Tue May 26 2026

Logo

હોર્મુઝ પાસે સુરંગ પાથરતી બોટ પર અમેરિકાનો એટેક, બંદર અબ્બાસમાં પણ હુમલો

2026-05-26 08:39:26
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ દક્ષિણ ઈરાનમાં મંગળવારે વહેલી સવારે (ભારતીય સમય મુજબ) અમેરિકાની સેનાએ મોટા પાયે ઈરાનના સૈન્ય ઠેકાણાઓ અને નૌકાઓ (બોટ) પર હવાઈ હુમલા કર્યા. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી અમેરિકન સૈનિકો અને યુદ્ધ જહાજોની સુરક્ષા માટે કરવામાં આવી હતી. આ હુમલાઓમાં મિસાઈલ લોન્ચ સાઈટ્સ અને ઈરાનની એ નૌકાઓને નિશાન બનાવવામાં આવી હતી, જે કથિત રીતે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની સામુદ્રધુની)માં દરિયાઈ સુરંગો (સી-માઈન્સ) પાથરવાનો પ્રયાસ કરી રહી હતી.

CENTCOM ના પ્રવક્તા કેપ્ટન ટિમ હોકિન્સે નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, અમેરિકન દળોએ દક્ષિણ ઈરાનમાં આત્મરક્ષા (સેલ્ફ-ડિફેન્સ) માટે હુમલા કર્યા છે. તેમણે ઉમેર્યું કે અમેરિકન સેનાએ એવા જોખમોને નિષ્ક્રિય કર્યા છે, જે ઈરાની દળો તરફથી ઊભા થઈ રહ્યા હતા. અમેરિકા હાલના યુદ્ધવિરામ (સીઝફાયર) દરમિયાન સંયમ જાળવી રહ્યું છે, પરંતુ પોતાના સૈનિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં ભરવાનું ચાલુ રાખશે.

બે બોટને તબાહ કર્યાનો દાવો

અમેરિકન અધિકારીઓનો દાવો છે કે, આ કાર્યવાહીની શરૂઆત ત્યારે થઈ જ્યારે ઈરાનની બે 'રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) ની નૌકાઓને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'માં દરિયાઈ સુરંગો (માઈન્સ) પાથરતી જોવામાં આવી. આ પછી અમેરિકન નૌકાદળ (નેવી) અને વાયુસેના (એરફોર્સ) એ તાત્કાલિક જવાબી કાર્યવાહી કરી. અધિકારીઓએ દાવો કર્યો છે કે તે બંને નૌકાઓને નષ્ટ કરી દેવામાં આવી છે.

બંદર અબ્બાસમાં મિસાઈલ સાઈટ પર પણ હુમલો

આ ઉપરાંત, અમેરિકન સેનાએ બંદર અબ્બાસ વિસ્તારમાં 'સરફેસ ટુ એર' (જમીન પરથી હવામાં માર કરનારી) મિસાઈલ (SAM) સાઈટ પર પણ હુમલો કર્યો. અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે, આ મિસાઈલ સાઈટથી અમેરિકન લડાકુ વિમાનોને નિશાન બનાવવાનો પ્રયાસ કરાયો હતો. વળતા હુમલામાં મિસાઈલ લોન્ચર અને તેને લગતા સૈન્ય માળખાને નષ્ટ કરી દેવામાં આવ્યું છે.

ઈરાનના મીડિયાએ બંદર અબ્બાસ, સીરિક અને જાસ્ક નજીક વિસ્ફોટો થયા હોવાની પુષ્ટિ કરી છે. આ તમામ વિસ્તારો વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની સામુદ્રધુની) ની આસપાસ આવેલા છે.