Thu Sep 03 2026

Logo

રાજકોટમાં મનપાનું મેગા ડિમોલિશન: ભીમનગર ટીપી રોડ પરથી 33 દબાણોનો સફાયો

2026-05-12 13:19:00
Author: Mayur Patel
રાજકોટમાં મનપાનું મેગા ડિમોલિશન: ભીમનગર ટીપી રોડ પરથી 33 દબાણોનો સફાયો

રાજકોટઃ શહેરમાં ફરી ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું હતું. શહેરના ભીમનગર વિસ્તારમાં 33 જેટલી મિલતતો પર ડિમોલેશન કરાયું હતું. ભીમનગર ચોક નજીક આવેલા ટીપી રોડ પર ખડકાયેલા દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો. મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

શહેરના ભીમનગર વિસ્તારમાં 200 મીટરના ટાઉન પ્લાનિંગ રોડ પર વર્ષોથી ખડકાયેલા ગેરકાયદે બાંધકામો પર આજે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી હતી. મનપા કમિશનરના આદેશથી ટીપી વિભાગે પોલીસ કાફલા સાથે પહોંચી 33 જેટલા કાચા-પાકા દબાણો તોડી પાડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અહીં લાંબા સમયથી અહીં ગેરકાયદે રહેણાંક અને વ્યાવસાયિક એકમોને કારણે રસ્તો સાંકડો થઈ ગયો હતો, જેનાથી વાહનચાલકો પરેશાન હતા. આ ઉપરાંત, અહીં ખુલ્લેઆમ નોનવેજનું વેચાણ થતું હોવાથી સ્થાનિક રહીશોમાં પણ ભારે રોષ હતો. તંત્રએ આ તમામ દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કર્યો હતો.

આ રોડ ખુલ્લો થવાથી હવે તેને પહોળો અને આધુનિક બનાવવામાં આવશે. આ કામગીરીથી ભીમનગરની સાથે નાનામૌવા અને મોટામૌવા વિસ્તારના હજારો લોકોને સીધો ફાયદો થશે અને ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળશે. ભીમનગરની આ કામગીરી બાદ આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ સર્વે કરીને ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે. તંત્રની બુલડોઝર કામગીરીથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો.