Thu May 07 2026

Logo

મહારાષ્ટ્રમાં શું રંધાઈ રહ્યું છે?

2026-05-07 18:38:21
Author: Vipul Vaidya
Article Image

ચંદ્રશેખર બાવનકુળે રાજ ઠાકરેને મળવા પહોંચતા રાજકીય વર્તુળોમાં તર્ક-વિતર્ક

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્રના રાજકારણમાં સામાન્ય રીતે કોઈ નવાજૂની જોવા મળતી નથી, પરંતુ ગુરુવારે બનેલી એક ઘટના આખા રાજ્યમાં મોટી ચર્ચાનું કારણ બની ગયું હતું. રાજ્યમાં પડદા પાછળ કોઈ હિલચાલના એંધાણ તરીકે આ મુલાકાતને જોવામાં આવી છે. મહારાષ્ટ્રના રાજકારણમાં મનસેના વડા રાજ ઠાકરે એક મહત્વપૂર્ણ નામ છે. મરાઠી ભાષા, મરાઠી લોકો તેમના રાજકારણનું કેન્દ્રબિંદુ છે. તેમની સભાઓમાં હજારો લોકો ઉમટી પડે છે. બીજી તરફ તેઓ વિધાનસભ્ય, પ્રધાન કે સાંસદ નથી, પરંતુ તેમના મુંબઈના બંગલા શિવતીર્થ પર હંમેશા ભીડ જોવા મળે છે. ઘણા મોટા નેતાઓ અને પ્રધાનો તેમને મળવા પહોંચે છે. રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ પણ રાજ ઠાકરેની શુભેચ્છા મુલાકાત લીધી છે. આ મુલાકાતથી રાજ્યના રાજકારણમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે.

રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે જોડાણ કર્યું હતું. રાજ્યના રાજકારણમાં આ એક અભૂતપૂર્વ પ્રયોગ હતો. મ્યુનિસિપલ ચૂંટણી દરમિયાન રાજ ઠાકરેએ મરાઠીનો મુદ્દો ઉઠાવીને શાસક પક્ષની પણ ટીકા કરી હતી. આમ છતાં ચંદ્રશેખર બાવનકુળે, જે ભાજપના નેતા છે, રાજ ઠાકરેને મળ્યા હતા. આ મુલાકાતનો ચોક્કસ હેતુ, બેઠકમાં કયા રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તે હજુ સુધી પ્રકાશમાં આવ્યું નથી. પરંતુ આ મુલાકાતે રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ જગાવી છે.
મુલાકાત વિશે બાવનકુળેએ શું કહ્યું?

રાજ ઠાકરેને મળ્યા પછી બાવનકુળેએ આ મુલાકાતના કારણ માટે પુછવામાં આવેલા સવાલોનો જવાબ આપતાં કહ્યું હતું કે આ એક સદ્ભાવના મુલાકાત હતી. આ મુલાકાતમાં કોઈ રાજકીય ચર્ચા કરવામાં આવી નહોતી. હું રાજ ઠાકરેને મળવા ગયો હતો. હું તેમને સદ્ભાવનાના ધોરણે મળ્યો હતો. વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા પછી, હું પ્રધાન બન્યો ત્યારથી, અમે બેથી ચાર વાર મુલાકાત કરી છે. મેં તેમને કહ્યું હતું કે હું તમારી પાસે ચા પીવા આવવા માંગું છું. આજે (ગુરુવારે) રાજ ઠાકરેએ મને ચર્ચા માટે ચા પીવાનો સમય આપ્યો હતો, એમ બાવનકુળેએ જણાવ્યું હતું.