Thu Apr 16 2026

Logo

સરકાર સંવેદનહીન અને પથ્થરદિલ! મણિપુરમાં BSF જવાનના બે બાળકોના મોત પર રાહુલ ગાંધીના પ્રહાર

2026-04-08 12:19:00
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: મણિપુરના બિષ્ણુપુરમાં   ફરી એકવાર  હિંસા ભભૂકી ઉઠી હોવાના અહેવાલ છે. ટ્રોંગલાઓબી અવાંગ લેઈકાઈ ગામમાં એક બીએસએફ જવાનના ઘર પર રોકેટ જેવો પ્રોજેક્ટાઈલ પડતા ઘરમાં સૂતેલા બે બાળકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ છે. આ ભીષણ વિસ્ફોટમાં બાળકોની માતા  પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ઈમ્ફાલ પૂર્વ, ઈમ્ફાલ પશ્ચિમ સહિત ખીણના પાંચ જિલ્લાઓમાં ત્રણ દિવસ માટે ઇન્ટરનેટ સેવા સ્થગિત કરી દીધી છે.

આ  ઘટના બાદ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા તેમણે જણાવ્યું કે, બીએસએફ જવાનના ઘરમાં સૂતેલા બે નિર્દોષ બાળકોની હત્યાના સમાચાર હૃદયને ચીરી નાખનારા છે. રાહુલ ગાંધીએ સરકારને સવાલ કર્યો કે હિંસાની આ આગમાં ત્રણ વર્ષ પછી પણ માસૂમ બાળકો હોમાઈ રહ્યા છે, પરંતુ શાંતિના કોઈ સંકેતો દેખાતા નથી. તેમણે સરકારને સંવેદનહીન અને પથ્થરદિલ ગણાવતા કહ્યું કે, મણિપુરના બાળકો પણ આ દેશના જ બાળકો અને આપણું ભવિષ્ય છે.

રાહુલ ગાંધીએ સરકારની નિષ્ક્રિયતા પર પ્રશ્ન ઉઠાવતા પૂછ્યું કે, આ સરકાર આખરે ક્યારે જાગશે? મણિપુર ક્યાં સુધી પોતાના સ્વજનોની લાશો ગણતું રહેશે અને રાહ જોતું રહેશે? તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ વારંવાર કહેતા આવ્યા છે કે આ સંકટનો કાયમી ઉકેલ તમામ સમુદાયોને સાથે લાવીને અને સંવેદનશીલતા દાખવીને જ લાવી શકાય છે. માત્ર શાંતિ જ એકમાત્ર રસ્તો છે અને મણિપુરના આ જટિલ પ્રશ્નને ઉકેલવા માટે સરકારે ગંભીરતા દાખવવી અનિવાર્ય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે, મણિપુર માત્ર એક રાજ્ય નથી પરંતુ એક મોટી જવાબદારી છે. માત્ર નામનું નિવેદન કે દેખાવનો પ્રવાસ પૂરતો નથી. વહીવટીતંત્રે અને કેન્દ્ર સરકારે હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ બહાર જાય તે પહેલાં તાત્કાલિક અને નક્કર પગલાં લેવા જ પડશે.