Tue Jun 16 2026

Logo

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ત્રણ વાહનોનો અકસ્માત, બે મહિલાઓના મૃત્યુ ઈકો કારનું પડીકું વળી ગયું

2026-06-13 12:45:00
Author: Mumbai Samchar Team
Article Image

અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક, ટેન્કર અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. એક સાથે ત્રણ વાહનો અથડાતા આ ઘટનામાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માતના પગલે થોડા સમય માટે ટ્રાફિકજામ થઈ ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, ઈકો કારનું પડીકું વળી ગયું હતું, જ્યારે ટ્રક પલટી ખાઈ ગયો હતો. ભારત પેટ્રોલિયમના ટેન્કરની કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કંપારી છોડાવી દેતા ઘટનાના દ્રશ્યો અને ચીચીયારીથી હાઈવે ગુંજી ઊઠ્યો હતો. કારમાંથી મૃતદેહ જ મળી આવતા હાઈવે પર જાણે યમરાજા કોપાઈમાન થયા હોય એવું આ ચિત્ર હતું. 

હાઈવે પર ટ્રાફિક જામ
ઘટના સ્થળ પર જ મહિલા તથા બાળકાના હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. વાહનોના સામાનના કટકા થયેલા અને એ વસ્તુઓ હાઈવે પર વિખરાયેલી પડી હતી. અકસ્માતની ઘટના સામે આવતા જ સ્થાનિકોએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. લોહી નીતરતી સ્થિતિમાં ચાર ઈજાગ્રસ્ત વ્યક્તિઓને 108 મારફતે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને કારણે બન્ને ટ્રેક પર વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. લાંબા સમય સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા કુવાડવા પોલીસ અને રાજકોટ એરપોર્ટ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. ઈજાગ્રસ્તની હોસ્પિટલમાં સારવાર ચાલું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ હેતું ખસેડવામાં આવી રહ્યા છે, એમના સ્વજનોને જાણ કરવામાં આવી છે. 

બે મહિલાઓના મૃત્યું
આ ઘટનામાં બે મહિલાઓના મૃત્યું નીપજ્યા છે.ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. ફરી એકવાર રાજકોટ-અમદાવાદ હાઈવે રંક્તરંજીત થયો છે. અકસ્માતને કારણે ટ્રક ડિવાઈર પાસે પલટી ખાઈ ગઈ હતી. ચોટીલાના મોટી મોલડીના રહેવાસી ડાભી અને મેઘાણી પરિવારના લોકો કુચિયાદડ જીઆઇડીસીમાં બેગના કારખાનામાં નોકરી હતા. તેઓ નોકરી પરથી ઈકો કારમાં પરત ફરી રહ્યા હતા તે દરમિયાન બેટી રામપર ગામ નજીક ઈકો કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી રહી છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર પસાર થતા અને ખાસ કરીને ચોટીલા નજીકના વિસ્તારમાં વાહનોની ગતિ ધીમી રાખવા માટે પોલીસે અપીલ કરી છે. ઈજાગ્રસ્તોના નામ રમેશભાઈ ગગજીભાઈ ડાભી, લીલાબેન રમેશભાઈ ડાભી, પુરી દિનેશભાઈ ડાભી, શ્રદ્ધા દિનેશભાઈ ડાભી, પ્રકાશભાઈ વિનુભાઈ મેઘાણી હોવાનું જાણવા મળ્યું છે.