મોસ્કોઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈનો રેલો હવે રશિયા સુધી પહોંચ્યો છે. રશિયન ક્રૂડની માગ વધતા રશિયાની તિજોરી તો છલકાઈ છે પણ આ યુદ્ધને લઈને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નિવેદન આપી દીધું છે. આ નિવેદનની વૈશ્વિક ચર્ચા શરૂ થઈ ચૂકી છે.
આ યુદ્ધને કોરોના વાયરસની જંગ કરતા પણ વધારે બદતર ગણાવી દીધી છે. પુતિને કહ્યું હતું કે, ઈરાન સંઘર્ષમાં સામેલ પક્ષો પણ એ દાવા સાથે નહીં કહી શકે કે આગળ શું થશે. આ યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થાને મોટી અસર થઈ છે.
મહામારી કરતા પણ ખરાબ
પુતિને ચેતવણી આપતા કહ્યું હતું કે, ઈરાન યુદ્ધની વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા આ હાલાત કોરોના વાયરસની મહામારી કરતા પણ ખરાબ છે. પરિસ્થિતિ એવી છે કે, ઈરાન સાથેના યુદ્ધમાં રહેલા પક્ષો પણ દાવા સાથે કહી શકતા નથી કે, આગળ હવે કેવી ઘટના બનશે અને શું બનશે. આ યુદ્ધની કોઈ ભવિષ્યવાણી કરી શકે એમ નથી. પુતિનનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે મિડલ ઈસ્ટમાં યુદ્ધ ભયાનક સ્તર સુધી પહોંચ્યું છે. હોર્મુઝ ક્રિક પર ઈરાને સંપૂર્ણપણે કંટ્રોલ મેળવી લીધો છે, ક્રૂડ ઓઈલ અને ગેસની સપ્લાય ચેઈન ખોરવાતા દુનિયાના અનેક દેશની અર્થવ્યવસ્થાને માઠી અસર પહોંચી રહી છે.
અમેરિકાની પોલીસીની નિંદા
પુતિને અમેરિકાની પરોક્ષ રીતે પોલીસીની નિંદા કરી હતી. પુતિને કહ્યું હતું કે, આ સંઘર્ષે દુનિયાને અનિશ્ચિતતાના ઊંડા સમુદ્રમાં ડૂબાડી દીધી. હોર્મુઝ રૂટ બંધ થતા તેની સીધી અસર અને ગંભીર અસર સપ્લાય ચેઈન સિસ્ટમ પર પડી છે. અહીંયાથી જ દુનિયાના દેશને ક્રૂડ અને ગેસની પ્રોપર સપ્લાય મળે છે.
આ રૂટ હવે જોખમી સાબિત થતા યુરોપ, એશિયા અને આફ્રિકામાં ક્રૂડ ઓઈલની અછત ઊભી થશે, મોંઘવારી વધશે અને આર્થિક મંદીનું જોખમ પણ વધી જશે. પુતિને એ વાત પર ભાર મૂક્યો કે, યુદ્ધથી ન માત્ર સ્થાનિક સ્તરે પણ વૈશ્વિક સ્તરે પણ હવે આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે. રશિયા ખુદ ક્રૂડ ઓઈલની બાબતમાં રશિયન ક્રૂડ વેચીને ફાયદો ઊઠાવી રહ્યું છે.
દુનિયાના હિતની ચિંતા કરી
લાંબા સમય સુધી આ યુદ્ધ ચાલું રહ્યું તો વૈશ્વિક સ્તર પર મંદી આવશે એ નક્કી છે. રશિયન ક્રૂડની માગ વધતા રશિયાને ફાયદો થઈ રહ્યો છે તેમ છતાં રશિયાએ દુનિયાના હિતની ચિંતા કરીને આ વાત મૂકી છે. આ પહેલા વડાપ્રધાન મોદી પણ કહી ચૂક્યા છે કે, આ યુદ્ધની અસર લાંબા સમય સુધી રહેવાની છે.
ઈરાન ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે ઈસ્લામિક દેશોએ પોતાના સંગઠન થકી પત્ર જાહેર કરીને ઈરાનને હુમલાઓ રોકવા માટેના આદેશ આપ્યા છે. હવે જોવાનું એ રહે છે કે, આવી સ્થિતિ એ ટ્રમ્પ ક્યા વિષયને લઈને દાવેબાજી કરે છે.