Sun Mar 08 2026

Logo

રાજકોટમાં 24 વર્ષીય યુવકના મોત કેસમાં મૃતકના પરિવારને રૂ.1.20 કરોડ ચૂકવવા હાઈકોર્ટનો હુકમ...

2 weeks ago
Author: Chandrakant Kanoja
Article Image

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં ખાનગી વીમા કંપની દ્વારા રાજકોટ મોટર અકસ્માત ક્લેમ ટ્રિબ્યુનલ દ્વારા વર્ષ 2021માં અપાયેલા ચુકાદાને વર્ષ 2022માં પડકારવામાં આવ્યો હતો. જેને હાઇકોર્ટે નકારી દેતા ટ્રિબ્યુનલ નક્કી કરેલ રકમ ઉપરાંત 23 હજાર રૂપિયા મૃતકના પરિજનોને ચૂકવવા હુકમ કર્યો હતો. આ કેસની મળતી વિગત મુજબ, રાજકોટની મોટર અકસ્માત ક્લેમ ટ્રિબ્યુનલમાં 24 વર્ષીય મૃતક યુવકના માતા પિતાએ 1 કરોડના વળતરનો દાવો 18 ટકાના વ્યાજ સાથે મેળવવા દાખલ કરવામાં આવ્યો હતો. 

બોલેરો ચાલક પાસે યોગ્ય ડ્રાઇવિંગ લાયસન્સ નહોતું 

જેમાં જણાવ્યા મુજબ યુવક જામનગરથી રાજકોટ આવી રહ્યો હતો, જ્યારે એક બોલેરો જીપ રાજકોટથી જામનગર જઈ રહી હતી. ત્યારે બોલેરો ચાલકે ઝડપી અને ગફલતભરી રીતે ગાડી ચલાવતા, બોલેરો ડીવાઈડર કૂદીને સામે આવતી મૃતક યુવકની ગાડીને અથડાઈ હતી.શેર ટ્રેડિંગ અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલ યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. વીમા કંપનીએ કહ્યું હતું કે બોલેરો ચાલક પાસે યોગ્ય ડ્રાઇવિંગ લાયસન્સ નહોતું. અકસ્માતમાં મૃતક પણ જાતે જવાબદાર છે. તેની 50 ટકા જવાબદારી ગણાવી જોઈએ. નેશનલ બેંકના વ્યાજના દર 5 થી 6 ટકા છે. ત્યારે તેના કરતા વધુ વ્યાજ આપી શકાય નહીં.

ઇન્કમટેક્સ રિટર્ન 10.49 લાખનું બતાવતું હતું

જો કે ટ્રિબ્યુનલે આ અકસ્માતમાં મૃતકની ભૂલ 10 ટકા જ ગણી હતી. મૃતકનું અકસ્માત પહેલા છેલ્લું ઇન્કમટેક્સ રિટર્ન 10.49 લાખનું બતાવતું હતું. ટ્રિબ્યુનલે ગણતરી કરતા મૃતકના પરિજનોને 1.33 કરોડ જેટલી રકમ ચૂકવવાની થતી હતી. જેમાંથી 10 ટકા મૃતકની ભૂલને બાદ કરતા આશરે 1.20 કરોડ જેટલી રકમ અરજદારોને 9 ટકા વ્યાજ સાથે ચૂકવવાની થતી હતી.

મૃતકે બેદરકારપૂર્વક ગાડી ચલાવ્યાના કોઈ પુરાવા નથી

હાઇકોર્ટમાં વીમા કંપનીએ જણાવ્યું હતું કે, વળતરની રકમ નક્કી કરવા એવરેજ આઈટી રિટર્નને ધ્યાને લેવું જોઈએ. ટ્રિબ્યુનલે મૃતકની આવક ગણવામાં ભૂલ કરી છે. મૃતકની પણ અકસ્માતમાં 50 ટકા ભૂલ ગણાવી જોઈએ. મૃતકના પરિજનોએ જણાવ્યું હતું કે, મૃતકે બેદરકારપૂર્વક ગાડી ચલાવ્યાના કોઈ પુરાવા નથી. બોલેરો ગાડી રોંગ સાઇડથી આવી અને ડીવાઈડર કૂદીને મૃતકની ગાડીને અથડાઈ હતી.