Wed Mar 11 2026

Logo

શ્યામ સમીપેઃ આ રાધાથી સમસ્ત જગતની ઉત્પત્તિ થઈ છે

2 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

 

જ્યોત્સના તન્ના

ઓરિસ્સાનાં ભક્તકવિ દિવાકરદાસે લખ્યું, ‘રાધાટિ સ્વયં જગન્નાથી, રાધાટિ સ્થૂલ રૂપે સ્થિત રાધાંગે વશ જગન્નાથ, રાધારુક્ષરિછિ જગત.’ રાધા તો સ્વયં જગન્નાથ છે. આ રાધાથી સમસ્ત જગતની ઉત્પત્તિ થઈ છે. એમ પણ માનવામાં આવે છે કે વિષ્ણુ ચતુર્ભુજરૂપે લક્ષ્મી સાથે વૈકુંઠ- ગોલોકમાં વસે છે અને દ્વિભૂજકૃષ્ણરૂપે રાધા સાથે આ પૃથ્વી પર હોય છે. અહીં વૈકુંઠ અને વસુધાનો મેળ બેસાડવામાં આવ્યો છે. આ બધાં ગ્રંથોમાં રાધાનું મહત્ત્વ તો ઘણું જ છે, એ બધાંની જુદા જુદા સમયે અને સ્થળે રચના થઈ હતી.

પૃષ્ટિમાર્ગના પ્રણેતા મહાપ્રભુ વલ્લભાચાર્યે રાધાનો અનેક વાર ઉલ્લેખ કર્યો છે. શ્રીકૃષ્ણ માટે રાધાસર્વસ્વસંપુષ્ટ, રાધિકા-રતિલંપટ, રાધિકાવલ્લભ, રાધાવિશેષસંભોગ પ્રાપ્ત દોષનિવારક વગેરે શબ્દોનો ઉપયોગ કર્યો છે. અહીં પુષ્ટિમાર્ગીય સંપ્રદાયમાં સચ્ચિદાનંદ પૂર્ણપુરુષોત્તમ કૃષ્ણની શક્તિ રાધા છે. જે સ્વામિની છે. તેમના અનુગામી વિઠ્ઠલનાથના સમયમાં રાધાતત્ત્વનો વિસ્તાર થયો. તેમણે શ્રી સ્વામિન્યષ્ટકની રચના કરી છે. સાધકના જીવનની ચરમ અભિલાષા હોય છે કે શ્રી રાધાના કૃપાપાત્ર બનવું. તેમને મોક્ષ, સ્વર્ગ, યોગ, જ્ઞાન, વિષયસુખ-કંઈ જ ન જોઈએ. 

જોઈએ ફક્ત રાધાનું એંઠું ભોજન, ચરણામૃત અને પગ નીચેની ધૂળ મસ્તક પર. નિંબાર્કાચાર્યે પોતાના સ્તોત્ર ‘વેદાન્તકામધેનુ’માં ભગવાન શ્રીકૃષ્ણની ડાબી બાજુએ વિરાજમાન હજારો સખીઓ થી સેવાતી શ્રીકૃષ્ણને અનુરૂપ સૌભાગ્યવાળી વૃષભાનુની પુત્રી રાધિકાનું સ્મરણ કર્યું છે. જે બધી કામનાઓની પૂર્તિ કરે છે. ગૌડીય વૈષ્ણવકવિઓ મહાપ્રભુ ચૈતન્યથી પ્રભાવિત થયા છે. તેઓ માટે રાધા સર્વસ્વ છે. કૃષ્ણ દેવાધિદેવ અને રાધા તેમની પરમ હ્લાદિની શક્તિ છે. સાક્ષાત્ ‘મન્મથમન્મથ’ શ્રીકૃષ્ણ રાધાના વિરહમાં દુ:ખી હોય છે. 

રાધા પણ વિહ્વળ છે. છેવટે વિરહવ્યાકુળ થઈ કૃષ્ણ રાધાને મળવા કુંજમાં આવે છે. માધવમિલન પછી રાધા ભાવવિભોર બની ધન્યતા અનુભવે છે. મૈથિલી ભાષાના પ્રસિદ્ધ કવિ મૈથિલકોકિલ કહેવાતા કવિવર વિદ્યાપતિની થોડી પંક્તિઓ જોઈએ. ‘કિ કહબ હે સખિ આનંદ ઓર, ચિર દિને માધવ મંદિર મોર.’ રાધાનું બધું દુ:ખ દૂર થઈ જાય છે. પૂર્ણ ઔષધિ મળે પછી કોઈ વ્યાધિ બાકી રહે? આ પદ સાંભળીને અને ગાતાં ચૈતન્ય ભાવવિભોર થઈ બેભાન થઈ ગયા હતા એમ કહેવાય છે.

મથુરાના કારાગારના ચિરંતર અંધકારથી નીકળી એક અષ્ટમીની મધરાતે બાલકૃષ્ણ વ્રજના નવા મુક્ત પ્રકાશમય વાતાવરણમાં આવી ગયા. આ દૈવી શિશુના અલૌકિક માનસમાં બંસીની દૈવી. તાલબદ્ધ મધુર સંગીતમય લહેરો ઊઠી. અને તે તાલબદ્ધ પ્રેમભર્યા સંગીતની મૂરત સાથે જોડાઈ ગયું એક નાજુક ગોપાંગનાનું પ્રેમમય હૃદય. રાધાકૃષ્ણના આ અજર અમર પ્રેમમાં ગ્રામીણ ધરતીની નિર્દોષતા અને માધુર્ય સાથે અપ્રતિમ અપાર્થિવ પ્રેમલક્ષણાભક્તિનું અસ્તિત્વ ભળ્યું. 

કવિઓએ અગણ્ય વર્ષોથી પોતાની પ્રતિભા દ્વારા શબ્દમય શિલ્પોનું અભિરામ સર્જન કર્યું છે. ચિત્રકારના રંગોના પ્રયોગની જેમ કવિઓ પણ કલ્પનાની પીંછી લઈને સુંદર શબ્દચિત્રો રચે છે. અજંતાનાં ભિત્તિચિત્રો પર કાળનો પ્રભાવ પડયો. પ્રાચીન મહાલયોની ભવ્યતા નષ્ટ થઈ ગઈ. પણ આપણા પ્રાચીન કવિઓનાં કવન આજે પણ સૂરજ જેવાં પ્રકાશે છે. વૃંદાવન, શરદપૂનમ, યમુનાપુલિન, રાસમંડળ, ખેલક્રીડા, પ્રેમભરી રાધા અને મનમોહન સાંવરિયાની બંસી - આજે પણ કાળના સ્તોત્રની પેલે પાર પહોંચી કવિઓની કલ્પનાસરિતામાં નિતનવી લહેરો ઉત્પન્ન કરતાં રહ્યાં છે.

જયદેવરચિત ‘ગીતગોવિંદ’થી રાધામાધવની વાત બધે ફેલાઈ, મંદિરોમાં પણ તેનો સ્વીકાર થયો. શ્રીકૃષ્ણ રાધાને કહે છે, ‘તું જ મારું આભૂષણ, તું મારું જીવન, તું મારા ભવસાગરનું રત્ન, તું સદા મારા પર કૃપા કરતી રહે એ માટે મારું હૃદય ઘણા પ્રયત્ન કરે છે. પ્રિયે ‘ચારુશીલે, અકારણ માન છોડી દે.’ અહીં કૃષ્ણ અને રાધાના વિરહથી પૂર્ણ શૃંગારનું વર્ણન છે. કવિ આ કથાને ‘હરિચરણસ્મૃતિસાર’ કહે છે. 

એ સમયની દરબારી રીત પ્રમાણે અહીં રાધાના માધ્યમથી કવિએ નાયિકાભેદ પણ વર્ણવ્યા છે, જે છે - સ્વાધીનપતિકા, વાસકસજ્જા, વિરહોત્કંઠિતા, ખંડિતા, કલહાન્તરિતા, વિપ્રલબ્ધા, પ્રોષિતપતિકા, માનિની અને અભિસારિકા. ભક્તિ અને શૃંગારનું આ ઐકય જયદેવની અમર પ્રતિભાનો વિલાસ છે. હરિસ્મરણ સાથે વિલાસકેલિનું મૌલિક સર્જન છે ગીતગોવિંદ. હિંદી ભાષાના રીતિકાવ્ય પરંપરાના અગ્રણી કવિ કેશવદાસ પણ ‘રસિકપ્રિયા’માં રાધાકૃષ્ણના શૃંગારનું વર્ણન કરીને આ જ આધાર પર નાયિકાભેદ વર્ણવે છે.

વળી પ્રશ્ન એ જ કે આ રાધા કોણ? કૃષ્ણે રાધાને પહેલી વાર જોઈ અને સુરદાસના પદ પ્રમાણે પૂછી બેઠા ‘બૂઝત શ્યામ કૌન તૂ ગોરી, કહાં રહતિ, કાકી હૈ બેટી, દેખી નહીં કહૂં બ્રજખોરી.’ ચંડીદાસે પણ એવું જ કર્યું, કૃષ્ણે પૂછયું ‘સજનિ ઓ ધનિ કે કહ બટે, ગોરોચના ગોરિ નવીના કિશોરી, નાહિતે દેખિલૂં ઘાટે - હે સખી, ચંદન જેવા રંગવાળી, ગૌરવર્ણી સુંદર કિશોરી કોણ છે. જે ઘાટ પર સ્નાન કરે છે?’ રાધા વૃષભાનુની પુત્રી છે, પણ સીતા અને દ્રૌપદીની જેમ અયોનિજા છે. પદ્મપુરાણ પ્રમાણે વૃષભાનુની યજ્ઞભૂમિમાં રાધા પ્રગટ થઈ. 

ગોલોકમાં તો રાધાકૃષ્ણ નિત્ય રાસમંડળમાં રમમાણ હોય છે. શ્રીકૃષ્ણને વિરજા ગોપી પર આસક્ત થયેલા જોઈ રાધાએ ક્રોધ કર્યો. ભયથી શ્રીકૃષ્ણ અદૃશ્ય થઈ ગયા અને વિરજા નદી બની ગઈ. શ્રીકૃષ્ણના સખા અને અનુયાયી શ્રીદામાએ રાધાની વાતનો વિરોધ કર્યો તો રાધાએ તેને અસુર થવાનો શાપ આપ્યો. તેથી શ્રીદામાએ પણ સામો શાપ આપી તેને મનુષ્યલોકમાં અવતરી શ્રીકૃષ્ણવિરહનો શાપ આપ્યો. 

પછી તો પરમેશ્વરની લીલા પ્રમાણે કૃષ્ણ જ્યાં અતવાર કાર્ય માટે જન્મ લેવાનો હતો ત્યાં રાધાએ પણ અવતરણ કર્યું. આ બાળપુત્રી પહેલાં જડ જેવી લાગતી. નરાદમુનિને ખબર હતી કે શ્રીકૃષ્ણનો અવતારી જન્મ થઈ ચૂક્યો હતો. તે રાધાનો પણ ત્યાં જ ક્યાંક જન્મ થયો હોવો જોઈએ. આખર શોધ કરતાં વૃષભાનુપુત્રીને નારદ ઓળખી ગયા અને જડ લાગતી બાળકી સ્વસ્થ થઈ ગઈ.

કૃષ્ણ રાધાને જોઈ પરિચય પૂછી બેઠા. રાધાના મનમાં તો શ્યામ વસી જ ગયા, સુરદાસ વર્ણન કરે છે ‘નૈનનિ અંતર હોત ન કબહૂં, કહતી કહા રી અલિ એકૌ પલ હરિ હોત ન ન્યારે, નીકૈં દેખે નાહીં. સુરદાસ પ્રભુ ટરત ન ટારૈ, નૈનનિ સદા બસાહિં.’

આંખોથી દૂર થતા જ નથી. એક પળ પણ હરિ દૂર નથી થયા. બરાબર જોયા જ નથી. સુરદાસ (રાધા) કહે છે કે કૃષ્ણ ટાળ્યા ન ટળે, કારણ કે આંખોમાં જ વસી ગયા છે. રાધાની તો બે આંખો છે, કૃષ્ણના કૃપાજહાજ વગર શ્યામસુંદરરૂપી અગાધ સાગરને કેમ પાર કરી શકશે? રાજેન્દ્ર શાહે કહ્યું ‘હરિ મારે નયને બંદીવાન. પાંપણને બારણિયે દીધી. મેં જનમ જનમની આણ.’

રાધા અને કૃષ્ણના પ્રેમનાં અનેક સુંદર પદો આપણને વૈષ્ણસંપ્રદાયના અષ્ટસખા કવિઓ પાસેથી મળે છે. આ યુગલના માધ્યમથી વિરહથી શૃંગારના અનેક ભાવરંગ કવિઓએ કલ્પનાથી ભરી દીધા. રમણરેતી, સુરમ્ય યમુનાકિનારો, સર્વસ્વ છોડી ભાગી આવતી પ્રેમવિહ્વળ ગોપીઓ, રસમંજરી રાધા અને રસેશ્ર્વર શ્રીકૃષ્ણ મધુરો મુરલીનાદ-કવિઓને ગમતું મળી ગયું. 

દૈવી લક્ષ્મીનારાયણને બદલે માનુષી રાધામાધવની લીલા કાવ્યનો વિષય બની ગઈ એ યુગમાં ભક્તિનો જુવાળ આવ્યો. જેમાં જોગી, જતિ, ઋષિ, વિદ્વાનો અને સામાન્ય માનવી પણ અપિરમેય માધુર્યથી પ્લાવિત થઈ ગયા. યુગલસ્વરૂપ અને નિકુંજલીલા રાધાકૃષ્ણ અને ગોપીઓ સાથે નિકટતાથી જોડાઈ ગયા. જયદેવે ગાયું -
‘પૂર્વ યત્ર સમં ત્વયા રતિપતે: આસાહિતા: સિદ્ધય:
તસ્મિન્નેવ નિકુંજમન્મથમહાતીર્થે પુન: માધવ:’
‘શ્યામ સમીપ’ પુસ્તકમાંથી સાભાર.
પ્રકાશક: એન.એમ. ઠક્કરની કંપની.