Sat May 09 2026

Logo

રાજકોટ અને ભાયાવદરની બે કોલેજોમાં જુનિયર ક્લાર્કની ભરતીમાં 'ગોઠવણ'ના આક્ષેપોથી ખળભળાટ

2026-05-09 20:00:07
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
વિદ્યાર્થી  નેતા યુવરાજસિંહ જાડેજાએ રાજકોટના ઉપલેટા તાલુકાની શ્રી એચ.એલ. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ભાયાવદરની તેમજ રાજકોટની શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજમાં જુનિયર ક્લાર્કની એક ખાલી જગ્યા ભરવા માટેની પ્રક્રિયામાં ગોઠવણ થઈ હોવાના આક્ષેપ કર્યા હતા. 

યુવરાજસિંહના આક્ષેપ અનુસાર, કે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજમાં જુનિયર ક્લાર્કની એક ખાલી જગ્યા માટે લેવાયેલી પરીક્ષામાં ગોઠવણ કરવામાં આવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે મુખ્ય પરીક્ષાના પેપરમાં સાચા વિકલ્પની બાજુમાં કૌંસ છાપેલા હતા, જે અમુક ચોક્કસ ઉમેદવારોને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવ્યું હોવાની શંકા છે. આ ઉપરાંત, પ્રશ્નપત્રનું સ્તર જોતા તે કોઈ નિષ્ણાત દ્વારા નહીં પરંતુ એઆઈ દ્વારા તૈયાર કરાયું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે પરીક્ષાની તારીખ પાછળ પણ અમુક ઉમેદવારોને ફાયદો આપવાનો આક્ષેપ કર્યો હતો. 

તે ઉપરાંત ઉપલેટાના ભાયવાદરની શ્રી એચ.એલ. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં જુનિયર ક્લાર્કની ભરતીની પરીક્ષા લેવાય તે પહેલા જ જે ઉમેદવારના નામની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, આખરે પરિણામમાં એ જ ઉમેદવારની પસંદગી થઈ હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. યુવરાજસિંહે જણાવ્યું હતું કે ભુવા હર્ષ અનિલભાઈ નામના ઉમેદવારનું સિલેક્શન થશે તેવી લેખિત આશંકા અગાઉ જ વ્યક્ત કરી હતી, જે આજે સાચી પડી હોવાનો તેમણે દાવો કર્યો હતો. પરીક્ષા અગાઉ જ શિક્ષણ પ્રધાન, શિક્ષણ મંત્રાલય અને ઉચ્ચ શિક્ષણ વિભાગને ઈમેલ દ્વારા નામ જોગ રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હોવાના કારણે લાયક ઉમેદવારને અન્યાય થયો હોવાનો આક્ષેપ કર્યો હતો.