટ ગુરુવારે કેટેગરી એક્સ એટલે કે આઇસ્ક્રીમના 17 પ્લોટ માટે જૂની કલેક્ટર કચેરી ખાતે આવેલ પ્રાંત-1ની કચેરી ખાતે હરાજી કરવામાં આવશે.