‘બુલ્લેયા કી જાણા મેં કૌણ, ના મેં મોમન વિચ મસીતાં, ના મેં વિચ કુફર દીયાં રીતાં...’
સૂફી શાયર બુલ્લે શાહ, ક્યારેક આવું સુંદર ગીત પંજાબની પવિત્ર પાંચ નદીઓના કિનારે ગાતા. જે પવન ક્યારેક બાબા ફરીદની માનવતા ને આધ્યાત્મિક કાફીઓ લઈને વહેતો હતો, એ આજે રુદન, નશાના ધુમાડા ને રાઈફલોના અવાજથી બોઝિલ છે. ત્યારે લોકકવિઓ અહંકાર છોડીને પ્રેમની વાત કરતા, આજે પંજાબનાં ખેતરોમાં મોહબ્બતની નહીં પણ મોતના સોદાગરોની પકડ છે. ત્યાંના પોપકલ્ચરમાં જે લય ગુંજે છે, તેમાં વેરનું ઝેર એવું ભળ્યું છે કે સૂર ને શસ્ત્રની ભેદરેખા ભૂંસાઈ ગઈ છે. નશીલું પોપસંગીત યુવાનોના દિલોદિમાગમાં વસી ગયેલું છે, જેમાં લવ નહીં લોહી છે: જીપ ખડી મેરે થાણે દે વિચ, બદલા લેણા જટ્ટા...
(મારી જીપ પોલીસ સ્ટેશનની બહાર ઊભી છે ને આ જાટ યુવાન પોતાનો બદલો લઈને જ રહેશે.)
હો જિન્ના દે હથ્થાં વિચ ખેલદીયાં રાઈફલાં, ઓહ ના દે પિસ્તોલ બોલદે...
(જેમના હાથમાં રાઈફલો રમે છે, ત્યાં શબ્દો મરી જાય છે અને માત્ર પિસ્તોલનો અવાજ ગુંજે છે.)
પંજાબમાં કલાકારો ને ગેંગસ્ટરોનો નાતો નવી વાત કે નવો ટ્વિસ્ટ નથી, પણ દાયકાઓની લોહિયાળ પરંપરા છે. પંજાબ પોલીસના નિવૃત્ત આઈપીએસ અધિકારીએ પોતાનું નામ આપ્યા વિના હચમચાવનારો કિસ્સો કહેલો:
એક જાણીતો ગાયક મારી ઓફિસે આવ્યો અને તેની આંખોમાં મોતનો ડર હતો. રડતા રડતા કહ્યું કે કેનેડાથી એક ગેંગસ્ટરનો ફોન આવ્યો છે કે જો હું તેના કહેવા મુજબ ગીત નહીં ગાઉં ને તેની ગેંગનું ગૌરવ નહીં વધારું, તો મારા વૃદ્ધ પિતાને ખેતરમાં જ ગોળી મારી દેવામાં આવશે.
ગાયકો હવે કલાકારો નથી, ગેંગસ્ટરો માટે ‘કેશ મશીન’ ને સામાજિક પ્રચારના હથિયાર બની ગયા છે આ કળા+ક્રાઇમનાં મૂળિયાં 2004-05 થી છે, જ્યારે પંજાબમાં રિયલ એસ્ટેટનો વ્યવસાય ફેલાયો. જમીનોના ભાવ વધવા સાથે જ ‘બાહુબલિ’ ગેંગસ્ટર કલ્ચર જનમ્યું. પોતાની ‘બેનામી મૂડી’ (Stray Capital) ને મિલકતો બચાવવા ગેંગ્સનનો ઉપયોગ શરૂ થયો. આ કાળું નાણું જ્યારે કેનેડા ને અમેરિકાના હવાલા મારફતે પંજાબી સંગીત ઉદ્યોગમાં ઠાલવવામાં આવ્યું, ત્યારે કલાને ગુનાખોરીનો એવો સનસનીખેજ સંગમ થયો જેણે આખેઆખી પેઢીને ભરડામાં લઇ લીધી.
‘નશામુક્તિ કેન્દ્ર’ ચલાવતા સામાજિક કાર્યકર કહે છે: પંજાબના યુવાનોના સપનાં છીનવી લેવાયાં છે.. બલ્કે કેનેડાથી આવતા ડૉલર ને સરહદ પારથી આવતા ડ્રગ્સની નદીઓએ પંજાબી યુથની નસોમાં ઝેર ભરી દીધું. જ્યારે ખેતી ભાંગી પડી, ત્યારે આ વિદેશી ડૉલર ને હથિયારો જ તેમને ‘હીરો’ જેવા લાગવા માંડ્યા.
જે શહીદ ભગતસિંહે આઝાદી, વૈચારિક ક્રાંતિ ને ખેડૂત-મજદૂરના ઉત્થાનનું સપનું જોયેલું, એ આજે ‘ગન કલ્ચર’ના નકલી ગ્લેમર નીચે કચડાઈ ગયું છે. જે ધરતીએ ફાંસીએ ચઢતા શહીદો આપ્યા, ત્યાં આજે યુવાનો ગેંગસ્ટરોની તારીફમાં સોશ્યલ મીડિયા પર સ્ટેટસ મૂકે છે.
ક્રાંતિકારી કવિ પાશ (અવતાર સિંહ સંધુ), જેમણે કલમની સત્તાનાં સિંહાસનો હચમચાવેલા, એમની હત્યા 23 માર્ચ 1988ના રોજ ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવી હતી. યોગાનુયોગ એ ભગતસિંહનો શહીદ દિન હતો. કવિ પાશે લખેલું:
સૌથી ખતરનાક હોય છે, આપણાં સપનાઓનું મરી જવું.
કવિ પાશનું લોહી હજુ સુકાયું નહોતું, ત્યારે જલંધર પાસે પંજાબી સંગીતનું સૌથી મોટું ‘સ્ટેજ એન્કાઉન્ટર’ થયેલું. સુપરસ્ટાર ગાયક ચમકિલા હજુ ગાડીમાંથી ઊતરીને સ્ટેજ પર જતો હતો, ત્યાં જ AK- 47 થી સજજ બુકાનીધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો. ગાયકની છાતી ને પત્નીના કપાળમાં ગોળીઓ વાગી ને હજારોની ભીડ સામે પંજાબનો પોપ્યુલર અવાજ ખતમ! હત્યારાઓએ લાશ પર એક ચિઠ્ઠી ફેંકી ને હવામાં ગોળીબાર કરી ભાગી ગયા. એ લોહીના ડાઘા હજુ પંજાબના સંગીત પરથી આજે સિદ્ધુ મૂસેવાલા સુધી વિસ્તર્યા છે.
સિદ્ધુ મૂસેવાલા, જે ‘મૂસા’ ગામના એક સામાન્ય ખેડૂતનો દીકરો હતો, તેણે પંજાબી સંગીતને વૈશ્વિક સ્તરે પહોંચાડ્યું. તેનાં ગીતોમાં ખેતરોની ધૂળ અને જટ્ટ (જાટ) હોવાનું ગૌરવ હતું, પણ સાથે જ હથિયારોનો અતિરેક પણ હતો. 29 મે, 2022ના મૂસાવાલાની નિર્મમ હત્યા કરવામાં આવી, આખું પંજાબ સ્તબ્ધ થઈ ગયું. પિતા બલકૌર સિંહ જ્યારે પોતાની મૂછોને વળ આપીને દીકરાના ન્યાય માટે આજેય લડે રાખે છે, ત્યારે એ દ્રશ્ય પથ્થરદિલને પણ રડાવી દે છે. પંજાબના ગ્રામીણ યુવાને કહેલું, સિદ્ધુનાં ગીતો અમને જોશ આપતા, પણ ખબર નહોતી કે સિદ્ધુ લોહીમાં લથબથ થઈને પાછો આવશે. આ ઘટનાએ સાબિત કર્યું કે 60ના દાયકાના જગ્ગા ડાકુને લોકગાયકોએ ‘ગરીબોનો બેલી’ કહીને જે ગૌરવ અપાવ્યું હતું, તે આજે લોરેન્સ બિશ્નોઈ જેવા ગેંગસ્ટરો માટે સામાજિક સ્વીકૃતિનો માર્ગ બની ગયું છે.
આજે પંજાબી કવિ શિવકુમાર બટાલવીની વેદના ખોવાઈ ગઈ છે: માયે ની માયે, મેં ઇક શિક્કરા યાર બણાયા, ચૂરી કુટ્ટ પાવાં, ઓહ ખાંવદા નાહીં, ઓહનું દિલ દા માસ ખવાય્આ...
(હે મા! મેં એક બાજને મારો મિત્ર બનાવ્યો, હું તેને લાડુ ખવડાવું છું પણ તે ખાતો નથી, તેને તો મારા દિલનું માંસ ખાવું છે...)
પંજાબમાં 2004 પછી આવેલી ‘નશાની લહેર’ એ યુવાનોની નસોમાં ઝેર ભરી દીધું છે. એક સામાજિક કાર્યકરના શબ્દોમાં કહીએ તો: ‘પંજાબમાં હવે માતાની લોરીઓ હાલરડાં નહીં, પણ ગેંગ વોરના કિસ્સાઓ સંભળાય છે. જો ડ્રગ્સ બંધ થાય તો અનેક નેતાઓનું ફંડિંગ બંધ થઈ જાય...’
આવી હિંસાનો પડછાયો માત્ર પંજાબ પૂરતો નથી હોતો. ગુજરાતના પોરબંદરના ઇતિહાસમાં ડોન સરમણ મુંજા જાડેજાની હત્યાની ઘટના આબેહૂબ આવી જ હતી. ગોંડલના મેદાનમાં જ્યારે મુંબઇની આઇ.એન.ટી નાટ્યસંસ્થાના ગુજરાતી કલાકારો જેમ કે અરવિંદ જોશી, સરિતાબેન જોશી વગેરેની હાજરીમાં ડાયરો દરમિયાન રાત્રિના અંધારામાં લોકલ ડોન સરમણ મુંજાની ગોળીબારમાં હત્યા થયેલી. કલાકારોની આંખ સામે વહેલું એ લોહી ને પંજાબમાં કલાકારો પર થતા હુમલા.
આ બંને ઘટનાઓ સાબિત કરે છે કે જ્યારે અપરાધ જગત ગ્લેમર ને સંગીત સાથે ભળે છે, ત્યારે કલાએ ભોગવવું પડે છે...
આજે રાજકારણમાં ગાંધી કે સાહિત્યમાં ટાગોર, જેવા કોઈ મહાનાયકો નથી રહ્યા જે આજની પેઢીને સાચી દિશા ચીંધી શકે. જો પંજાબ ફરીથી ગુરુ નાનકસાહેબની વાણી કે કવિ પાશની સંવેદના તરફ પાછું નહીં વળે તો પંજાબનું યુથ ક્યાં જઇ અટકશે? 5 પવિત્ર નદીનું પંજાબ, આજે છઠ્ઠી નદી:
‘લોહીની નદી’, વહાવી રહી છે. પંજાબે ફરીથી બુલ્લે શાહની એ ફકીરી કે ભગતસિંહની દેશભક્તિ તરફ પાછા વળવું પડશે, નહીંતર એ ડ્રગ્સ ડૂબેલા સંગીતમાં માત્ર ‘મોતના મરસિયાં’ જ બચશે.