Thu Sep 03 2026

Logo

પીએમ મોદીના નિવાસે પહોંચ્યા રાહુલ ગાંધી અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, જાણો કારણ

2026-05-12 22:47:00
Author: Chandrakant Kanoja
પીએમ મોદીના નિવાસે પહોંચ્યા રાહુલ ગાંધી અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, જાણો કારણ

નવી દિલ્હી: પીએમ મોદીના નિવાસ સ્થાને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંત અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સીબીઆઈ ડિરેક્ટરના નામને અંતિમ સ્વરૂપ આપવા માટે યોજાયેલી બેઠકમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જેમાં  સીબીઆઈના ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ  24 મે 2026 ના રોજ પૂર્ણ થવાનો છે. તેમનો મૂળ કાર્યકાળ 25 મે 2025 ના રોજ પૂર્ણ થયો હતો જેને કેન્દ્ર સરકારે એક વર્ષ માટે લંબાવ્યો હતો.

સીબીઆઈ ડિરેક્ટરની પસંદગી માટે બેઠક 

જોકે, કેન્દ્ર સરકારે હવે આગામી સીબીઆઈ ડિરેક્ટરની પસંદગી કરવાની છે. જેથી મંગળવારે પીએમ મોદી, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની હાજરીમાં એક બેઠક યોજાઈ હતી.આ અંગે જોવા જઇએ તો હાલમાં ઘણા આઈપીએસ અધિકારીઓ નવા સીબીઆઈ ડિરેક્ટર પદ માટે દોડમાં છે. 

સીઆરપીએફ ડીજી જીપી સિંહનું નામ પણ ચર્ચામાં 

સીબીઆઈ ડિરેક્ટર પદ માટે દાવેદારોમાં સીઆરપીએફ ડીજી જીપી સિંહનું નામ પણ સામેલ છે. તેમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિશ્વાસુ માનવામાં આવે છે. સીઆરપીએફમાં જોડાતા પૂર્વે તેમણે આસામના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) તરીકે સેવા આપી હતી. તેમણે આસામમાં બળવાખોરીનો સામનો કરવામાં અને ત્યારબાદ  સીઆરપીએફ સાથેના તેમના કાર્યકાળ દરમિયાન  માઓવાદનો સામનો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 

આઈપીએસ અધિકારી શત્રુજીત સિંહ કપૂર પણ  દાવેદાર 

આ ઉપરાંત  હરિયાણા કેડરના 1990 બેચના આઈપીએસ અધિકારી શત્રુજીત સિંહ કપૂરનું નામ પણ સામે આવ્યું છે. તેઓ હાલમાં આઈટીબીપીના ડિરેક્ટર જનરલ તરીકે સેવા આપે છે. આ પૂર્વે હરિયાણાના ડીજીપીનું પદ સંભાળી ચૂક્યા છે. આ બેઠકમાં નામ નક્કી થયા બાદ તેની જાહેરાત કરવામાં આવી શકે છે.