Mon May 25 2026

Logo

અમેરિકા-ઈરાનના શાંતિ કરારના આશાવાદે ડૉલર સામે રૂપિયો વધુ 34 પૈસા મજબૂત

2026-05-25 20:00:33
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ જેવાં મહત્ત્વના મુદ્દે સ્પષ્ટતા ન હોવા છતાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થઈ જવાના આશાવાદ સાથે આજે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં પીછેહઠ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સતત ત્રીજા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતાં વધુ 34 પૈસા વધીને 95.26ની સપાટીએ બંધ રહ્યો હતો. 

વધુમાં રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ પ્રસાર માધ્યમને આપેલી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ફોરેક્સ માર્કેટમાં ભાવ સંશોધન માટે કેન્દ્રવર્તી બૅન્ક જરૂર પડ્યે તમામ પગલાં લેશે. હાલમાં રૂપિયો ઓવર વેલ્યુડ નથી, પરંતુ તાજેતરના ઘસારા પશ્ચાત્‌‍ અન્ડર વૅલ્યુડ હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 95.60ના બંધ સામે સુધારાના અન્ડરટોને 95.36ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.44 અને ઉપરમાં 95.12 સુધી મજબૂત થયા બાદ અંતે આગલા બંધ સામે 34 પૈસાના સુધારા સાથે 95.26ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ડૉલર સામે રૂપિયો 35 પૈસા મજબૂત થયો હતો. 

અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ત્રણ મહિનાના યુદ્ધનો અંત લાવવા શાંતિ વાટાઘાટોમાં સારી પ્રગતિ થઈ રહી અને વાટાઘાટકર્તાઓને ડીલ કરવામાં ઉતાવળ નહીં કરવાનું અને બન્ને પક્ષે યોગ્ય સમય લેવાનું જણાવવામાં આવ્યું છે. તેમ જ અમેરિકી સચિવ માર્કો રુબિયોએ ભારત સાથે વચગાળાના વેપાર કરારને અંતિમ ઓપ આપવાની તૈયારીમાં હોવાનું જણાવ્યું હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું ટ્રેડરોએ ઉમેર્યું હતું. 

આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.26 ટકા ઘટીને 99.98 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 5.10 ટકા ઘટીને બેરલદીઠ 98.26 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 1073.6 પૉઈન્ટનો અને 312.40 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાના પ્રોત્સાહક અહેવાલે રૂપિયામાં સુધારો જોવા મળ્યો હતો. જોકે, ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 4440.47 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી મર્યાદિત સુધારો રહ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.