રાજકોટઃ રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થયું તેને ત્રણ વર્ષનો સમય વીતી ચૂક્યો છે. તેમ છતાં આ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એકપણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઑપરેશન શરૂ થયા નથી. રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાએ સરકારના ઉડ્ડયન મંત્રીએ સવાલ કર્યા હતા. મોનસુન સત્રમાં મંત્રીએ સામસામે ખો-ખો રમી હોય એવું ચિત્ર જોવા મળ્યું હતું.આખરે કેન્દ્રીય મંત્રીએ સમગ્ર હવાલો એરલાઈન્સ કંપની પર ઢોળી દીધો, હવે રાજકોટને ઈન્ટરનેશનલ ફલાઈટ કયારે મળશે? તેવા પ્રશ્નાર્થ વચ્ચે ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ દિશામાં કાર્યવાહી શરૂ કરતા આગામી દિવાળી પર્વ સુધીમાં કોઈ ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થાય એવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. રાજકોટના ડ્રીમ પ્રોજેકટ હેઠળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તા. 27 જુલાઈ 2023ના રોજ હીરાસર સ્થિત ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ થયું હતું.
માપદંડમાં પાસ પણ ફ્લાઈટ નહીં
બે વર્ષ બાદ કાર્ગો અને કસ્ટમ્સનું કલીયરન્સની સુવિધા મળી, પરંતુ ઈમિગ્રેશન માટેની કોઈ ચોક્કસ મંજૂરી ન મળતા આ વિભાગ પણ હજુ સુધી રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શરૂ થયો નથી, એક પણ ઈન્ટરનેશનલ ફલાઈટ શરૂ થઈ નથી. વખતોવખત અનેકવિધ સંસ્થાઓ અને સાંસદ દ્વારા ઉડ્ડયન મંત્રાલયને રજૂઆતો થતા ફળ સ્વરૂપે ઈમિગ્રેશનની ચકાસણી માટે અમદાવાદથી ટીમ આગામી સમયમાં નિરીક્ષણ હેતું આવી શકે છે. રાજકોટનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ડોમેસ્ટિક જ નહીં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના ધારા-ધોરણ માટે પણ સક્ષમ છે. દિવાળી સુધીમાં આ અંગે કોઈ કંપની મોટો નિર્ણય કરશે તો ફ્લાઈટ શરૂ થઈ શકે છે. ઉડ્ડયન મંત્રાલય અને એર લાઈન્સ કંપનીઓને સંપર્ક સાધી વહેલી તકે ફલાઈટ શરૂ કરવા કવાયત રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી કોઈપણ સંજોગોમાં સાંસદ સભ્યોને સાથે રાખી તમામ એરલાઈન્સ કંપનીઓનો સંપર્ક કરી ગમે તે સંજોગોમાં આગામી દિવાળી તહેવાર પહેલા એકથી બે મહિનામાં ઈન્ટરનેશનલ ફલાઈટ શરૂ થાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તેમજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીને ઈન્ટરનેશનલ ફલાઈટ લાવવા માટે ગમે તે કરવુ પડે તે માટે ઘટતું કરવા તૈયાર છે તેમ પ્રમુખ વી.પી. વૈશ્ણવે જણાવાયું છે.
આ મુદ્દો પણ ધ્યાનમાં લેવાશે
રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટને કલીયરન્સની સુવિધા મળી છે. તેમજ ઈમિગ્રેશન માટે અમદાવાદથી ટીમ ચકાસણી માટે આવી રહી છે. તાત્કાલીક અસરથી ઈન્ટરનેશનલ ફલાઈટ જેવી કે રાજકોટ-દુબઈ કે રાજકોટ- બેંગકોક માટેની શરૂ થાય અને મિડલ ઈસ્ટના શહેરોને કનેકટીવીટી મળે તો સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગકારો, મેડીકલ ઈમરજન્સી જતા દર્દીઓ, ટુરીસ્ટો તેમજ આમ જનતા સહિત સર્વાંગી ફાયદો થશે.હવે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વિદેશ જવા માટે પ્રવાસીઓનું વોલ્યુમ કેવું અને કેટલું મળે છે એના પર એરલાઈન્સ કંપનીઓની ગણતરી રહેલી છે. અનેક એવી કંપનીઓ એરપોર્ટ ઑપરેશનની ગણતરી કરીને જે તે રૂટ નક્કી કરતી હોય છે.