દિવ્યકાંત પંડ્યા
બોલિવૂડ ફિલ્મ્સનાં શીર્ષકો (ટાઇટલ્સ) બદલાતી જતી પદ્ધતિ હવે એક એવી અતરંગી દુનિયામાં પહોંચી ગઈ છે, જ્યાં ફિલ્મનું નામ જ આખી વાર્તાનો પહેલો અધ્યાય બની જાય છે. આજના સોશ્યલ મીડિયાના જમાનામાં પ્રેક્ષકોનું ધ્યાન ખેંચવા માટે ફિલ્મમેકર્સે હવે પાત્રોનાં નામ અને લાંબાં દાર્શનિક વાક્યોને ભેગા કરીને ટાઇટલ બનાવવાનું શરૂ કર્યું છે.
આ ટ્રેન્ડની શરૂઆત ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’, ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’, ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’, ‘સત્યપ્રેમ કી કથા’, ‘ગિન્ની વેડ્સ સની’, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ વગેરે જેવા નામોથી થઈ છે. આ ટાઇટલ્સમાં ‘કી’, ‘કે’, કે ‘ઔર’ જેવા શબ્દો વાપરીને પાત્રો વચ્ચેના સંબંધોને એવી રીતે ગૂંથવામાં આવે છે કે જાણે તમે કોઈ મહોલ્લામાં રહેતા પાડોશીની વાત કરી રહ્યા હો. આ પદ્ધતિ દર્શાવે છે કે હવે બોલિવૂડમાં હીરો માત્ર પડદા પરનો કોઈ સુપરસ્ટાર નથી, પણ તમારી ને મારી વચ્ચેનો એક સામાન્ય માણસ છે.
નામોથી આગળ વધીને હવે ફિલ્મ્સના ટાઇટલમાં આખી ફિલોસોફી કે પ્રચલિત વાક્યો મૂકવાનો નવો ટ્રેન્ડ આવ્યો છે. ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’, ‘તું જૂઠી મેં મક્કાર’, ‘ઝરા હટકે ઝરા બચકે’, ‘ચાંદ મેરા દિલ’, ‘સિતારે જમીન પર’ અને હવે આવનારી ‘હૈ જવાની તો ઈશ્ક હોના હૈ’ જેવાં નામ આ વાતની સાબિતી છે. આવાં નામ જાણે કે કોઈ ગીતની કડી હોય અથવા તો વ્હોટ્સએપ સ્ટેટસ હોય તેવાં લાગે છે.
આ પદ્ધતિ હકીકતમાં 1950ના દાયકાની ઉર્દૂ કવિતાઓવાળા ટાઇટલ્સનું નવું રૂપ છે, જે આજની નવી પેઢીને પણ આકર્ષે છે. દાખલા તરીકે, ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ જેવું લાંબું નામ રાખવું એ એક મોટું જોખમ હતું, પણ તે એટલું બધું યાદ રહી ગયું કે લોકોના મોઢે ચડી ગયું. આ પ્રકારનાં નામ ફિલ્મના ભાવ અને વાર્તાના મૂડને ફિલ્મ જોયા પહેલા જ સ્પષ્ટ કરી દે છે, જે આપણને ‘મૈં વાપસ આઉંગા’, ‘મૈં એક્ટર નહીં હું’ અને ‘જાનમ તેરી કસમ’ જેવી ફિલ્મ્સમાં પણ જોવા મળશે.
આ અતરંગી ક્રાંતિ પાછળ આનંદ એલ. રાય અને લવ રંજન જેવા દિગ્દર્શકોનો મોટો હાથ છે. તેમને લાગ્યું કે જ્યારે હોલિવૂડની ફિલ્મ્સ માત્ર એક શબ્દના અંગ્રેજી નામો રાખતી હોય, ત્યારે જો બોલિવૂડને અલગ તરી આવવું હોય તો તેણે પોતાની માટીની અને દેશી લહેકાવાળી ભાષા પકડવી પડશે. જોકે હોરર ફિલ્મ્સમાં હજુ પણ ‘સ્ત્રી’, ‘ભેડિયા’ અને ‘મુંજ્યા’ જેવા ટૂંકા નામ ચાલે છે, પણ રોમેન્ટિક કોમેડી (રોમ-કોમ) ફિલ્મ્સમાં લાંબા અને અટપટા નામોની બોલબાલા વધી છે.
જ્યારે ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ જાહેર થઈ ત્યારે ઘણાને નવાઈ લાગી હતી, પણ એ નામમાં જ એક કુતૂહલ હતું કે સોનુ અને ટીટુ વચ્ચે આ સ્વીટી કોણ છે? એ ફિલ્મની જાહેરાત વખતે જ ટાઇટલની ગૂંચવણ માટે મુખ્ય કલાકારો સાથેનો એક વીડિયો બનાવવામાં આવ્યો હતો.
આ ફિલ્મ્સના ટાઇટલ્સ પાછળની ઘણી રસપ્રદ વાતો પણ છે, જેમ કે, ‘તું જૂઠી મેં મક્કાર’નું નામ મહિનાઓ સુધી છુપાવીને માત્ર ‘ટીજેએમએમ’ (TJMM) તરીકે ઓળખાવાતું હતું. તો વળી, ‘મટરુ કી બીજલી કા મંડોલા’ વખતે તો સ્પેશ્યલ વીડિયો બનાવીને સમજાવવું પડ્યું હતું કે આ નામ માણસોના અને ભેંસના છે!
બોલિવૂડમાં વિચિત્ર નામોનો ઈતિહાસ જૂનો છે. જુના જમાનામાં ‘અંધેરી રાત મેં દિયા તેરે હાથ મેં’ કે ‘અલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ?’ જેવી ફિલ્મ્સ બની જ હતી, પણ આજના ટાઇટલ્સ વધુ વ્યૂહાત્મક છે. ‘કુકુ માથુર કી ઝંડ હો ગઈ’, ‘ખાનદાની શફાખાના’ કે ‘હેપ્પી પટેલ: ખતરનાક જાસૂસ’ જેવાં નામમાં જે ભાષા વપરાય છે તે ડિજિટલ દુનિયામાં ખૂબ જ વાઇરલ થાય છે.
‘લવ શવ તે ચિકન ખુરાના’ કે ‘બરેલી કી બરફી’ જેવાં નામમાં ખાણીપીણીનો ઉલ્લેખ કરીને જે-તે પ્રદેશની સંસ્કૃતિ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આજના ટાઇટલ્સ હવે હોલિવૂડની જેમ જ ફ્રેન્ચાઈઝી મોડલ પર પણ ચાલે છે, પણ તે આપણી પારિવારિક પરંપરાને વળગી રહે છે. ‘પતિ પત્ની ઔર વો 2’ કે ‘જુગજુગ જીયો’ જેવાં નામ એક ચોક્કસ પ્રકારના કૌટુંબિક ડ્રામાનો અનુભવ કરાવે છે.
આ સફર આજે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ જેવા શીર્ષક સુધી પહોંચી છે. આજના આ લાંબા અને લયબદ્ધ નામો હકીકતમાં મધ્યમ વર્ગના ભારતીય પરિવારોની જિંદગીનો નકશો છે. તેમાં રમૂજ છે અને થોડી અતરંગી વાસ્તવિકતા પણ છે. ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ જેવાં નામોમાં જે પ્રાસ બેસાડવામાં આવે છે તે પ્રેક્ષકોને પોતાપણું અનુભવે છે. ચાલુ વર્ષની ‘હૈ જવાની તો ઈશ્ક હોના હૈ’ કે ‘જાનમ તેરી કસમ’ જેવી ફિલ્મ્સ એ બતાવે છે કે ગમે તેટલા ગ્લોબલ બની જઈએ, પણ બોલિવૂડની એક ઓળખ તેના અનોખા, લાંબા અને અતરંગી નામોમાં પણ છુપાયેલી છે.
લાસ્ટ શોટ
આજના જમાનામાં ‘બેડ ન્યૂઝ’ કે ‘ગુડ ન્યૂઝ’ જેવાં નામમાં સ્પેલિંગની ભૂલો પણ જાણીજોઈને કરવામાં આવે છે, જેમાં જ્યોતિષ અને અંકશાસ્ત્ર (Numerology) સાથે નવી પેઢીની કવર્ક એટલે કે વિચિત્રતાનો સંગમ જોવા મળે છે.