Tue May 26 2026

Logo

‘23 લાખ બાળકોના ભવિષ્યને ગંભીરતાથી લો’, ધર્મેન્દ્ર પ્રધાને બધા રાજ્યોના CM, LGને લખ્યો પત્ર

2026-05-26 12:50:00
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ નીટ (NEET) પેપર લીક વિવાદ વચ્ચે 21 જૂનના રોજ દેશભરમાં નીટ યુજી (NEET UG) પરીક્ષા ફરીથી આયોજિત કરવામાં આવશે. 3 મેના રોજ જે પરીક્ષા લેવામાં આવી હતી, તેને એનટીએ (NTA) દ્વારા પેપર લીક થવાને કારણે રદ કરી દેવામાં આવી હતી. એ પરીક્ષામાં આશરે 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જેઓ હવે ફરીથી પરીક્ષા આપશે. ફરી એકવાર આ 23 લાખ બાળકોના ભવિષ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. તેમણે નીટ યુજી રી-એક્ઝામ (ફરીથી લેવાનાર પરીક્ષા) પહેલા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલ અને વહીવટી અધિકારીઓને એક પત્ર લખીને તેમની પાસે સહયોગ માંગ્યો છે, જેથી પરીક્ષાને કોઈ પણ પ્રકારની ગેરરીતિ વગર સફળતાપૂર્વક આયોજિત કરી શકાય.

તમામ સેન્ટર્સ પર પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ- શિક્ષણ મંત્રી

શિક્ષણ મંત્રાલયે પોતાના ઓફિશિયલ X (અગાઉનું ટ્વિટર) હેન્ડલ પરથી આ માહિતીને સમર્થન આપ્યું છે. આ સાથે જ, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેશના મોટાભાગના વિસ્તારોમાં ચાલી રહેલી કાળઝાળ ગરમીની સ્થિતિ તરફ પણ ધ્યાન દોર્યું છે. તેમણે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રને અપીલ કરી છે કે તેઓ એ સુનિશ્ચિત કરે કે પરીક્ષા કેન્દ્રો (એક્ઝામ સેન્ટર્સ) પર વિદ્યાર્થીઓ માટે તમામ જરૂરી પ્રાથમિક (બેસિક) સુવિધાઓ ઉપલબ્ધ હોય.

શિક્ષણ મંત્રીએ એક રિવ્યૂ મીટિંગ પણ કરી

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ પહેલા NEET-UG રી-એક્ઝામની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને કડક નિર્દેશ આપ્યા હતા કે પરીક્ષા કેન્દ્રો પર સિક્યોરિટી પ્રોટોકોલ (સુરક્ષા નિયમો)નું ખાસ ધ્યાન રાખવામાં આવે. આ ઉપરાંત, આ પરીક્ષાને નિષ્પક્ષ રીતે કરાવવા માટે દરેક જરૂરી કડક પગલાં લેવામાં આવે. રિવ્યૂ મીટિંગની અધ્યક્ષતા કરતી વખતે શિક્ષણ મંત્રીએ એ વાત પર ભાર મૂક્યો હતો કે અગાઉની પરીક્ષામાં જે ખામીઓ રહી ગઈ હતી, તેને સંપૂર્ણપણે સુધારી લેવામાં આવે અને આ ફરીથી લેવાનાર પરીક્ષામાં તે ખામીઓને દૂર કરવામાં આવે.

ફી રિફંડ માટે કરી શકો છો અરજી

નીટ યુજી રી-એક્ઝામ (NEET UG Re-exam) પહેલા જે ઉમેદવારો પરીક્ષા ફી રિફંડ મેળવવા માટે પાત્ર (એલિજિબલ) છે, તેઓ સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જઈને ફી રિફંડ વિન્ડો દ્વારા અરજી કરી શકે છે.