Sun Sep 06 2026

Logo

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે કતરની ભારતને ઈંધણ પૂરું પાડવાની ખાતરી

Doha   2026-04-11 16:27:13
Author: Chandrakant Kanoja
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે કતરની ભારતને ઈંધણ પૂરું પાડવાની ખાતરી

દોહા: મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે ભારત માટે સારા સમચાર આવ્યા છે. જેમાં કતરે જણાવ્યું છે કે ભારતને એલપીજી અને ક્રૂડ ઓઇલનો પૂરતો પૂરવઠો પહોંચાડવામાં આવશે. આ અંગે કતરના ઊર્જા મંત્રી સાદ શેરીદા અલ-કાબી અને ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી વચ્ચે દોહામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન  બંને રાષ્ટ્રોએ ઊર્જા, વેપાર, રોકાણ અને દ્વિપક્ષીય સંબંધો પર વિગતવાર ચર્ચા કરી હતી. આ બેઠક બાદ, ભારતે આશા વ્યક્ત કરી હતી કે ટૂંક સમયમાં આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પરત ફરશે 

આ દરમિયાન કતરે ભારતને ખાતરી આપી છે કે તે ભવિષ્યમાં પણ વિશ્વસનીય ઉર્જા સપ્લાયર બની રહેશે. આ બંને રાષ્ટ્રોએ વૈશ્વિક બજારમાં સ્થિરતા જાળવવા અને ઉર્જા પુરવઠામાં કોઈ વિક્ષેપ ન આવે તેની ખાતરી કરવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે પુરવઠા શૃંખલાઓને સરળતાથી ચાલુ રાખવા અને આંતરરાષ્ટ્રીય વેપાર અવરોધ વિના ચાલુ રહે તે સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. 

કતર ભારત માટે LNG અને LPG બંનેનો સૌથી મોટો સપ્લાયર દેશ

ઉલ્લેખનીય છે કે, કતર ભારત માટે LNG અને LPG બંનેનો સૌથી મોટો સપ્લાયર દેશ છે. ભારતની LNG આયાતનો લગભગ 45 ટકા  અને તેના LPG પુરવઠાનો 20 ટકા કતરમાંથી આવે છે. આ સંદર્ભને ધ્યાનમાં રાખીને કતર તરફથી આ ખાતરી ભારતની ઉર્જા સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભારત તેના પડોશી રાષ્ટ્રોને સહાય પૂરી પાડી રહ્યું છે

જોકે, ભારત સરકાર કોઈપણ સંભવિત કટોકટીની અસરને ઘટાડવા માટે તેના ઉર્જા સ્ત્રોતોને વૈવિધ્યીકરણ કરવા માટે સતત કામ કરી રહી છે. ભારત તેના પડોશી રાષ્ટ્રોને સહાય પૂરી પાડી રહ્યું છે. તાજેતરમાં શ્રીલંકાને પેટ્રોલિયમ ઉત્પાદનો પૂરા પાડવામાં આવ્યા હતા.જ્યારે હાલમાં મોરેશિયસ સાથે કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.