રાજકોટઃ શહેરના ઈતિહાસના સૌથી મોટા મેગા ડિમોલિશનની શરૂઆત થઈ ચુકી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગારી કરવામાં આવી રહીછે. 64 જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી અને 260થી વધુ સાધનો ડિમોલિશનની કામગીરીમાં લાગ્યા છે. રાજકોટ મનપા દ્વારા આજે 1489 મકાનો પર બુલડોઝર ફેરવાશે. જંગલેશ્વર વિસ્તારના 15 મીટર રોડ પર 497 દબાણો દૂર કરાશે. તેમજ આજી નદીના 992 દબાણો દૂર કરવામાં આવશે.
કામગીરી માટે જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. શહેરના તમામ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ કામગીરી પર સીધી દેખરેખ રાખી રહ્યા છે. જુદી-જુદી 7 ટીમોની અધ્યક્ષતા ચાર સિટી ઈજનેરને સોંપવામાં આવી છે.
આશરે બે કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા આ દબાણો દૂર કરવાની કામગીરી એક દિવસમાં પૂર્ણ થાય તેમ ન હોવાથી તે સતત બે દિવસ સુધી ચાલવાની શક્યતા છે.ડિમોલિશન દરમિયાન જો કોઈ વિરોધ વંટોળ સર્જાય કે પરિસ્થિતિ કાબૂ બહાર જાય, તો તેવા સંજોગોમાં લાઠીચાર્જ કે ફાયરિંગ કરવા જેવા આકરા આદેશો આપવા માટે તંત્ર દ્વારા ખાસ સ્પેશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂંક કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ, મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સને પણ સ્થળ પર સ્ટેન્ડ-ટુ રાખવામાં આવ્યા છે.
ડિમોલિશનને લઈને સોશિયલ મીડિયા પર કોઈ અફવા ન ફેલાય કે ભડકાઉ મેસેજ વાયરલ ન થાય તે માટે સાયબર ક્રાઈમની ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર જંગલેશ્વર ડિમોલિશનન અંગે ખોટી અફવા ફેલાવનારા સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી હતી. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ડીસીપીએ લોકોને આવી અફવાથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.
#WATCH | Gujarat: Rajkot Municipal Corporation carries out a demolition drive in Rajkot. Approximately 1,492 houses in the Jangleshwar area of Rajkot were issued demolition notices, and many residents have demolished their houses on their own. The administration has begun… pic.twitter.com/JG31YGrcIy
— ANI (@ANI) February 23, 2026
ઉલ્લેખનીય છે કે રાજકોટનો આ સૌથી મોટો અને ત્યાં કેટલાક તત્વોની ગુનાહિત પ્રવૃતિના કારણે સંવેદનશીલ સ્લમ એરિયા રહ્યો છે, કેટલાકે ઓરડી-મકાનો ખડકીને ભાડે આપ્યા છે, શેરીઓ એટલી સાંકડી કે કોઈ દુર્ઘટના વખતે બચાવકાર્ય પણ થઈ શકે તેમ નથી.