Mon May 25 2026

Logo

ડૉલરની પીછેહઠ સાથે વૈશ્વિક સોના-ચાંદી ચમકયા

2026-05-25 20:03:35
Author: Ramesh Gohil
Article Image

સ્થાનિક ચાંદીમાં રૂ. 5100નો ચમકારો, સોનામાં રૂ. 740નો સુધારો 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થઈ જવાના આશાવાદ સાથે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા ક્રૂડતેલના ભાવમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી. વધુમાં ક્રૂડતેલના ઘટાડા સાથે ફુગાવાની ચિંતા પણ હળવી થતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં 1.5 ટકાનો અને ચાંદીના ભાવમાં 3.6 ટકાનો ચમકારો આવ્યાના પ્રોત્સાહક અહેવાલ હતા.

આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 5100નો ઉછાળો આવ્યો હતો, જ્યારે સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 737થી 740 વધી આવ્યા હતા. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં 34 પૈસા સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાને કારણે વિશ્વ બજારની સરખામણીમાં સોનામાં ભાવવધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં વિશ્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત રોકાણલક્ષી અને ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 5100ની તેજી સાથે રૂ. 2,71,100ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે સોનામાં વિશ્વ બજાર પાછળ સુધારાતરફી વલણ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 737 વધીને રૂ. 1,58,221 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 740 વધીને રૂ. 1,58,857ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તર સહિતની સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહી હતી. 

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 1.5 ટકા વધીને આૈંસદીઠ 4574.17 ડૉલર અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ 1.2 ટકા વધીને 4576 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 3.6 ટકા ઉછળીને આૈંસદીઠ 78.23 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટોમાં સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખોલવા અંગે કોઈ નક્કર નિર્ણય ન આવ્યો હોવા છતાં ગત શનિવારે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે શાંતિ વાટાઘાટોમાં સારી પ્રગતિ થઈ રહી હોવાનું જણાવતા શાંતિ કરાર થવાના આશાવાદ સાથે આજે વિશ્વ બજારમાં ક્રૂડતેલ અને ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળતાં ઈક્વિટી માર્કેટ સહિત સોના અને ચાંદીમાં પણ સુધારાને ટેકો મળ્યો હોવાનું યુબીએસના વિશ્લેષક જિઓવન્ની સ્ટુનોવોએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે ક્રૂડતેલના ભાવ બેરલદીઠ 100 ડૉલરની અંદર ઉતરી ગયા હતા અને ક્રૂડતેલના ભાવઘટાડાની અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિ પર સીધી અસર થતી હોવાથી સોનાના સુધારાને ટેકો મળ્યો હતો. 

નોંધનીય બાબત એ છે કે ગત 28મી ફેબ્રુઆરીથી અથવા તો જ્યારથી અમેરિકા-ઈઝરાયલ દ્વારા ઈરાન પર હુમલા કરવામાં આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં ક્રૂડતેલના ભાવ ઉછળી આવતા વ્યાજદરમાં કપાતની શક્યતા ઓસરવા માંડી હોવાથી સોનાના ભાવમાં 14 ટકા જેટલો ઘટાડો આવી ગયો છે. 

તાજેતરમાં ક્રૂડતેલના ભાવ ઊંચી સપાટીએ પહોંચ્યા હોવાથી હવે આગામી ડિસેમ્બર અંત સુધીમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં એક વખત 25 બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી 40 ટકા શક્યતા બજાર વર્તુળો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર મૂકી રહ્યા છે.