રાયબરેલી: ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાના એક ગામમાંથી કિંમતી ખજાનો મળી આવ્યો છે. રાયબરેલી જિલ્લાના ઓઈ ગામમાં ભારે વરસાદ થયો તેના કારણે ખેતરમાં ભુવો પડ્યો હતો. જ્યારે ગામના લોકોએ પાસે આવીને જોયું ત્યારે કોઈ સુરંગ હોવાનું લાગ્યું. આ સમગ્ર મામલે જાણ થતાં જ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ની ટીમ અહીં પહોંચી ગઈ હતી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સમગ્ર વિસ્તાર સીલ કરીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
રાયબરેલીના ઓઈ ગામમાંથી મળ્યા વર્ષો જૂના અવશેષો
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ની તપાસમાં ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. સહાયક પુરાતત્વવિદ ડૉ. મનોજ કુમાર યાદવની દેખરેખ હેઠળ અત્યારે ખેતરમાં મળી આવેલ સુરંગની તપાસ કરવામાં આવી હતી. આ સુરંગ નીચે જઈને પણ તપાસ કરવામાં આવી રહી છે.
તપાસ દરમિયાન ટીમને અનેક પ્રાચીન અવશેષો મળી આવ્યાં છે. આમાં વર્ષો જૂની ઈંટો, માટીનો પાણીનો જગ અને હાથે પકડેલી ધૂપદાની પણ મળી આવી છે. આ અવશેષો કુષાણકાળના અવશેષો સાથે મેચ થઈ રહ્યાં છે. એટલે કે આ અવશેષોનું આયુષ્ય 2000 વર્ષથી પણ વધારે હોઈ શકે છે.
સહાયક પુરાતત્વવિદ ડૉ. મનોજ કુમારે શું કહ્યું?
સહાયક પુરાતત્વવિદ ડૉ. મનોજ કુમાર યાદવનું કહેવું છે કે, જે ઈંટો અહીંથી મળી આવી છે, તેનો આકાર 40×28×8 સેન્ટીમીટર છે. જે કુષાણકાળની નિર્ણાણ શૈલી સાથે મેળ ખાય છે. મહત્વની વાત એ છે કે, આ પહેલા પણ આ વિસ્તારમાં લોકોને મૂર્તિઓ અને અન્ય અવશેષો મળેલા છે, તેનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
આ સમય દરમિયાન ASI ટીમે ગામના રહેવાસી અશોક પ્રતાપ મૌર્યના ઘરની પણ મુલાકાત લીધી હતી. અશોક પ્રતાપ મૌર્યે જણાવ્યું કે, તેઓ 1985 થી આ વિસ્તારમાં મળી આવેલી પ્રાચીન કલાકૃતિઓને સાચવી રહ્યા છે. તેઓ નિર્દેશ કરે છે કે 'ઓઈ ભીત' પહેલાથી જ પુરાતત્વ વિભાગના રેકોર્ડમાં એક ઐતિહાસિક સ્થળ તરીકે નોંધાયેલું છે. અત્યારે આ વિસ્તારની સુરક્ષાને ધ્યાને રાખતા તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવ્યો છે. પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે. ખાસ કરીને વૈજ્ઞાનિક તપાસમાં કોઈ અડચણ ના આવે તેના માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.