Sat May 02 2026

Logo

જગદીશ વિશ્વકર્માના નિવેદન પર રાહુલ ગાંધીએ ભાજપને ગણાવ્યું ‘મહિલા વિરોધી’

2026-05-02 19:31:00
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: પાલનપુરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતા જગદીશ વિશ્વકર્મા દ્વારા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ કરવામાં આવેલી કથિત ટિપ્પણીથી રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો હતો. ‘વિજય વિશ્વાસ સંમેલન’માં કાર્યકર્તાઓને સંબોધતા જગદીશ વિશ્વકર્માએ વિવાદાસ્પદ શબ્દોનો પ્રયોગ કરતા કહ્યું હતું કે, નારી વંદના અધિનિયમ મુદ્દે મહિલાઓનું અપમાન કરનારને બનાસની બહેનો ક્યારેય માફ નહીં કરે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આગામી દિવસોમાં માતા-બહેનોએ ગેનીબેનના ગઢમાંથી તેમની સીટો તેમના 'સાડીના પલ્લુ'માંથી આંચકી લીધી છે, જેના કારણે એક નવો વિવાદ સર્જાયો હતો.

આ વિવાદાસ્પદ નિવેદન બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આપી ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે આ ટિપ્પણીને અભદ્ર ગણાવતા કહ્યું હતું કે, આ ઘટનાથી ભાજપનું 'નારી વંદન'નું મહોરું ઉતરી ગયું છે અને તેમની મનુવાદી તથા મહિલા વિરોધી વિચારધારાનો અસલી ચહેરો સામે આવ્યો છે. શું આ રીતે ભાજપ મહિલાઓનું સશક્તિકરણ કરશે? રાહુલ ગાંધીએ એમ પણ ઉમેર્યું કે જે મહિલાઓ સત્તાને પડકાર આપે છે, તેમને ભાજપ સહન કરી શકતું નથી અને એટલે જ તેમની વિકૃત માનસિકતા છતી થઈ જાય છે.

વધુમાં, રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જૂના નિવેદનને ટાંકીને ભાજપને આડે હાથ લીધું હતું. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન પોતે કહેતા હોય છે કે 'નારી બધું ભૂલી જાય છે પણ અપમાન નથી ભૂલતી', પરંતુ ભાજપના નેતાઓ પોતે જ આ વાત ભૂલી ગયા હોય તેમ લાગે છે. રાહુલ ગાંધીએ ચેતવણી આપતા કહ્યું હતું કે ગુજરાત સહિત આખા દેશની મહિલાઓ આવા અપમાનનો જડબાતોડ જવાબ આપશે. જગદીશ વિશ્વકર્માના નિવેદન મુદ્દે શરૂ રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.

આ મામલે કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી, તેમણે કહ્યું હતું કે, "અહંકાર રાજા રાવણનું પણ નથી ટક્યું. ભજપના નેતાઓ સત્તાના નશામાં ચૂર થઈને રાવણની ભાષા બોલે છે. સામાન્ય ઠાકોર પરિવારના ગેનીબેન આજે સંસદમાં ગુજરાતનો એકમાત્ર અવાજ છે. તેમણે કહ્યું હતું કે રાજનીતિમાં તો હાર જીત થાય, આઝાદી બાદ પહેલીવાર ખાડિયામાં ભાજપ હારી ત્યારે કોંગ્રેસ દ્વારા ભાજપનું ધોવાણ થયું કે તેવા કોઈ શબ્દો વાપરવામાં નહોતા આવ્યા. જ્યારે જગદીશ વિશ્વકર્માએ જે પલ્લુંનું નિવેદન આપ્યું છે, તેમાં તેમની હલકી માનસિકતાના દર્શન થાય છે. જગદીશ વિશ્વકર્માએ માત્ર ગેનીબેનની નહિ પરંતુ મહિલાઓની માફી માંગવી જોઈએ, જો ભાજપમાં પણ મહિલાઓ માટે થોડું પણ સન્માન હોય તો તેમણે માફીનો આદેશ આપવો જોઈએ તેવી માંગ કરી હતી.