Wed Jun 17 2026

Logo

રાજસ્થાનમાં શહીદ સૈનિકની પુત્રીના લગ્નમાં સર્જાયો ભાવુક માહોલ, પિતાના સાથીઓએ વચન નિભાવી કર્યું કન્યાદાન

2026-02-22 21:27:16
Author: Chandrakant Kanoja
Article Image

નાગૌર: રાજસ્થાનના નાગૌરના મેડતામાં એક શહીદની પુત્રીના લગ્નમાં એક અનોખું  દ્રશ્ય જોવા મળ્યું હતું. જેમાં શહીદ પિતાના અવસાન બાદ પિતાના સાથીઓએ 23 વર્ષ પૂર્વે આપેલું વચન નિભાવીને પુત્રીના પિતાની ફરજ નિભાવી હતી. જેના લીધે આ લગ્ન સૈનિકોમાં એકતા, કર્તવ્યનિષ્ઠા,સમર્પણ
અને આપેલા વચનનું જીવંત ઉદાહરણ છે.  

ચોવીસ સૈનિકો ખાસ નાગૌર  પહોંચ્યા હતા

આ સમગ્ર લગ્નની વિગતની વાત કરીએ તો, રાજસ્થાનના નાગૌરના મેડતામાં  શહીદ સૈનિક ભગીરથ કડવાસરાની પુત્રી સુષ્મિતાના લગ્ન હતા.જેમાં  સુષ્મિતાના પિતાના 24 સાથી સૈનિકો "પિતા" તરીકે લગ્નમાં પહોંચ્યા હતા. જેના લીધે ત્યાં હાજર તમામ લોકોએ ભાવુક થયા હતા. 13 મી ગ્રેનેડિયર્સ બટાલિયન (ગંગાનગર-જૈસલમેર સેક્ટર) ના ચોવીસ સૈનિકો ખાસ નાગૌર  પહોંચ્યા હતા. 

સૈનિકોએ પુત્રી સુષ્મિતાનું કન્યાદાન કર્યું 

જેમાં કમાન્ડિંગ ઓફિસર કર્નલ સોમેન્દ્ર કુમાર, અન્ય અધિકારીઓ અને નિવૃત્ત કર્નલ સુરેશ ચંદ્ર રાણા આ લગ્નના સાક્ષી બન્યા હતા. સૈનિકોએ પુત્રી સુષ્મિતાનું કન્યાદાન કર્યું અને  લગ્નની વિધિઓ કરી હતી. તેને આશીર્વાદ આપ્યા અને પિતા દ્વારા કરવામાં આવતી દરેક વિધિ પૂર્ણ  કરી હતી. તેમજ  વિદાય સમયે સૈનિકોની આંખો ભીની હતી જેના લીધે  મહેમાનોની આંખોમાં પણ  આંસુ આવ્યા હતા. જેની બાદ  એક  ગ્રામજને ટિપ્પણી કરી કે આજકાલ લોકો પોતાના સંબંધો જાળવવામાં ખચકાટ અનુભવે છે  પરંતુ સૈનિકોએ સાબિત કર્યું છે  વચન શું હોય છે.

શહીદ ભગીરથ કડવાસરાને મરણોત્તર શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, શહીદ ભગીરથ કડવાસરા વર્ષ 1995માં ભારતીય સેનાના 13 મા ગ્રેનેડિયર્સમાં જોડાયા હતા. 8 જૂન, 2002ના રોજ આસામના મિલનપુર ગામમાં આતંકવાદીઓ સામે લડતા તેઓ શહીદ થયા હતા. તેમની બહાદુરી માટે, તેમને 26 માર્ચ 2003ના રોજ મરણોત્તર શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું. તેમના પરિવારમાં પત્ની સંતોષ દેવી અને તેમની બાળકી સુષ્મિતાને હતા. તે સમયે સાથી સૈનિકોએ શહીદને વચન આપ્યું હતું કે અમે તમારી દીકરીના દરેક સુખમાં તમારી સાથે રહીશું. આ સાથી સૈનિકોએ  વચન પૂર્ણ કર્યું હતું.