Fri Apr 17 2026

Logo

ક્લેપ એન્ડ કટ..!:

2026-04-17 10:03:00
Author: Siddhath Chaya
Article Image

સિદ્ધાર્થ છાયા

ભાઈજાનની ‘માતૃભૂમિ’ રિલીઝ થશે ખરી?

જે ફિલ્મ એક સમયે ઈદના દિવસે રિલીઝ થઇ જ જશે એ નક્કી હતું એ આજ દિન સુધી રિલીઝ નથી થઇ શકી. હા, ભાઈજાન જેમનો ઈદ રિલીઝ પર એકાધિકાર છે એમની ‘માતૃભૂમિ’ હજી પણ અધવચ્ચે લટકી રહી છે. પહેલાં તો આ ફિલ્મને ‘ધુરંધર’ની ઐતિહાસિક સફળતા નડી. એ ફિલ્મને લોકોએ એટલી તો વધાવી કે એનાં બીજા ભાગની રિલીઝ વખતે પણ એની સાથે ન ટકરાવામાં જ સમજદારી છે એ ‘માતૃભૂમિ’નાં મેકર્સને સમજાઈ ગયું હતું.

‘ધુરંધર’નો વંટોાળ થોડો હળવો થાય પછી, આ મહિને રિલીઝ થવાની વાત થઇ, તો ચીન વિરુદ્ધ ડાયલોગ અને અન્ય દૃશ્યોને ટોન ડાઉન કરવાની સલાહ આપવામાં આવી. આથી, ફરીથી ફિલ્મની રિલીઝ ટાળી દેવામાં આવી. 

આ બધું થયા પછી એ ફિલ્મ માટે જૂન મહિનો પસંદ કરવામાં આવ્યો, પરંતુ તાજા સમાચાર એમ કહી રહ્યા છે કે ભાઈજાનની આ મુવીને જૂન મહિનો પણ સ્કીપ કરવો પડશે. કારણ, એ છે કે મેકર્સને હજી પણ ડર છે કે ક્યાંક ફિલ્મને બીજું કોઈ વિઘ્ન ન નડે. આથી હજી સુધી ફિલ્મ સેન્સર બોર્ડને દેખાડવામાં આવી નથી. આટલું જ નહીં, ગલવાનની લડાઈ પર આધારિત ફિલ્મ હોવાને લીધે નિયમ અનુસાર તેને રક્ષા મંત્રાલય અને ભારતીય સેનાને દેખાડવી જરૂરી છે, તે કાર્ય પણ બાકી છે... આ  કારણસર ‘માતૃભૂમિ’ જૂન મહિનામાં પણ રિલીઝ નહીં થઇ શકે એવી પૂરેપૂરી શકયતા છે.

આ બધા વચ્ચે આજકાલ એવા સમાચાર પણ વહેતા થયા છે કે કદાચ સલમાન મિયાંની આ ફિલ્મ સીધી કોઈ ઓટીટી પર જ રિલીઝ કરી દેવામાં આવે તો નવાઈ નહીં.! 

આપસમાં ‘ઓયે ઓયે’ કરી લોને... સાહેબ! 

‘ધુરંધર’નાં બંને ભાગની કોઈ વિશેષતા છે તો તે છે શાશ્વત સચદેવાનું સંગીત અને તેમાંય તેની જુનાં હીટ ગીતો અંગેની સમજણ તો લાજવાબ છે. શાશ્વતે બંને ભાગમાં હિન્દી ફિલ્મોનાં યાદગાર ગીતોને પોતાની રીતે રિમિક્સ કરીને નવી-જૂની બન્ને પેઢીઓને જલસો કરાવી દીધી છે. 

જોકે, આ ઉત્સાહમાં અને ઉત્સાહમાં એક જગ્યાએ કાચું કપાઈ ગયું છે, જેણે ‘ધુરંધર’ની મહાસફળતામાં જરા જેટલી કડવાશ ઉમેરી દીધી છે.

આ ફિલ્મનો બીજો ભાગ રિલીઝ થયો ત્યારે તેમાં ‘ત્રિદેવ’નું સુપરહીટ સોંગ ‘ઓયે ઓયે’ નવાં રૂપમાં રજૂ તો થયું, પણ ‘ત્રિદેવ’ નિર્માતા- નિર્દેશક રાજીવ રાયને જરાય મજા ન પડી. તેમણે જાહેરમાં ફરિયાદ કરી છે કે આ ગીત તેમની મંજૂરી વગર ફિલ્મમાં લેવામાં આવ્યું છે. આથી રાજીવે આ અંગે કોર્ટની ‘રાય’ માગી છે. 

જ્યારે ‘ત્રિદેવ’ રિલીઝ થઇ હતી ત્યારે તેનું આલ્બમ ટી-સિરીઝના નામ સાથે રિલીઝ કરવામાં આવ્યું હતું.

‘ધુરંધર’નાં બંને ભાગનું મ્યુઝિક પણ એ જ લેબલ હેઠળ રિલીઝ થયું છે. આથી અમુકને એમ હતું કે ટી-સીરીઝ છે એટલે કદાચ રાજીવ રાયને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઇ છે. પણ ના, રાઈટ્સ તો રાજીવભાઈ પાસે જ છે.

હવે કોર્ટે અત્યારે તો એમ કહ્યું છે કે રાજીવ રાય અને આદિત્ય ધર બંને સામસામે બેસીને આ વિવાદ ઉકેલે...

આમેય, આવડી જબરી હીટ આપ્યા બાદ કદાચ આદિત્ય નાણાંની છલકાયેલી કોથળી થોડી ઢીલી કરે તો શું ખાટું મોળું થઈ જવાનું ? 

ફરી નવીન સ્ટ્રેટેજી... આમિર મિયાંની! 

આમિર ખાન તેની ફિલ્મ રિલીઝ વખતે બુકિંગને લઈને બહુ સચેત હોય છે. ફિલ્મ રિલીઝ થાય એટલે પહેલાં શુક્ર, શનિ અને રવિ દેશનાં દરેક મલ્ટિપ્લેક્સમાં શો ટાઈમ કયા હોવા જોઈએ અને બે શો વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ એને લઈને પણ આ મિસ્ટર પરફેક્શનિસ્ટ ખૂબ પરફેક્ટ હોય છે. ‘સિતારે ઝમીન પર’ રિલીઝ થઇ ત્યારે અન્યોની જેમ સવારે સાત વાગ્યામાં આખા દેશમાં ક્યાંય તેનો શો ન થાય એનું આમિરે ચીવટપૂર્વક ધ્યાન રાખ્યું હતું. આટલું જ નહીં, પહેલા ત્રણ દિવસ સુધી સવારે નવ વાગ્યે પહેલો શો હોય અને પછી ત્રણ વાગ્યા સુધી ગણતરીનાં જ શો હોય આવી રણનીતિ પણ આમિરે નક્કી કરી હતી. 

હવે તેની આગામી ફિલ્મ ‘એક દિન’ રિલીઝ થવા માટે તૈયાર છે ત્યારે આમિરે એક સાવ નવી સ્ટ્રેટેજી રજૂ કરી છે. આ ફિલ્મમાં તેનો દીકરો જુનૈદ સાઈ પલ્લવી સાથે જોવા મળશે. આ ફિલ્મ ભલે 1મે ના દિવસે રિલીઝ થવાની હોય, પરંતુ તેનું એડવાન્સ બુકિંગ 23 માર્ચે જ વિવિધ બુકિંગ એપ્સ પર શરૂ થઈ ગયું છે અને લો, ફિલ્મ રિલીઝના 39 દિવસ પહેલાં એડવાન્સ બુકિંગ શરૂ કરવાના ફળ પણ આમિરને મળવા લાગ્યા છે. સામાન્યત: શુક્રવારે રિલીઝ થનારી ફિલ્મનું બુકિંગ સોમવારે શરૂ થતું હોય છે, પરંતુ 39 દિવસ પહેલાં શરૂ થયેલાં બુકિંગને અત્યારે સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.
આમિર આમ આડકતરી રીતે ફિલ્મનું માર્કેટિંગ પણ કરી રહ્યો છે... છેવટે તો જો દિખતા હૈ વહી બિકતા હૈ!                      

કટ એન્ડ ઓકે..

‘પ્રેમ રતન ધન પાયો’ બાદ હિમેશ રેશમિયા રાજશ્રી માટે પહેલી વખત ‘યે પ્રેમ મોહ લિયા’નાં સાત ગીતો માટે સંગીત આપશે.