અમરેલીઃ અમરેલી જિલ્લામાં સિંહોની સૌથી વધુ સંખ્યા છે. જોકે હવે અહીં સાવજ પર સંકટ ઉભું થયું હોય તેમ 8 સિંહના મોત તયા છે. ધારી ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગમાં બેબીસિયા જેવા રોગથી આ સિંહોના મોત થયા છે. મળત વિગત પ્રમાણે, ગીર બોર્ડરના જસાધર અને પશ્ચિમ ગીરમાં સિંહોમા બેબીસિયાનો રોગચાળો ફેલાયો છે. જેમાં 3 સિંહબાળ અને 5 સિંહોના મોત થયા છે. બેબીસીયા લોહી પીતી જીવાત છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેબીસિયાથી સિંહોને બચાવવા સતત મોનિટરીંગ ચાલુ છે. ધારીના સરસિયા રેન્જમાંથી 8 સિંહના ગૃપને રેસ્ક્યુ કરી ઓબ્ઝર્વેશનમા રાખવામાં આવ્યા છે. ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જના ગીર ગઢડા બોર્ડર પર એક જ દિવસમાં બે સિંહના કોઈ ભેદી રોગથી મોત થયા છે. ગીર પશ્ચિમની બાબરીયા અને જામવાળા રેન્જમાં બેથી વધારે સિંહના મોત થયા છે.
લીલીયા રેન્જમાં ૧ સિંહ બાળ,સાવરકુંડલા રેન્જમાં ૧ સિંહ બાળ, સરસિયા રેન્જ ૧ સિંહ બાળનું મોત થયું છે. જુદા જુદા વિસ્તારમાં સિંહોના ગૃપને લક્ષણો મુજબ જુદા પાડી પકડી અને સેમલિંગ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા અશકત અને નબળા સિંહોને પકડી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સિંહના આખા ગ્રુપને પાંજરે પૂરી એનિમલ ડોક્ટર દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે.
અમરેલીના ધારી ગીર પૂર્વ અને પશ્ચિમ વન વિભાગમાં 'બેબેસિયા' (Babesiosis) રોગચાળાના કારણે 3 સિંહબાળ સહિત 8 થી વધુ સિંહોના મોતથી વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. જસાધાર, બાબરીયા અને જામવાળા રેન્જમાં સિંહોના મોતના પગલે પી.સી.સી.એફ જયપાલ સિંહના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમો એલર્ટ થઈ છે.… pic.twitter.com/fdChtQ0pNy
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) May 26, 2026
બેબીસિયા શું છે
બેબીસિયા રોગ ઝીણી જીવાત કે જેને 'ટીક્સ' અથવા 'લોહી પીતી જીવાત'ના નામે પણ ઓળખવામાં આવે છે. તેના દ્વારા થતો રોગ જે લાલ રક્તકોશિકાઓને સંક્રમિત કરે છે અને ચોક્કસ બગાઈઓ દ્વારા ફેલાય છે. પ્રાણીઓ સિવાય માનવીને પણ આ રોગ થઈ શકે છે. ફ્લુ કે તાવ આવવો આ રોગનાં સામાન્ય લક્ષણ છે. ઘણી વખત લક્ષણ ન હોય તો આ રોગની હાજરી જોવા મળે છે. જોકે તેનો ઇલાજ પણ શક્ય છે, એવી માહિતી અમેરિકા સરકારના સેન્ટર ફૉર ડિઝીસ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન વિભાગની વેબસાઇટ પર આપેલી છે.
કેવી રીતે સિંહોને બચાવી શકાય
બેબીસિયા થયા બાદ પાંચ દિવસની ટ્રીટમેન્ટની પ્રક્રિયા પ્રમાણે સિંહોની સારવાર કરવામાં આવે છે. પ્રોટોઝોઆ ઇન્ફૅક્શન કે બબેશિયા ઘાસમાં જે જીવાત હોય છે તેના લીધે થાય છે. તેથી જંગલમાં તળાવની ચારેકોર થતાં ઘાસને બાળી નાખવામાં આવે છે.
ઉલ્લેખનીય છે 2020/ 21 માં પણ ધારી તેમજ ખાંભા ગીર આસપાસ બેબસિયા નામનો રોગ આવ્યો હતો અને 10 થી વધારે સિંહના મોત થયા હતા.
2018માં પણ થયા હતા 23 સિંહના મોત
2018માં ગીરમાં એક માસમાં 23 સિંહ મૃત્યુ પામ્યાં હતાં ત્યારે પણ ટેસ્ટનાં પરિણામ જાહેરમાં આવ્યાં ત્યાં સુધી વનવિભાગ કોઈ જ વાઇરસનું સંક્રમણ નથી એવી વાત કરતું હતું. 2018માં મૃત્યુ પામેલા કેટલાક સિંહમાં CDVનાં લક્ષણ મળી આવ્યાં હતાં તો કેટલાકમાં બેબીસિયાનાં લક્ષણ દેખાતાં હતાં.
અમરેલીમાં છે સિંહોની સૌથી વધુ વસતી
ગત વર્ષે જાહેર થયેલા સિંહોની 16મી વસતી ગણતરીના આંકડા પ્રમાણે, સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ સિંહો અમરેલી જિલ્લામાં વસે છે. અહીં સિંહોની સંખ્યા 339 નોંધાઈ હતી. આ આંકડો સમગ્ર ગુજરાતના કુલ સિંહની વસ્તીના આશરે 38 ટકા જેટલો હતો. અમરેલીના ધારી, ખાંભા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહોની વસતી સૌથી વધારે હતી.