અમદાવાદઃ પોલીસ અધિકારી તરીકેની લાંબી કરિયર બાદ નિવૃત્ત થવા જઈ રહેલા એક ઉચ્ચ અધિકારીને ગૃહ વિભાગે નિવૃત્તિના કલાકો પહેલા સેવામાંથી બરતરફ કરી નાખ્યો હતો. અધિકારીએ એક જુગાર સંબંધિત કેસમાં યોગ્ય કામગીરી ન નિભાવી હોવાનું જાણવા મળ્યું હતું. રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા એસીપી વિનાયક પટેલને 31 મેના રોજ નિવૃત્તિના એક દિવસ પહેલા 30 મેના રોજ બરતરફીનો આદેશ જારી કરવામાં આવ્યો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
પટેલના વડોદરાના એચ ડિવિઝનના એસીપી તરીકેના કાર્યકાળ દરમિયાનના આરોપોની તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસમાં એવું તારણ નીકળ્યું હતું કે તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જુગારના કેસમાં આરોપીને કથિત રીતે રીતે મદદ કરી હતી.તપાસ બાદ આવેલા અહેવાલ મુજબ, પટેલે કથિત રીતે સંજય ઉર્ફે ભૂરો અમૃતલાલ છગાણી નામના આરોપીને તેના ઘરે રહેવાનું ટાળવાની સલાહ આપી હતી, જેના કારણે તે પોલીસ કાર્યવાહીથી બચી શક્યો હતો.
તે સમયે આ આરોપોએ વિવાદ જગાવ્યો હતો, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે પટેલે પૈસા લઈ આ કામ કર્યું હોઈ શકે. વિગતવાર વિભાગીય તપાસ બાદ, તારણો ગૃહ વિભાગને સુપરત કરવામાં આવ્યા હતા. અહેવાલની સમીક્ષા બાદ ગૃહ વિભાગે પટેલને સેવામાંથી બરતરફ કરવાનો આદેશ આપ્યો હતો. તેમની નિવૃત્તિના થોડા કલાકો પહેલા જ લેવાયેલા આ નિર્ણયે પોલીસ વર્તુળોમાં ધ્યાન ખેંચ્યું છે.