તહેરાન: મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે સતત તણાવ યથાવત છે. જેમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા શાંતિ કરારમાં અમેરિકાએ ઈરાન પર હોર્મુઝ સ્ટ્રેટમાં ટોલ ટેક્સ વસૂલવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં પગલે હવે ઈરાન આ મુદ્દે નવી રણનીતિ અપનાવવા જઇ રહ્યું છે. જેમાં ઈરાન હવે હોર્મુઝ સ્ટ્રેટમાં ટોલ ટેક્સના બદલે પર્યાવરણ ટેક્સ વસૂલવાની તૈયારી કરી રહ્યું છે.
પર્યાવરણનું રક્ષણ એ સૌની જવાબદારી
આ અંગે ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘાઇએ જણાવ્યું હતું કે, ટોલ ટેક્સ શબ્દનો ઉપયોગ ઇરાનને બદનામ કરવા માટે થઈ રહ્યો છે. આ અંગે વાઘેઈએ જણાવ્યું હતું કે આ કરાર બાદ હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ફરી ખુલશે. જોકે, અમે જહાજોને પૂરી પાડવામાં આવતી સુરક્ષા સેવાઓ માટે ચોક્કસપણે ફી વસૂલીશું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પર્યાવરણનું રક્ષણ એ સૌની જવાબદારી છે.
સમયમાં હોર્મુઝ સ્ટ્રેટ અંગે એક પ્રોટોકોલ જાહેર કરાશે
આ અંગે તેમણે વધુમાં જણાવ્યું કે, ઓમાન સાથે મળીને તેઓ ટૂંક સમયમાં હોર્મુઝ સ્ટ્રેટ અંગે એક પ્રોટોકોલ જાહેર કરશે. તેમણે જાહેરાત કરી હતી કે જહાજોને પૂરી પાડવામાં આવતી સેવાઓ માટે પર્યાવરણીય કર પણ વસૂલવામાં આવશે. જેનો ઉદ્દેશ હોર્મુઝ સ્ટ્રેટને સ્વચ્છ રાખવાનો છે. તેમજ નજીકના ભવિષ્યમાં પ્રોટોકોલ સત્તાવાર રીતે બહાર પાડવામાં આવ્યા પછી પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થવાની અપેક્ષા છે.
યુદ્ધ બાદ ઈરાને આ માર્ગ પર ટોલ સિસ્ટમ લાગુ કરી
ઉલ્લેખનીય છે, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ પૂર્વે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો માટે કોઈ ટોલની જરૂર નહોતી. જોકે, યુદ્ધ બાદ ઈરાને આ માર્ગ પર ટોલ સિસ્ટમ લાગુ કરી હતી. આ સિસ્ટમ હેઠળ સુરક્ષા ફીના નામે દરેક જહાજો પાસેથી 10 લાખ રૂપિયા વસૂલવામાં આવતા હતા.જોકે, ભારતીય જહાજો પાસેથી કોઈ ફી વસૂલવામાં આવતી નહોતી. પાકિસ્તાન અને ચીનના જહાજોને પણ હોર્મુઝ સ્ટ્રેટમાંથી મફતમાં પસાર થવાની મંજૂરી આપવામાં આવી હતી.
ટોલ વસૂલવા માટે ખાસ એક ખાસ મંત્રાલયની સ્થાપનાની
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં ટોલ વસૂલવા માટે ખાસ એક ખાસ મંત્રાલયની સ્થાપનાની પણ જાહેરાત કરી. આ મંત્રાલય માટે એક સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બનાવવામાં આવ્યું છે. આ મંત્રાલયને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ ના વહીવટી નિયંત્રણ હેઠળ મૂકવામાં આવ્યું છે.
હોર્મુઝ સ્ટ્રેટ પર્સિયન ગલ્ફનો પ્રવેશ દ્વાર
ઉલ્લેખનીય છે કે, હોર્મુઝ સ્ટ્રેટ પર્સિયન ગલ્ફનો પ્રવેશ દ્વાર છે. જેના દ્વારા જહાજો પર્સિયન ગલ્ફથી ઓમાનના અખાતમાં જાય છે. તેમજ વિશ્વના ક્રૂડ ઓઇલ પુરવઠાનો વીસ ટકા હિસ્સો હોર્મુઝ દ્વારા પરિવહન થાય છે. સાઉદી અરેબિયા, યુએઈ, કતાર અને ઇરાક જેવા દેશો આ માર્ગ દ્વારા તેમના ક્રૂડ ઓઇલ અને ગેસની નિકાસ કરે છે.