Fri Apr 17 2026

Logo

અરીસાએ આશાજીને અટકાવ્યાં...

2026-04-17 10:03:00
Author: Hennry Shashtri
Article Image

હેન્રી શાસ્ત્રી

આશા ભોસલેએ આયુષ્યના 90 વર્ષ પૂર્ણ કર્યાં (8 સપ્ટેમ્બર, 2023) એ અવસરે ‘મુંબઈ સમાચાર’એ આશા ભોસલેની વિશેષ મેટિની પૂર્તિ તૈયાર કરી હતી. એમાં એમને લગતી અનેક વિશેષ માહિતી આવરી લેવામાં આવી હતી. આજે એનું પુનરાવર્તન ટાળીને અહીં આશા તાઈના કેટલાક મહત્ત્વનાં પાસા રજૂ કરીએ છીએ ... આશા છે કે વાચકોને જરૂર ગમશે... 

હીરોઈન નહીં-  ગાયિકા:
આશાજીના દેહાવસાન પછી સોશ્યલ મીડિયામાં તેમના જૂના - નવા અનેક વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. એમાંથી એકમાં તાઈની એક બહુ જ સરસ વાત જાણવા મળી. આશાજી કહે છે કે ‘શાંતાબાઈ શેળકેએ મને પૂછ્યું કે તમે સિનેમામાં હીરોઈન કેમ ન બની ગયા?’(શાંતા શેળકે મરાઠી સાહિત્યનું એક ગંજાવર વ્યક્તિત્વ છે જેના વિશે જાણકારી ‘મુંબઈ સમાચાર’ આયોજિત ભાગવત સપ્તાહમાં આપવામાં આવી હતી. 

તેમણે મરાઠી ફિલ્મો માટે પણ ગીતો લખ્યા છે). એ વખતે મેં જવાબમાં કહ્યું કે ‘શાંતાબાઈ, રોજ સવારે ઊઠીને હું અરીસામાં મારો ચહેરો જોઈ લઉં છું અને જાતને જ ટપારું છું કે આશા, આ તારું કામ નથી એટલે રહેવા દે. અને તમે જ કહો કે 45 વર્ષ સુધી કોઈ હીરોઈન ટકી શકે ખરી?’ અને હાજર શ્રોતાગણે તાળીઓના ગડગડાટથી આ વાતને વધાવી લીધી. તરત કાર્યક્રમના સંચાલકે એક માર્મિક વાત કરી કે ‘અમારા આયુષ્યની નાયિકા એક ગાયિકા જ છે.’ ભલું થાજો ‘દર્પન જૂઠ ના બોલે’નું અને આશાજીના સ્વીકારભાવનો કે આપણને છ દાયકાથી વધુ સમય તેમની સંગીત કલાનો લાભ મળ્યો.

બર્મનદાની બેટી:

આશા ભોસલેને ઊંચાઈ પર બેસાડવાનો અને અનેક સુપરહિટ સોંગ્સ આપવાનો શ્રેય સંગીતકાર ઓ. પી. નૈયરને આપવામાં આવે છે. વાતમાં તથ્ય છે, પણ સચિન દેવ બર્મનને લતા મંગેશકર સાથે વાંકું પડ્યું હોવાથી તાઈને તક આપી એ ખરું હોય તો પણ એસ. ડી.-આશાના યુગ્મએ આપણને એકએકથી ચડિયાતા અને અવિસ્મરણીય ગીતો આપ્યા એ પણ હકીકત છે. 

ખુદ આશાજીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘બર્મનદા પાસે જે શીખવા મળ્યું એ એમને કારકિર્દી આરોહણમાં ઉપયોગી સાબિત થયું હતું.’ 1952ની ‘લાલ કુંવર’ આશાજીની એસ.ડી. સાથેની પહેલી ફિલ્મ. બે સોલો અને ગીતા દત્ત સાથે એક યુગલ ગીત. 1953ની દેવ આનંદ-મધુબાલાની ‘અરમાન’માં સાહિર-એસ. ડી.ના આઠ ગીત હતા જેમાં આશાજીના ત્રણ સોલો, તલત મેહમૂદ સાથે એક ડ્યુએટ અને લતા મંગેશકરનું એક પણ ગીત નહીં. સંભવત: દીદી બજેટમાં નહીં ફિટ બેઠાં હોય. ત્યારબાદ આશાજીએ બર્મનદાનાં ગીતો ગાયાં, પણ એકાદ અપવાદને બાદ કરતા હીરોઈન સિવાયના. 

1957-58માં લતા દીદી-દાદા વચ્ચે પ્રોબ્લેમ થયો અને એસ. ડી. બર્મનના વર્તુળમાંથી લતા મંગેશકર બહાર કરી દેવામાં આવ્યાં અને થોડા વર્ષ માટે આશા ભોસલે સચિન દેવ બર્મનના ગાયક વૃંદનાં નંબર વન ગાયિકા બની ગયાં. એવું કહેવાય છે કે એસ. ડી.નો આગ્રહ ગીતા દત્ત માટે હતો, પણ ગીતાજી અંગત સમસ્યાઓથી ઘેરાયેલા હોવાથી તેમણે જ આશાજીના નામનું સૂચન કર્યું અને આશાજી  હીરોઈનનો સ્વર બની ગયાં. 

1962 સુધીના ચાર વર્ષમાં બર્મનદા-બેટીની જોડીએ ‘નૌ દો ગ્યારહ’ (ઢલકી જાએ ચુંદરિયા હમારી-કલ્પના કાર્તિક), ‘લાજવંતી’ (કોઈ આયા ધડકન કેહતી હૈ- નરગીસ), ‘કાલા પાની’ (નઝર લાગી રાજા તોરે બંગલે પર-નલિની જયવંત), ‘પેઈંગ ગેસ્ટ’ (છોડ દો આંચલ ઝમાના ક્યા કહેગા-નૂતન), ‘સોલવાં સાલ’ (યે ભી કોઈ રૂઠનેકા મૌસમ હૈ દીવાને- વહિદા રેહમાન) ‘કાલા બાઝાર’ (સચ હુએ સપને તેરે- વહિદા રેહમાન), ‘ઈન્સાન જાગ ઉઠા’ (ચાંદ સા મુખડા કયું શરમાયા, આંખ મિલી ઔર દિલ ગભરાયા- મધુબાલા), ‘બમ્બઈ કા બાબુ’ (દીવાના મસ્તાના હુઆ દિલ- સુચિત્રા સેન)... દોરદમામ છે ને.

સી. રામચંદ્ર જુગલબંધી:

ચિતલકર- સી. રામચંદ્રની પણ પ્રથમ પસંદગી લતા મંગેશકર જ હતાં. રામચંદ્રના સ્વરાંકનમાં તાઈને તક મળી પણ હીરોઈન માટે નહીં, સહાયક અભિનેત્રી માટે. ‘આશા’ ફિલ્મના રોક એન્ડ રોલ શૈલીના ગીત ‘ઈના મીના ડીકા’ માટે સંગીતકારને અલગ પ્રકારનો અવાજ જોઈતો હતો અને એમાં આશા ભોસલે ફિટ બેસી ગયાં. આમ વૈજ્યંતિમાલા માટે પ્લેબેક આપ્યું. ‘આશા’નાં અન્ય ગીતો લતા દીદીએ જ ગાયાં. જોકે, બર્મનદાની જેમ સી. રામચંદ્ર - લતાદીદી વચ્ચે અણબનાવ થયો. ‘તલાક’ (1958)થી બંનેના ‘છૂટાછેડા’ થયા અને ફિલ્મના આઠેઆઠ ગીત આશા ભોસલેના સ્વરમાં રેકોર્ડ થયા. ત્યારબાદ બે વર્ષ રામચંદ્રજીએ માત્ર આશાજી પાસે જ ગવરાવ્યું.

વીણા અને વીજળી:

‘મુંબઈ સમાચાર’ આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહમાં વિવિધ ભાષાના 151 સાહિત્યકારોને આદરાંજલિ આપવામાં આવી હતી એમાં એક નામ મરાઠી ભાષાના અગ્રણી વ. પુ. કાળેનું પણ હતું. 1994માં સર્જકે તેમના લખાણમાં મંગેશકર બહેનો વિશે કરેલી વાત હાલ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. તેમના શબ્દો છે કે ‘આશા ભોસલે એક ચમત્કાર છે. એના અવાજમાં વીજળીનો પ્રભાવ છે. એ વીજળી પડે છે, પણ જે વૃક્ષ પર પડે છે એને ઉદ્ધ્વસ્ત કરવાને બદલે એને ઉજ્જવળ કરે છે. એના અવાજમાં ગજબની માદકતા છે, પણ કામુકતા નથી. 

ગીત રજૂ કરતી વખતે એના ભાવ અનુસાર એ અલ્લડ બાલિકા બની શકે, યૌવનમાં પ્રવેશ પણ કરી શકે અને પોતાના આયુષ્યને તટસ્થભાવે જોનારી યોગિની પણ બની જાય છે. લતાને આપણે સરસ્વતી માનીએ છીએ તો આશા સરસ્વતીના હાથમાં રહેલી વીણા છે. વીણામાં અસંખ્ય તાર હોય છે અને એનો કોઈને કોઈ તાર પ્રત્યેકના ભાવિશ્વમાં ઝણઝણાટી ઉત્પન્ન કરી દે. સરસ્વતીને આપણે નમસ્કાર કરતા હોઈ છે, આદર સાથે પણ લાંબેથી. વીણા તો હાથવેંતમાં હોય એવી લાગણી થાય છે. લતાનો સૂર તમને અજ્ઞાત પ્રવાસે લઈ જાય, પણ આશા તો આપણા ઘરમાં પ્રવેશી ગાતી હોય એવું લાગે. ઘરને ગજબની હૂંફ આપે છે.’

બિનફિલ્મી ગીતો:

ફિલ્મો માટે વિપુલ ગાન કરનારાં આશાતાઈનું બિનફિલ્મી ગીતોમાં યોગદાનનું પ્રમાણ અને એની લોકપ્રિયતા આંખો પહોળી કરી દેનારી છે. રસિકો તાઈ અને ગુલામ અલીના ‘મેરાજ - એ - ગઝલ’ (દિલ ધડકને કે સબબ યાદ આયા, કરું ન યાદ મગર કિસ તરહ ભુલાઉં ઉસે)ને પ્રથમ યાદ કરે એ સહજ છે. જોકે, 1985માં ગાયક-સંગીતકાર હરિહરન સાથે આશાજીનું ‘અબશાર-એ ગઝલ’ (ગઝલનું ઝરણું) આલબમ રિલીઝ થયું હતું. આશાજીનાં આઠ ગઝલના આ આલબમને અદ્ભુત આવકાર મળ્યો હતો. 

ખય્યામસાહેબ સાથેના ‘આશા ઔર ખય્યામ’ સંગ્રહના ‘મુદ્દતેં બિત ગઈ તુમ નહીં આએ’ અને ‘ચાહા થા એક શખ્સ કો જાને કિધર ચલા ગયા’ એક અનોખા પ્રદેશમાં લટાર મરાવે છે. અદનાન સામી સાથે પણ આશાજીએ પ્રાઈવેટ સોંગ્સ ગાયા છે (કભી તો નઝર મિલાઓ આજે પણ હોઠ પર રમે છે). હિન્દી ઉપરાંત વિવિધ ભારતીય ભાષાઓમાં સૂર રેલાવનારાં તાઈના બોય જ્યોર્જ (ઇજ્ઞૂ ઉજ્ઞૂક્ષ ખશતયિિં) અને ક્રિકેટર બ્રેટ લી (ઢજ્ઞી’યિ વિંય ઘક્ષય રજ્ઞિ ખય) સાથેના ઈંગ્લિશ સોંગ્સને જે તે સમયે પોપ્યુલારિટી મળી હતી.